Abtak Media Google News

દરેક મંત્રીઓને તેમના મંત્રાલયના આગામી પાંચ વર્ષના કામકાજનો અજેન્ડા 100 દિવસમાં તૈયાર કરવા વડાપ્રધાન મોદીની તાકિદ

તાજેતરમાં સ્પષ્ટ બહુમતિ સાથે બીજી વખત સતાગ્રહણ કરનારી મોદી સરકારની પ્રથમ કેબીનેટ બેઠક ગઈકાલે મળી હતી. વડાપ્રધાન મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં દરેક વિભાગોનાં આગામી પાંચ વર્ષનાં એજન્ડાઓ 100 દિવસમાં ઘડી કાઢવાનો નિર્ણય કરાયો હતો. વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓને તેમના કામ કરવાની પધ્ધતિમાં ફેરફાર કરવાની સૂચના આપીને પ્રોફેશનલ એપ્રોચ પ્રમાણે વર્ક સ્ટાઈલ ફેરવવા જણાવ્યું હતુ વડાપ્રધાન મોદી દરેક મંત્રીઓને પ્રોફેશનલ એપ્રોચ સાથે ‘કોર્પોરેટ ટચ’ આપીને કામ કરવા સુચના આપી છે. તેનાથી વડાપ્રધાન મોદી હવે સીઈઓ બનીને આગામી પાંચ વર્ષમાં કામ કરવા માંગે છે. તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.

ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ દરેક મંત્રીઓને ઘરે બેસીને કામ કરવાના બદલે સવારે 9.30 વાગ્યા સુધીમાં મંત્રાલયે પહોચી જઈને ‘પ્રોફેશનલ એપ્રોચ’ સાથે કામ કરવા સૂચના આપી હતી. દરેક મંત્રીઓએ તેમનું કામકાજ શરૂકરતા પહેલા તેમના વિભાગ અધિકારીઓ સાથે રોજબરોજના કામો અંગેની પૂર્વ તૈયારી માટેની ચર્ચા કરવા પણ જણાવ્યું હતુ સંસદના આગામી સત્ર દરમ્યાન તમામ મંત્રીઓને પ્રવાસ ટાળીને દિલ્હીમાં ઉપસ્થિત રહીને સંસદમાં નિયમિત હાજરી આપીને થતી ચર્ચામાં સક્રિય ભાગ લેવા પણ વડાપ્રધાન મોદીએ તાકિદ કરી હતી.

વડાપ્રધાન મોદીએ દરેક મંત્રીઓને તેમના વિભાગમાં આગામી પાંચ વર્ષ દરમ્યાન કરવામાં આવનારી કામગીરી અંગેનો અજેન્ડા 100 દિવસમાં ઘડી તૈયાર રાખવા પણ સુચના આપી હતી. મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળ દરમ્યાન સમયબધ્ધતાનું ઉદાહરણ આપતા જણાવ્યું હતુ કે તેઓ નિયમિત 9.30 વાગ્યા સુધીમાં સીએમ કાર્યાલયે પહોચી જતા હતા તેના કારણે તેમના તમામ અધિકારીઓ પણ તે પહેલા પહોચી જતા હતા અને સૌ પ્રથમ આખા દિવસની કામગીરીનું આયોજન ઘડી કાઢતા હતા તેના કારણે વધારે આયોજનબધ્ધ કામ કરી શકાતું હતુ.

મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને નવા વરાયેલા જુનીયર મંત્રીઓ સાથે મળીને કામ કરવા સુચના આપીને વડાપ્રધાન મોદીએ દરેક મંત્રીઓને સાંસદોને મળવા માટેનો પૂરતો સમય આપવા જણાવ્યુંં હતુ. મોદીએ એપણ સ્પષ્ટ કર્યું હતુ કે મંત્રી અને સાંસદો વચ્ચે કોઈ વધારે ફરક નથી તેથી સાંસદોને મહત્વ આપવું જરૂરી છે. આ કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં સેન્ટ્રલ એજયુકેશન ઈન્સ્ટિટયુટ બિલ 2019ને મંજૂરી આપવામાં આવી હતી. જે દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એવી યુનિવર્સિટી અને કોલેજોમા સીધી ભરતી દ્વારા સાત હજાર જગ્યાઓ ભરવામાં આવશે. ઉપરાંત આ બેઠકમાં સરકારી નોકરીઓમાં એસ.સી., એસ.ટી, ઓબીસીને બઢતી માટે જુની રોસ્ટર સિસ્ટમ યથાવત રાખવાનો નિર્ણય કરાયો હતો.

200 પોઈન્ટ રોસ્ટર સિસ્ટમથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ખાલી પડેલી 7000 જગ્યાઓની સીધી ભરતી કરવામાં આવશે તેમાં એસ.ટી, એસસી, ઓબીસી અને આર્થિક રીતેછાત સર્વર્ણોને અનામતનો લાભ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટનાં 2017ના હુકમ બાદ દેશભરની યુનિવર્સિટીઓ દ્વારા માર્ચ 2018થી આ ભરતીઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કેન્દ્રીય કેબીનેટના આ નિર્ણય બાદ આ ભરતીનો માર્ગ ફરીથી ખૂલશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.