Abtak Media Google News

એક પછી એક કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો કોંગ્રેસના નેતૃત્વથી પરેશાન થઈને તેમની સામે  આક્રોશ વ્યકત કરીને કોંગ્રેસ છોડી જઈ રહ્યાં હોય ત્યારે ભાજપને દોષ દેવાની જરૂર નથી

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ કોંગ્રેસના ધારાસભ્યોના આબુ/પાલનપુર પ્રવાસ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ નિવેદનોમાં જ વિસંવાદિતા છે. કોંગ્રેસના નેતાઓ આબુ/પાલનપુર પ્રવાસ અંગે કહી રહ્યાં છે કે, લોકતંત્ર બચાવવા માટે, કોંગ્રેસ બચાવવા માટે, મિનીવેકેશન માટે, શિબીર માટે તેમજ ભાજપ અમારા ધારાસભ્યોને તોડી ન નાંખે એટલા માટે આબુ/પાલનપુર લઈ જઈએ છીએ. કોંગ્રેસનાં નિવેદનોમાં જ હતાશા, ખોટી દલીલો અને નેતૃત્વની નિષ્ફળતા છે. હકીકતમાં કોંગ્રેસમાં આંતરીક જૂથબંધીની પરાકાષ્ઠા છે. આબુ/પાલનપુર પ્રવાસ કોંગ્રેસના નેતૃત્વનો કોંગ્રેસના ધારાસભ્યો ઉપર અવિશ્વાસનો પ્રવાસ  છે.

પંડયાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં બનાસકાંઠામાં અતિવૃષ્ટિ થઈ ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રીઓ તેમજ ધારાસભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ પૂર-પીડિતોની સેવામાં દિવસ-રાત કાર્યરત હતાં ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો કર્ણાટકની ફાઈવ સ્ટાર હોટલ/રીસોર્ટમાં જલસા કરતાં હતાં. આ દૃશ્યો ગુજરાતની જનતા હજૂ ભૂલી શકી નથી. કોંગ્રેસ પ્રજાથી દૂર ભાગી રહી છે. કોંગ્રેસનું નેતૃત્વ પણ તેના ધારાસભ્યોથી દૂર ભાગી રહ્યું છે. કોંગ્રેસ ડૂબતી નાવ છે. કોંગ્રેસ હંમેશા દેશહિત કે જનહિતની વિચારધારાથી વિપરીત કાર્યક્રમો કરતી રહી છે. કોંગ્રેસ માત્ર ને માત્ર પ્રજાને ઉશ્કેરવાનું કામ કરતી રહી છે. ભાજપ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરવાને બદલે કોંગ્રેસ પોતાનું ઘર સાચવવામાં પોતાની સમય અને શક્તિ વાપરે. આવા સમયમાં કોંગ્રેસ પોતાના ઘરને સાચવી શકતી નથી એટલે ભાજપ ઉપર ખોટા આક્ષેપો કરે છે. કોંગ્રેસ હંમેશા વેકેશનમાં જ હોય છે તેમજ  કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકતી નથી.

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગત લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ૨૬ માંથી ૨૬ સીટો આપી છે. ફરીથી, દેશની જનતાએ જંગી બહુમતીથી નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવ્યાં છે. નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું કૂશળ, શક્તિશાળી અને શ્રેષ્ઠ નેતૃત્વ દેશને મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસે માત્ર ઈર્ષ્યા અને દ્વેષથી ભાજપ ઉપર ખોટા આક્ષેપો ન કરવા જોઈએ.

પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ કયા લોકતંત્રની વાત કરે છે? આ એ કોંગ્રેસ છે જેણે સમગ્ર દેશમાં કટોકટી નાંખી હતી. દેશને બાનમાં લીધો, લાખો લોકો પર અત્યાચાર કર્યાં તેમજ જેલમાં પૂર્યાં અને મિડીયાને બાનમાં લીધું હતું. હવે, કોંગ્રેસ લોકતંત્રની વાતો કરવા નીકળી છે. લોકશાહી બચાવવાની વાતો કરે છે. જેણે કલમ ૩૫૬નો ૫૦ વાર દૂર ઉપયોગ કરીને લોકમત અને બહુમતથી ચૂંટાયેલ રાજય સરકારોને ઘર ભેગી કરવાનું પાપ કોંગ્રેસ કર્યું હતું .આ એ કોંગ્રેસ છે જેણે ભારતના સંવિધાનમાં ૮૬ વાર સુધારા કર્યાં હતાં. અત્યારે  કોંગ્રેસ સંવિધાનની વાતો કરી રહી છે તે કોંગ્રેસના મોઢે આ વાત શોભતી નથી. કોંગ્રેસ પોતાનું ઘર સાચવે ભાજપ ઉપર ખોટા આક્ષેપો ન કરે. કોંગ્રેસ ડુબતી નાવ છે ત્યારે એક પછી એક કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો કોંગ્રેસના નેતૃત્વથી પરેશાન થઈને તેમની સામે આક્રોશ વ્યકત કરીને કોંગ્રેસ છોડી જઈ રહ્યાં હોય ત્યારે ભાજપને દોષ દેવાની જરૂર નથી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.