Abtak Media Google News

જાગરણની રાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે યુવાને નજીવી બાબતે જીવ ગુમાવ્યો: ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી રહેસી નાખ્યો

શહેરમાં ટ્રાફિક સમસ્યાના કારણે નાના-મોટા અકસ્માતની ઘટના રોજીંદી બની છે ત્યારે બાઇક અથડાવવા જેવી સામાન્ય બાબતે વધુ એક યુવકની હત્યા થયાનું પોલીસમાં નોંધાયું છે. જયા પાર્વતી નિમિતે યુવતીઓનું જાગરણ હોવાથી પોલીસ દ્વારા સમગ્ર શહેરના જાહેર માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવ્યું હતુ ત્યારે એક્ટિવા અથડાવવાના પ્રશ્ને થયેલી બોલાચાલીના કારણે ભીલ યુવાનને નાણાવટી ચોકમાં ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું પોલીસમાં જાહેર થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટાફે હત્યા કરી ફરાર ચારેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર આવેલા બ્રહ્મસમાજ ચોક પાસે શિવપરા શેરી નંબર ૨માં રહેતા અને છુટક મજુરી કામ કરતા આકાશ ભગવાનજીભાઇ રાઠોડ નામના ૨૨ વર્ષના ભીલ યુવાનનું ગાંધીગ્રામ વિસ્તારના નાણાવટી ચોક પાસે એક્ટિવા અથડાતા સહેજાદ ઉર્ફે નવાબ, ફૈઝલ, અંકિત અને વિનય નામના શખ્સોએ છરીથી હુમલો કરી હત્યા કર્યા અંગેની આશિષ ભગવાનજીભાઇ રાઠોડે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આકાશ રાઠોડ પોતાના મિત્ર નરેન, સદામ અને આશિષ સાથે ગાંધીગ્રામના નાણાવટી ચોકમાં ડિલકસ પાનની દુકાને ફાકી ખાવા માટે ઉભા હતા ત્યારે સહેઝાદ ઉર્ફે નવાબ અને વિનય ડબલ સવારી એક્ટિવામાં આવ્યા હતા અને આશાક સાથે એક્ટિવા અથડાતા તે પડી ગયો હતો. અકસ્માત થતાં બંને વચ્ચે બોલાચાલી થતા સદામ બંનેને છોડવતો હતો ત્યારે નવાબે પોતાના મોબાઇલમાંથી ફૈઝલ અને અંકિતની સાથે વાતચીત કરી ઘટના સ્થળે બોલાવી લીધા હતા. આકાશને ફૈઝલ, અંકિત અને વિનયએ પકડી રાખ્યા બાદ સહેઝાદ ઉર્ફે નવાબે પેટમાં છરીના ઘા ઝીંકી ચારેય શખ્સો ભાગી ગયા હતા.ગંભીર રીતે ઘવાયેલા આકાશ રાઠોડને સારવાર માટે અંકિત રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો અને સદામે આકાશના મોટા ભાઇ આશિષ રાઠોડને હુમલા અંગેની જાણ કરતા તે હોસ્પિટલ દોડી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આકાશ રાઠોડનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કરતા ભીલ પરિવારમાં અરેરાટી સાથે શોકમગ્ન બની ગયા હતા.

હત્યાની ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ રાહુલ વ્યાસ, ભાનુભાઇ મિયાત્રા અને રશ્મીનભાઇ પટેલ સહિતના સ્ટાફે ચારેય શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે. મૃતક બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને છુટક કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.