Abtak Media Google News

મારી ગેરહાજરીમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જનજન સુધી પહોંચી લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ પહોંચાડ્યો અને મને વિજય અપાવ્યો તે બદલ હું દરેક કાર્યકર્તાને બે હાથ જોડી ઝૂકીને વંદન કરું છું: અમિતભાઇ શાહ

લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર લોકસભા બેઠક પર ઐતિહાસિક લીડથી વિજય અપાવવા બદલ યોજવામાં આવેલ ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના કાર્યકર્તાઓના અભિવાદન સમારોહને સંબોધતા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, મારી ગેરહાજરીમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જનજન સુધી પહોંચી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ પહોંચાડ્યો અને મને વિજય અપાવ્યો તે બદલ હું દરેક કાર્યકર્તાને બે હાથ જોડી ઝૂકીને વંદન કરું છું.

શાહે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ભાજપાની સમગ્ર દેશમાં માત્ર ૨ બેઠક આવી હતી ત્યારે, કોંગ્રેસના રાજીવ ગાંધીએ સંસદમાં ટોણો માર્યો હતો કે ભાજપા પરિવાર નિયોજન મેં માનતી હૈ હમ દો હમારે દો. આવી નિમ્નકક્ષાની ભાષાનો પ્રયોગ કરી તેમણે ભાજપાનો મજાક ઉડાવ્યો હતો. પરંતુ ભાજપાના કાર્યકર્તાનો ઉત્સાહ અને હિંમત નહોતી તૂટી કારણ કે ભાજપા સત્તા અને વિજય માટે નહીં પરંતુ માં ભારતીને સર્વોચ્ચ સ્થાને પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. કોંગ્રેસ દરેક પરાજય પછી તૂટી છે અને તેનું વિભાજન થયું છે જ્યારે, ભાજપા દરેક પરાજય પછી મજબૂત બની છે. પરાજયથી નિરાશા નહીં અને વિજયથી અહંકાર નહીં એ ભાજપાના કાર્યકર્તાનો ગુણધર્મ છે. શાહે જણાવ્યું હતું કે, હજી પણ ભાજપાને આગળ લઈ જવાની છે જ્યાં સુધી તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળ જેવા રાજ્યોમાં ભાજપનો રાષ્ટ્રવાદી વિચાર નહીં પહોંચે ત્યાં સુધી ભાજપાનું લક્ષ્ય અધૂરું છે.

ભૂતકાળમાં એવો સમય હતો જ્યારે, ભારતના પ્રધાનમંત્રી વિદેશ જતા ત્યારે તેમને કોઈ પૂછતું પણ નહીં અને છેલ્લા પાંચ વર્ષમાં સમગ્ર દેશ જોઈ શકે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યાં જ્યાં જાય છે તે દરેક જગ્યાએ ભારતનો પ્રભાવ પડે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય હવે ભારતને અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યો છે. આજે મોદી સરકારના શાસનમાં ભારતના પાસપોર્ટનું મહત્વ સમગ્ર વિશ્વમાં વધ્યું છે. દેશના ૫૦ કરોડ નાગરિકો કે જેઓએ ગરીબીને પોતાનું ભાગ્ય માની લીધું હતું, અવ્યવસ્થાને જીવનનો હિસ્સો માની લીધો હતો તેમને સુવિધાસભર જીવન આપવાનું, સન્માન આપવાનું કાર્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.

