Abtak Media Google News

સરહદ વેચાણ પર આજથી પ્રતિબંધ; વેપારની આડમાં પાકિસ્તાન હથિયાર અને ડ્રગ્સ મોકલતું હતું:

સ્થાનિકોને એકબીજાની ચીજવસ્તુઓ મળી શકે માટે સપ્તાહમાં ચાર દિવસ વેપારની મંજૂરી હતી

ભારત સરકારે પાકિસ્તાન સાથે એલઓસીના રસ્તે થતો બધો જ વેપાર શુક્રવારથી બંધ કરવાનો આદેશ કર્યો છે. ગૃહ મંત્રાલયે ગુરુવારે સાંજે આ આદેશ જારી કર્યો હતો. સરકારને એવી માહિતી મળી હતી કે, પાકિસ્તાનમાં બેઠેલા કેટલાક અરાજકતાવાદીઓ ગેરકાયદે હથિયારો, ડ્રગ્સ અને નકલી નોટો વગેરે ભારતમાં ઘૂસાડવા આ જ રૂટનો ઉપયોગ કરતા  હતા. પુલવામા આતંકી હુમલા પછી સરકારે પહેલેથી જ પાકિસ્તાન સાથે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઈ લીધો હતો.

નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં સ્થાનિકો એકબીજાની ચીજવસ્તુઓનું આદાનપ્રદાન કરી શકે એ માટે એલઓસી વેપારને મંજૂરી અપાઈ હતી. બારામુલા જિલ્લાના સલમાબાદ (ઉરી) અને પૂંચ જિલ્લાના ચક્કન દા બાગ- એમ બે કેન્દ્ર પર અઠવાડિયાના ચાર દિવસ આ વેપાર થતો હતો. ભારત-પાક.નો એલઓસી વેપાર ચીજ વસ્તુઓના આદાનપ્રદાન પર આધારિત છે, અને તે ઝીરો ડ્યુટી પર આધારિત છે.

પાકે. એલઓસી વેપારનું રૂપ બદલી નાંખ્યું હતું: સૂત્રોના જણાવ્યાનુસાર, હાલના સમયમાં એલઓસી વેપારનું રૂપ બદલાઈ ગયું હતું. આ રૂટ પર સ્થાનિક ચીજવસ્તુઓ જ નહીં, પાકિસ્તાનના અન્ય હિસ્સામાંથી આવતા ઉત્પાદનો પણ ભારતમાં ઘુસાડાતા હતા. દેશવિરોધી તત્ત્વો આ રસ્તાનો ઉપયોગ ભારતમાં અરાજકતા ફેલાવવા માટે કરતા હતા.

ભારતે પાક.નો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો લઈ લીધો હતો: પુલવામા હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. એ વખતે પણ સરકારને એલઓસી વેપાર રૂટ પર ગેરકાયદે ગતિવિધિની બાતમી મળતી હતી.આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક અસરથી સલમાબાદ અને ચક્કન બાગ વેપાર સંપૂર્ણપણે બંધ કરી દીધો છે.

ગૃહમંત્રાલયે શું કહ્યું: એનઆઈએને કેટલાક કેસમાં તપાસ કરતા માલુમ પડ્યું છે કે, એલઓસીના રસ્તે વેપાર કરનારામાં બહુ જ મોટી સંખ્યા એ લોકોની છે, જે આતંકવાદ અને ભાગલાવાદને ભડકાવવામાં સામેલ પ્રતિબંધિત આતંકી સંગઠનો સાથે સંબંધ રાખે છે.

આ કારણસર એલઓસી વેપાર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ દરમિયાન તમામ સુરક્ષા એજન્સીઓ સાથે વાતચીત કરીને કડક દેખરેખ રાખવા તંત્ર ઊભું કરવામાં આવશે. હવે સખ્ત નિયમો બનાવવા માટે કામ કરાઈ રહ્યું છે અને ત્યાર પછી એલઓસી વેપાર માર્ગો ખોલવા કે નહીં એ નિર્ણય લેવાશે.

રાહત પેકેજ મળે તે પહેલાં પાક. નાણામંત્રી ઉમરનું રાજીનામું: પાક.ના નાણામંત્રી અસદ ઉમરે ગુરુવારે અચાનક જ રાજીનામું આપી દીધું હતું. ઉમરે ટ્વિટર કરી આ માહિતી આપી હતી. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને ઈંખઋ પાસે રાહત પેકેજની માંગણી કરી છે, એ માટેની વાતચીતમાં તેઓ સામેલ હતા.

૩ દિવસ પહેલાં જ તેઓ અમેરિકાથી આવ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ હવે કોઈ કેબિનેટ પદ નહીં લે.વડાપ્રધાન ઇમરાન ખાને તેમને નાણામંત્રાલયના સ્થાને ઊર્જા મંત્રાલયની જવાબદારી આપવાની વાત કરી હતી પરંતુ તેમણે તેનો ઇનકાર કર્યો છે. સરકાર માટે કડક નિર્ણય લેવાનો સમય છે.

તો જ પાકિસ્તાન આર્થિક તંગીમાંથી બહાર નીકળી શકશે. મને હટાવવાનું કોઈ ષડયંત્ર રચાયું હોય તે હું નથી જાણતો. મેં આઈએમએફ સાથે બહેતર શરતો પર પાકિસ્તાન માટે રાહત પેકેજની વાત કરી હતી પણ એવો કોઈ નિર્ણય લીધો નથી કે જેનાથી દેશને નુકસાન થાય. મેં મારી જવાબદારી પૂરી કરી છે. આઈઆઈએફને મેં જે જણાવ્યું છે તેનો અમલ થવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.