Abtak Media Google News

લોકોના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો લાવવાની દિશામાં તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (સાતત્યપૂર્ણ વિકાસ)માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાનીને “૫૧ મોસ્ટ પાવરફુલ સ્માર્ટ સિટીઝ લીડર્સ” એવોર્ડ પ્રાપ્ત થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાર્યરત્ત “વર્લ્ડ સી.એસ.આર. ડે એન્ડ વર્લ્ડ સસ્ટેનેબિલિટી” સંગઠન દ્વારા તા. ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ મુંબઈ ખાતે યોજાયેલ પરિષદમાં વિશ્વના મોસ્ટ પાવરફુલ સ્માર્ટ સિટીઝ લીડર્સને ઉપરોક્ત એવોર્ડઝ એનાયત કરવામાં આવેલ હતાં.

“વર્લ્ડ સી.એસ.આર. ડે એન્ડ વર્લ્ડ સસ્ટેનેબિલિટી” સંગઠન વિશ્વભરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પર્યાવરણ ઉપરાંત સામાજિક હિતમાં કાર્ય કરી રહેલા મહાનુભાવો, અધિકારીઓ તેમજ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી નિભાવી પોતાનું યોગદાન આપી રહેલી કંપનીઓને પણ વિવિધ માધ્યમોથી સહાયભૂત થવા પ્રયાસ કરે છે અને તેઓની ઉત્કૃષ્ટ ફરજનિષ્ઠાને દર વરસે એવોર્ડઝના માધ્યમથી બિરદાવે છે.

સને : ૨૦૦૫ ની બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી બંછાનિધિ પાનીએ રાજકોટ શહેરમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પદ પર છેલ્લા અઢી વર્ષ દરમ્યાન શહેરી વિકાસના વિવિધ ક્ષેત્રે જે નેત્રદીપક કામગીરી કરી છે તેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ કેવાં બાદ હવે “વર્લ્ડ સી.એસ.આર. ડે એન્ડ વર્લ્ડ સસ્ટેનેબિલિટી” સંગઠન દ્વારા પણ તેઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. આ અગાઉ વર્લ્ડ બેંક, “યુનો”, એશિયન ડેવલપમેન્ટ બેંક, ભારત સરકારશ્રી તરફથી પણ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ રાજકોટને વિકાસપથ પર તેજ રફતારથી દોડતું કરવામાં ઉપરાંત શહેરને લેટેસ્ટ ટેકનોલોજી આધારિત સેવાઓ, સુવિધાઓ અને સાધનોના માધ્યમથી સુસજ્જ કરવા છેલ્લા અઢી વર્ષ દરમ્યાન દિવસ રાત જોયા વગર અથાક પરિશ્રમ કર્યો છે અને તેની ભરપૂર સરાહના પણ થઇ રહી છે .

અત્રે એ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, ઓક્સફર્ડ ઇકોનોમિકસ હેડ દ્વારા તૈયાર થયેલા એક રીસર્ચ અહેવાલમાં પણ આગામી ૧૫ વર્ષ દરમ્યાન વિશ્વના સૌથી ફાસ્ટેસ્ટ ડેવલપિંગ શહેરોમાં રાજકોટનો સમાવેશ કર્યો છે. રાજકોટ શહેર જે ઝડપે અને ક્ષમતા સાથે હાલ વિકસી રહયું છે તેની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ લેવાઈ રહી છે.

આ ઉપરાંત “વર્લ્ડ બેંક”ના મેમ્બર સંગઠન “ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન”(આઈ.એફ.સી.)નાં ગત તા.૩૦ મી નવેમ્બર,૨૦૧૮નાં એક રીપોર્ટમાં એમ જણાવાયું છે કે,આગામી વર્ષ – ૨૦૩૦ સુધીમાંરાજકોટ શહેર ક્લાઈમેટ ક્ષેત્રમાં કુલ આશરે ૪ અબજ ડોલર જેટલું જંગી મૂડી રોકાણ આકર્ષિત કરી શકે એમ છે.

“ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન” દ્વારા આ રીપોર્ટ તૈયાર કરવા માટે વિશ્વભરમાંથી ખાસ પસંદ કરાયેલા છ શહેરોમાંરાજકોટનો પણ સમાવેશ કર્યો હતો. સાઉથ એશિયા રીજીયનમાં આગામી વર્ષ-૨૦૩૦ સુધીમાં કુલ આશરે ૨.૫ ટ્રિલિયન જેટલું કુલમૂડી રોકાણ થવાની ધારણા “ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન” સેવે છે કે પૈકી રાજકોટ ૪ અબજ ડોલર જેવું રોકાણ મેળવી શકે તેવી ક્ષમતા ધરાવતું હોવાનું આ રીપોર્ટમાં દર્શાવાયું છે.

રાજકોટ શહેરને સેઈફ એન્ડ સિક્યોર બનાવવા માટે મહાનગરપાલિકાએ સાકાર કરેલા “રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ” પ્રધાનમંત્રીશ્રી, ભારત સરકારશ્રી ઉપરાંત વર્લ્ડ બેંક દ્વારા પણ સરાહના કરવામાં આવી છે. તો વળી પર્યાવરણ ક્ષેત્રે, ખાસ કરીને વાતાવરણમાં ભળતા કાર્બનના પ્રમાણમાં ક્રમશ: ઘટાડો કરવા મહાનગરપાલિકાએ હાથ ધરેલા અનેક પગલાંઓની “યુનો” દ્વારા પણ પ્રસંશા કરવામાં આવી ચુકી છે. રાજકોટ માટે ગૌરવની વાત છે કે, વિકાસલક્ષી પ્રગતિમાં જે કાંઈ યોજનાઓ અને પ્રોજેક્ટસ અમલમાં મુકાઈ રહયા છે તેને રાષ્ટ્રીય અને આતરરાષ્ટ્રીય સ્તરે સરાહના પ્રાપ્ત થઇ રહી છે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાએ પર્યાવરણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ, તેમજ ડિઝાસ્ટર સામે પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતા આવાસની ડીઝાઈન સાથે સાકાર કરેલી આવાસ યોજનાને “હુડકો”, નવી દિલ્હી દ્વારા એવોર્ડ પણ આપવામાં આવેલ છે. માત્ર એટલું જ નહી ભારત સરકારશ્રીએ દેશના અન્ય શહેરો પણ આ ડીઝાઈન મુજબની આવાસ યોજનાઓ બનાવે તેવો અનુરોધ પણ કરીને રાજકોટનું ગૌરવ વધાર્યું છે. તો વળી, રાજકોટની જાહેર પરિવહન સેવાઓની પણ નોંધ લેવાઈ અને તેને પણ એવોર્ડથી નવાજવામાં આવેલ છે.

આ અગાઉ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીને સને:૨૦૧૨-૧૩માં રૂરલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ “બેસ્ટ ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર” એવોર્ડ અને વર્ષ :૨૦૧૪-૧૫ દરમ્યાન રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં શ્રેષ્ઠ કામગીરી બદલ “બેસ્ટ કલેકટર” એવોર્ડ પણ મેળવી ચુક્યા છે. “ક્લીન સાબરકાંઠા મિશન” માં એક સાથે ૨,૪૧,૪૦૨ લોકોને સાંકળીને હાથ ધરેલા અભૂતપૂર્વ સ્વચ્છતા અભિયાનને “ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ”માં સ્થાન પણ મળ્યું હતું. આ યશકલગીમાં આજે વધુ એક પીછું ઉમેરાતા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.