૧૯૬૦ પછી વર્ષો સુધી કોંગ્રેસે દેશમાં પ્રત્યેક ચૂંટણીઓ જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણના આધારે લડી અને જીતી છે. વોટબેંકની રાજનીતિને કારણે દેશની સુરક્ષાને નેવે મૂકી દેવામાં આવતી હતી પરંતુ, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જાતિવાદ, તુષ્ટિકરણ અને પરિવારવાદનો અંત આવ્યો અને લોકકલ્યાણ માટે કરેલા કાર્યોના આધાર પર, વિકાસવાદી રાજનીતિના આધાર પર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડવામાં આવી અને પ્રચંડ વિજય મેળવ્યો છે. એક સમય હતો કે મ્યુનિસિપાલિટીની ચૂંટણી જીતવી જનસંઘ માટે ખૂબ મોટી વાત હતી, અનેક પેઢીઓએ પોતાના જીવનના ઉત્તમ વર્ષ આ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ન્યોછાવર કરી દીધા. ચાર-ચાર પેઢીઓએ કરેલા અથાક પરિશ્રમનું ફળ આજે આપણે ભોગવી રહ્યા છીએ તે ભાજપાના દરેક કાર્યકર્તા માટે એક સૌભાગ્યની બાબત છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમૃદ્ધ ભારત, સુરક્ષિત ભારતની સાથે વિશ્વમાં સૌથી મોટા ત્રણ અર્થતંત્રોમા એક સ્થાન પ્રાપ્ત કરવું એ આપણું લક્ષ્ય છે. આગામી સમયમાં શરૂ થનાર સંગઠન પર્વ વિશે વાત કરતા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ભાજપા ગુજરાતના દરેક કાર્યકર્તા વૈજ્ઞાનિક રીતે પાર્ટીને મજબૂત કરવા માટે આગળ વધે. સદસ્યતા સાથે સેવાના ભાવ સાથે દરેક બુથમાં પાંચ વૃક્ષો વાવી, દરેક ગામમાં જળસંચયની વ્યવસ્થા ઊભી કરી, છેવાડાના માનવીને ભાજપાની વિકાસલક્ષી અને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સાંકળી ભાજપાને મજબૂત બનાવવાની સાથે હરિયાળા ગુજરાતનું નિર્માણ થાય તેવો આશાવાદ  શાહે વ્યક્ત કર્યો હતો. અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ૨૦૨૨માં આઝાદીના ૭૫ વર્ષ થઇ રહ્યા છે, જ્યારે મહાત્મા ગાંધીજીને ૧૫૦ વર્ષ થઇ રહ્યા છે. આ બંને ઘટના ભારત માટે અતિ મહત્વપૂર્ણ ઘટનાઓ છે. મહાત્મા ગાંધીજીનો વિચાર ગુજરાતના ઘર સુધી પહોંચાડવાનું કાર્ય ભાજપાના કાર્યકર્તાએ કરવાનું છે. ૧૫૦ કલાકની પદયાત્રાના માધ્યમથી મહાત્મા ગાંધીજીના વિચાર જેવા કે  સ્વચ્છતા, ખાદી, જળસંચય, અંત્યોદય, અહિંસાને જન-જન સુધી પહોંચાડવાના છે.

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રની જનતાનો પ્રચંડ જીત અપાવવા બદલ આભાર વ્યક્ત કરતા શાહે જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં ગાંધીનગર વિસ્તારને દેશમાં સૌથી વધુ વિકસિત ક્ષેત્ર બનાવવા માટે તેઓ કટિબધ્ધ છે. શાહે અંતમા ફરી એકવાર કાર્યકર્તાઓને ગાંધીનગરની ગૌરવપૂર્ણ સીટ પરથી પ્રતિનિધિ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યકર્તા અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પણ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ભાજપાના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર કાકા, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી/ઉપાધ્યક્ષ, સરકારના મંત્રીશ્રીઓ, મેયર, ધારાસભ્ય, કર્ણાવતી તેમજ ગાંધીનગર મહાનગરના શહેર/જિલ્લા પ્રમુખ મહામંત્રી  અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Bjp-Workers-Sow-Five-Trees-In-Every-Booth-Amit-Shah
bjp-workers-sow-five-trees-in-every-booth-amit-shah

65863411 3048264791865362 649816865278787584 O

Bjp-Workers-Sow-Five-Trees-In-Every-Booth-Amit-Shah
bjp-workers-sow-five-trees-in-every-booth-amit-shah

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.