Abtak Media Google News

૨૦૧૪ની ચૂંટણીમાં દેશભરમાં ફેલાયેલી મોદી લહેરમાં રાજયની તમામ ૨૬ બેઠકો પર હારી જનારા કોંગ્રેસે આ ચૂંટણીમાં ઓછામાં ઓછી ૧૧ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખીને ખાસ ચૂંટણી વ્યૂહ બનાવ્યો: રાહુલે પ્રદેશ આગેવાનો સાથે સંભવિત ઉમેદવારો તથા ચૂંટણીલક્ષી તૈયારી મુદે મસલતો કરી

ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં વલસાડથી ચૂંટણીનું બ્યુગલ ફૂંકયું હતુ વલસાડ પાસે લાલડુંગરી ગામે યોજાયેલી જન આક્રોશ રેલીને સંબોધતા રાહુલ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કરીને ‘ચોકીદાર હી ચોર’ના નારાને વધુ પ્રબળ બનાવ્યો હતો. આ જાહેરસભામાં દોઢથી બે લાખ લોકોને એકત્ર કરવાના દાવાઓ કરતા ઓછી જનમેદની જોવા મળી હતી. પરંતુ આટલી જનમેદની વચ્ચે પણ રાહુલે તેની આક્રમક સ્ટાઈલમાં ભાષણ કરીને મોદી સરકારની રાફેલ સોદા સહિતના વિવિધ મુદે આકરી ઝાટકણી કાઢી હતી.

દિલ્હીથી ખાસ વિમાન દ્વારા બપોરે સુરત એરપોર્ટ પર આવેલા રાહુલને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલ સહિતના આગેવાનો આવકાર્યા હતા જે બાદ હેલીકોપ્ટર દ્વારા સભાસ્થળે લાલડુંગરી પહોચ્યા હતા. લાલડુંગરી ખાતે યોજાયેલી જનઆક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીનું રાહુલે અભિવાદન કર્યું હતુ જે બાદ વિવિધ આગેવાનોના હસ્તે તેમનું આદિવાસી પરંપરા મુજબ સન્માન કરવામાં આવ્યું હતુ.

આ ‘જન આક્રોશ રેલી’ને સંબોધતા રાહુલે વડાપ્રધાન મોદીએ અનિલ અંબાણીને લાભ કરાવવા રાફેલ સોદામાં ફેરફાર કરાવ્યાનો આક્ષેપ કરીને ‘ચોકીદાર હી ચોર હૈ’નું જણાવ્યું હતુ. તેમને મોદી સરકારના શાસનમાં બેરોજગારી વધી હોવાનો, મેઈક ઈન ઈન્ડીયા યોજના માત્ર કાગળ પર હોવાનો, જીએસટીના એકાએક અમલથી વેપારીઓને નુકશાન ગયાનો, નોટબંધી નિષ્ફળ નીવડયા સહિતના આક્ષેપો કર્યા હતા. રાહુલે મોદી સરકાર સીબીઆઈ, ચૂંટણી પંચ, કેગ, રીઝર્વ બેંક જેવી સ્વાયત્ત સંસ્થાઓનો પોતાના રાજકીય લાભ માટે દૂરપયોગ કરી રહ્યાનો આક્ષેપો પણ કર્યા હતા.

આ સભામાં દોઢથી બે લાખની જનમેદની એકઠી કરવાનો પ્રદેશ આગેવાનોએ ટારગેટ રાખ્યો હતો. પરંતુ, અનેક કારણોસર આટલી મેદની એકઠી થઈ ન શકતા રેલી પૂર્વે કોંગ્રેસી આગેવાનો ચિંતામાં અને દોડાદોડી કરતા નજરે ચડતા હતા સભા બાદ રાહુલે પ્રદેશ આગેવાનો સાથે બેઠક યોજીને રાજયમાં લોકસભાની ૨૬ બેઠકો અંગેના સંભવિત ઉમેદવારો અંગે તથા કેન્દ્ર અને રાજયના આગામી ચૂંટણીમાં અસર કરનારા મુદાઓ પર મસલતો કરી હતી આ બેઠકમાં રાજયની વધારેમાં વધારે સીટો જીતવા માટે સ્થાનિક મુદાઓને ધ્યાનમાં ખાસ ચૂંટણી વ્યૂહ બનાવવા રાહુલે આગેવાનોને સૂચનાઓ આપી હતી.

આગામી લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે વલસાડથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવા પાછળ કોંગ્રેસનો વિજયનો તર્ક હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં સ્વ. ઈન્દીરા ગાંધી, સોનિયા ગાંધીએ વલસાડથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરીને વિજય મેળવ્યો હતો. જેથી આગામી ચૂંટણીમાં વિજય મેળવવા કોંગ્રેસીઓ દ્વારા રાહુલને વલસાડથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવ્યો હતો. આજનો રાહુલની રેલી વર્ષ ૨૦૧૭ની રાજય વિધાનસભા ચૂંટણી બાદની પ્રથમ ચૂંટણી સભા હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન રાહુલે રાજયભરમાં સભાઓ અને રેલીઓ યોજી હતી.

આ ચૂંટણીમાં રાહુલે ત્રણ યુવા નેતા હાર્દિક જીજ્ઞેશ અને અલ્પેશના સહારે એક સાથે ત્રણે અલગ અલગ અંદોલનોમાં સમતોલન રાખીને એકલે હાથે પ્રચાર કર્યો હતો. રાહુલના આ ઝંઝાવતી પ્રચાર અને ભાજપ સરકાર સામે વિવિધ સમાજના મતદારોમાં જોવા મળતી નારાજગીના કારણે રાજય વિધાનસભામાં કોંગ્રેસ ૧૮૨માંથી ૭૭ બેઠકો મેળવીને સત્તાની નજીક પહોચી ગઈ હતી જયારે ભાજપને ૯૯ બેઠકો સાથે પાતળી બહુમતી મળી હતી ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમા ભાજપે મોદી લહેરના સહારે રાજયમાં કલીન સ્વીપ કરીને તમામ ૨૬ બેઠકો કબ્જે કરી હતી.

આ ચૂંટણીમાં કોંગ્રેસે મોદીના હોમસ્ટીટમાં ઓછામાં ઓછી ૧૧ બેઠકો જીતવા માટેનો ચૂંટણી વ્યૂહ બનાવ્યો છે. પરંતુ રાજય વિધાનસભાની ચૂંટણીમાં પ્રબળ બનેલા પાટીદાર અનામત, દલિતોને અન્યાય, ઠાકોરોની અવગણના વગેરે મુદાઓ જોઈએ તેટલા અસરકારક રહ્યા નથી સામાન્ય રીતે, લોકસભાની ચૂંટણીમાં રાજયના મુદાઓ કરતા રાષ્ટ્રીય મુદાઓ પર મતદાન થતુ હોય છે.

રાષ્ટ્રીય કક્ષાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધી પ્રમાણીક અને કર્તવ્યનિષ્ઠ નેતાની છાપ રહી છે. પરંતુ અમુક અપ્રિય નિર્ણયોનાં કારણે મોદી સરકાર સામે મતદારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. પરંતુ આંતરીક જુથબંધીમાં રાચતી કોંગ્રેસ આ રોષનો કેટલો લાભ ઉઠાવી શકે છે તે ચૂંટણીમાં મહત્વનું રહેવાની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.