Abtak Media Google News

નિફટીમાં પણ ૧૦૩ પોઈન્ટનો ઉછાળો: ડોલર સામે ‚પિયો ૬ પૈસા નબળો

કેન્દ્રમાં પ્રચંડ બહુમતી સાથે નરેન્દ્ર મોદીની સરકાર ફરી રચાવવા જઈ રહી છે ત્યારે ચુંટણી પરિણામનાં દિવસથી ભારતીય શેરબજારમાં શરૂ થયેલી તેજી એક ધારી આગળ વધી રહી છે. આજે ઉખડતા સપ્તાહે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષમાં ઉછાળા જોવા મળ્યા હતા. સેન્સેકસ ફરી ૪૦,૦૦૦ની સપાટી હાંસલ કરવા માટે જયારે નિફટી ૧૨,૦૦૦ની સપાટી હાંસલ કરવા માટે જાણે તલપાપડ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયામાં મજબુતી જોવા મળી હતી જોકે બપોરે આ તેજી ધોવાઈ ગઈ હતી અને ડોલર સામે રૂપિયો ૬ પૈસા નબળો પડયો હતો.

લોકસભાની ચુંટણીનાં પરિણામનાં દિવસે સેન્સેકસમાં ૧૩૦૦થી વધુ પોઈન્ટની અફડા-તફડી જોવા મળી હતી. સપ્તાહનાં અંતિમ ટ્રેડીંગ સેશન એટલે કે શુક્રવારે પણ બજારમાં ૫૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. આગામી ૩૦મી મેનાં રોજ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ બીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે જાણે શેરબજાર તેઓની શપથવિધિનાં આગોતરા વધામણા કરી રહ્યું હોય તેમ આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટીમાં જોરદાર ઉછાળા જોવા મળ્યા હતા.

લગાતાર તેજીનો દૌર ચાલુ રહેતા રોકાણકારોમાં પણ ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૨:૪૦ કલાકે સેન્સેકસ ૩૨૧ પોઈન્ટનાં ઉછાળા સાથે ૩૯,૭૫૫ અને નિફટી ૧૦૨ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૧,૯૪૬ પર ટ્રેડ કરી રહ્યું છે. અમેરિકી ડોલર સામે રૂપિયામાં ૬ પૈસાનો સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે અને રૂપિયો ૬૯.૫૯ પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.