Abtak Media Google News

દંડ અને વેરા પેટે રૂ ૭.૩૭ લાખથી વધુ રકમનાં વેરા અને દંડની વસુલાત કરતું રાજકોટ જી.એસ.ટી.તંત્ર

માર્ચ માસ પુરો થતાં જ ફરી સક્રિય બનેલા રાજકોટ જીએસટી વિભાગની મોબાઈલ ચેકિંગ ટીમે પણ હાઈ-વે ઉપર ટ્રકોનું સઘન ચેકિંગ ચાલુ રાખેલ છે અને વધુ કેટલાક ઈ-વે બીલ વીનાના અને ઈ-વે બીલમાં ખામી સબબ જુદી જુદી કોમોડીટીના ટ્રકો ઝડપી લઈ વેરા અને દંડની વસુલાત કર્યાનું જીએસટીના સુત્રોમાંથી જાણવા મળેલ છે.

આ અંગેની રાજકોટ જીએસટી વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગના ડીવીઝન ૧૧ની મોબાઈલ ચેકિંગ ટીમોએ કચ્છ અને જામનગર વિસ્તારમાં હાઈ-વે ઉપર ચેકિંગ કર્યું હતું અને આ ચેકિંગ દરમિયાન ઈ-વે બીલ વીનાના અને ખામી યુકત ઈ-વે બીલ સાથે જુદી જુદી ચાર વેપારી પેઢીના ટ્રકોને ઝડપી લીધા હતા. આ અંગેની મળતી વિગતો મુજબ જીએસટીની મોબાઈલ ચેકિંગ ટીમે ટીએમટી બાર (લોખંડ)ના સળીયા સાથેની એક ટ્રક કચ્છ સામખીયાળી હાઈ-વે પરથી ઝડપી લીધી હતી. આ ટ્રકના ધારક પાસે ઈ-વે બીલ ન હોય તંત્ર દ્વારા રૂ.૪.૭૧ લાખના વેરા અને દંડની વસુલાત કરવામાં આવી હતી.

આ ઉપરાંત ડિવીઝન-૧૧ની મોબાઈલ ચેકિંગ ટીમોએ જામનગર વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ખામી યુકત ઈ-વે બીલ અને ઈ-વે બીલ વીનાના કુલ ૩ ટ્રકો ઝડપી લીધા હતા. જેમાં પ્લાસ્ટીક પાઈપ ભરેલા ટ્રકના ધારક પાસેથી રૂ૩૧,૦૦૦ તેમજ અન્ય એક પ્લાસ્ટીક પાઈપ ભરેલા ટ્રકના ધારક પાસેથી રૂ.૪૪૨૮૦ અને બ્રાસ પાર્ટ ભરેલા એક ટ્રકના ધારક પાસેથી રૂ.૧.૯૧ લાખના દંડ અને વેરાની વસુલાત કરી હતી. આમ ડિવિઝન-૧૧ની મોબાઈલ ચેકિંગ ટીમે કુલ ચાર ટ્રકો ઝડપી વેરા અને દંડ પેટે રૂ.૭.૩૭ લાખની વસુલાત કરી હતી.

મોરબીની એક સિરામિક પેઢીમાંથી રૂ૬.૦૮ લાખની કરચોરી ઝડપાઈ

એક પેઢીમાંથી હિસાબી સાહિત્ય જપ્ત: અન્ય બે પેઢીઓમાં હજુ તપાસ ચાલુગઈકાલે રાજકોટ જીએસટી વિભાગના ડિવિઝન-૧૦ દ્વારા મોરબી ખાતે જુદા જુદા ચાર સીરામીક એકમો ઉપર કરચોરી અંગે દરોડા પાડી સઘન તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ તપાસો ગઈકાલે મોડી રાત સુધી ચાલી હતી. આ તપાસ દરમિયાન જીએસટી તંત્રને એક પેઢીમાંથી રૂ.૬.૦૮ લાખની કરચોરી હાથ લાગી હતી અને વેરાની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક સીરામીક એકમમાંથી થોકબંધ હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવેલ હતું. જયારે અન્ય બે સીરામીક પેઢીઓમાં હજુ તપાસ ચાલી રહી હોવાનું જીએસટીના સુત્રોએ જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.