શા માટે રાજકારણીઓ કોમી વૈમનસ્ય ફેલાવે છે??

એક હોદા ઉપર પહોંચ્યા બાદ જીભને કાબુમાં રાખવી જરૂરી

ધર્મને લગતા નિવેદનો આપી જાણી જોઈને વિવાદમાં પડવા પાછળનું કારણ શું ? આવું કરીને લાઇમ લાઈટમાં આવવા માંગે છે ?

એક હોદા ઉપર પહોંચ્યા બાદ જીભને કાબુમાં રાખવી જરૂરી બની રહે છે. કઈ પણ બોલ્યા પહેલા તેની સમાજ ઉપર શુ અસર થશે તે વિચારવું ખૂબ જરૂરી છે. જો કે અત્યારના સમયમાં નેતાઓ જાણે ધર્મના નામે વિવાદો જાણીજોઈને જ ઉભા કરવા માંગતા હોય તેમ બેફામ નિવેદનો આપતા હોય છે. આ નેતાઓની જીભ ઉપર હવે નિયંત્રણ મુકવાની તાતી જરૂર છે. રાજકારણીઓ બેફામ વાણી વિલાસ કરીને કોમી વૈમનસ્ય ફેલાવી રહ્યા છે. ધર્મને લગતા નિવેદનો આપી જાણી જોઈને વિવાદમાં પડવા પાછળનું કારણ શું ? આવું કરીને લાઇમ લાઈટમાં આવવા માંગે છે ? આવા પ્રશ્નો અત્યારે સામાન્ય પ્રજામાં ઉદભવી રહ્યા છે. નેતાઓ તો સુરક્ષા ધરાવતા હોય છે. માટે તેઓ સુરક્ષિત રહે છે. પણ આવા નિવેદનો આપ્યા બાદ સામાન્ય પ્રજા અસુરક્ષિત થઈ જાય છે. નૂપુર શર્માનું જ નિવેદન જોઈએ તો તેઓએ પયગમ્બર સાહેબને લઈને જે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેના અનેક લોકોને હિંસાનો ભોગ બનવું પડ્યું હતું. આ ઉપરાંત બે લોકોએ તો જીવ પણ ગુમાવવો પડ્યો હતો.

હજુ નૂપુર શર્માની જીભે લગાડેલી આગ ઠરી નથી, ત્યાં ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ વિવાદાસ્પદ નિવેદન આપતા ઠેર ઠેરથી ફિટકાર

નેતાઓને ખબર છે કે ધર્મને લગતી ટિપ્પણી કરવાથી વરવા પરિણામ આવવાના છે. છતાં તેઓ આવું કરીને સમાજની શાંતિ ડહોળી રહ્યા છે. માટે હવે સરકારે નેતાઓની જીભ ઉપર નિયંત્રણ મુકવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. અને સાણી પ્રજા એ વાતથી પણ વાકેફ છે કે અમુક બેઆબરુ નેતાઓ પોતાના સ્વાર્થ માટે કોમી વિખવાદ કરાવવામાં સહેજ પણ વિચાર કરતા નથી. જો આવુને આવું ચાલ્યા રાખ્યું તો ભારત દેશ ઉપરથી બિનસાંપ્રદાયિકતાનું લેબલ હટતા વાર નહિ લાગે. નેતાઓના બેફામ બફાટ આજ કાલની ઘટના નથી. આવું વર્ષોથી ચાલ્યું આવી રહ્યું છે. પણ હવે આ બેફામ બફાટના પરિણામો વધુ ખરાબ આવી રહ્યા છે. કારણકે સોશિયલ મીડિયા આ બફાટને દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડી રહ્યું છે. નેતાના બફાટને સોશિયલ મીડિયા બન્નેના સમન્વયથી પરિણામો હિંસાત્મક આવી રહ્યા છે. બીજું કે કોઈ વિવાદાસ્પદ નિવેદન થોડા દિવસો પૂરતું સીમિત રહેતું નથી. સોશિયલ મીડિયામાં તે વાયરલ થઈ થઈને વર્ષો સુધી લોકોની આસ્થાને ઠેસ પહોંચાડ્યા કરે છે. જો કોઈ વ્યક્તિ આવેગમાં આવીને આ નિવેદનને સમર્થન આપે પછી સ્થાનિક કક્ષાએ હિંસા ફાટી નીકળે છે. આ બધી હિંસાના મૂળમાં નેતાનું વિવાદાસ્પદ બયાન જ જવાબદાર હોય છે. પણ કમનસીબે તેની સામે કોઈ કડક પગલા લેવાતા નથી.

મહુઆ મિયાત્રાના નિવેદનથી હોબાળો મધ્યપ્રદેશ નોંધાઈ એફઆઈઆર

હજુ નૂપુર શર્માનો વિવાદ શમ્યો નથી. ત્યાં ફિલ્મ કાલીના વિવાદિત પોસ્ટરને લઈને નિવેદન આપી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા ફસાયા છે. પહેલા પાર્ટીએ અંગત નિવેદન ગણાવી દીધુ તો દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે મધ્ય પ્રદેશની રાજધાનીમાં પણ મોઇત્રા વિરુદ્ધ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. તો મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચૌહાણે કહ્યુ કે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન સાખી લેવામાં આવશે નહીં.  ઉલ્લેખનીય છે કે ફિલ્મ કાલીના વિવાદિત પોસ્ટરને લઈને એક ટીવી શો દરમિયાન પૂછવામાં આવેલા સવાલના જવાબમાં મહુઆએ કહ્યું હતું કે દેવી કાલી માંસ ખાનારા અને દારૂનો સ્વીકાર કરનારા દેવી છે. થોડા સમય બાદ મમતા બેનર્જીની પાર્ટીએ મહુઆના નિવેદનથી પોતાને દૂર કરતા કહ્યું કે આ તેનું અંગત નિવેદન છે અને પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. મહુઆ વિરુદ્ધ મંગળવારે દિલ્હી અને યુપીમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને બંગાળમાં ભાજપે પાર્ટીમાંથી બહાર ન કરાતા આંદોલનની ચેતવણી આપી છે.