Abtak Media Google News

ગીરમાં મહિલાઓ ગાઈડ બન્યા પછી હવે દેશ વિદેશના પ્રવાસીઓને આવકારવા સજ્જ થઈ છે. મિઝોરમ  અને મણિપુર માં હોમ સ્ટે પ્રોજેક્ટ મંજૂર કર્યા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગે ગુજરાતમાં નર્મદા અને હવે સાસણ અને ગીર આસપાસના ગામડાઓની મહિલાઓને પગભર કરવા હોમ સ્ટે પ્રોજેક્ટને લીલીઝંડી આપી છે.

રાષ્ટ્રીય મહિલા આયોગ ના ચેર પર્સન સુશ્રી રેખાબેન શર્માએ આજે સાસણની મુલાકાત લીધી હતી. સાસણના આસપાસની ગામોની પચાસ બહેનો સાથે સંવાદ સાધી ને રાષ્ટ્રીય મહિલા આયોગે ઈન્ટરનેશનલ કંપની સાથે કરેલ એમયુ અંગેની સમજણ આપી આ પ્રોજેક્ટથી બહેનો કઈ રીતે પગભર થઈ શકશે તેની પ્રાથમિક જાણકારી આપી હતી. તેમણે ગીરની બહેનોને કહ્યું હતું કે કમિશન મહિલાઓને આર્થિક રીતે સમૃદ્ધ કરવા  કટિબદ્ધ છે.મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે અને મુશ્કેલીની સ્થિતિમાં પોતે પગભર હોય તો આપોઆપ એને વધારે સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. હોમ સ્ટે પ્રોજેક્ટમાં ઘરે બેઠા જ મહિલાઓ સારી એવી આવક મેળવી શકશે. તેઓએ વધુમાં કહ્યું કે આતિથ્યભાવ એ આપણી સંસ્કૃતિમાં રહેલો છે અને સૌરાષ્ટ્રમાં તો તેનું વિશેષ મહત્ત્વ છે. પ્રોજેક્ટમાં નોંધણી કર્યા પછી બહેનો તેમનું ઘર સજાવે ,સ્વચ્છ રાખે અને ઇન્ટરનેટ , ઇમેઇલ, સ્માર્ટફોન એપ્લિકેશન અને ભાષા અંગેની થોડી નિપુણતા ટ્રેનિંગમાં હાજરી આપીને નિપુણતા મેળવે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગીરમાં વધારે સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય બહેનોને આ પ્રોજેક્ટમાં ફાયદો થશે અને ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટમાં બહેનોને તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી બતાવવામાં આવી છે  તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે ત્યારે ગીર ના ગામો માટેનો આ પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક પીછું ઉમેરશે. શ્રી લીલાબેને અન્ય રાજ્યમાં આ પ્રોજેક્ટને લીધે મહિલાઓને કઈ રીતે સફળતા મળી છે તેની માહિતી આપી ગુજરાતમાં જે રીતે નારી અદાલતો સફળ થઇ છે તે રીતે હવે નેશનલ કમિશન દેશભરમાં નારી અદાલત શરૂ કરવા જઇ રહ્યું છે તે અંગે પણ માહિતી આપી હતી.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણની યોજનાઓની ફળશ્રુતિ પણ કહી હતી.

આ પ્રસંગે AIR bnb કંપનીના પ્રતિનિધિ શ્રી વિનીતા દિક્ષિતે તાલીમાર્થી બહેનોને કઈ રીતે મહેમાનો ઇન્ટરનેટના માધ્યમથી બુકિંગ કરાવે છે અને ગૃહ સજાવટમાં કઈ બાબતનું ધ્યાન રાખવું તેમજ રસોઈ, સ્વચ્છતા, સ્થાનિક રીતરિવાજો સંસ્કૃતિ વિશે મહેમાનોને માહિતીનું આદાન-પ્રદાન કઈ રીતે કરવું તે અંગે સમજણ આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે Air bnb કંપની ૧૯૧ દેશમાં કામ કરી રહી છે. ૫૦ કરોડ પ્રવાસીઓ જોડાયેલા છે .રોજ ૨૦ લાખ પ્રવાસીઓ તેની સેવા મેળવી રહ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગે મહિલાઓને રોજગારીનું માધ્યમ આપવા માટે Air bnb સાથે એમ.ઓ.યુ કર્યા છે.

આ પ્રસંગે સેવા અમદાવાદ સંસ્થાના તેજસભાઈ રાવલે ગુજરાતમાં ૨૦ લાખ બહેનો સંસ્થા સાથે જોડાઈને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતે પગભર બની છે તેની માહિતી આપી હતી. શ્રી પૂજાબેન વાસ્તવે પણ બહેનોને તાલીમ આપી કઈ રીતે પોતાનો વ્યવસાય શરૂ કરી શકાય તેની સમજણ આપી હતી. આ પ્રોજેક્ટ હેઠળ સફળ થયેલા મહેસાણાના માયાબેને પોતે માત્ર ધોરણ સાત સુધી ભણેલા છે પરંતુ પ્રોજેક્ટ થી  ઓસ્ટ્રેલિયા ,અમેરિકા, સ્પેન સહિતના દેશોના મહેમાનોને કઈ રીતે આવકાર્યા અને વાર્ષિક તેમને

રૂ.ર.૫૦ લાખની કમાણી થાય છે. તેની માહિતી આપી  અન્ય ૪૦ બહેનો પણ આટલી જ કમાણી કઈ રીતે કરે છે તે અંગે વિગતવાર માહિતી આપી હતી.

સાસણના  ડીસીએફ ડો. મોહન રામે ગીરમા વનવિભાગના સંકલન હેઠળ બહેનોને જે રોજગારીની તકો આપવામાં આવી છે તે અંગે માહિતી આપી હતી. ગુજરાત ટુરીઝમ નિગમના મેનેજર શ્રી મુકુંદભાઈ જોશી અને આસિસ્ટન્ટ મેનેજર શ્રી અજરાબેન શેખે પ્રવાસન નિગમ ૨૦૧૪થી મહિલાઓ પ્રવાસન ના માધ્યમથી  આગળ આવે તે માટે કામ કરી રહ્યું છે તેની માહિતી આપી ગીરમાં બહેનોને તમામ પ્રકારની મદદ કરવા તૈયારી બતાવી હતી. આ કાર્યક્રમમાં  ગુજરાત મહિલા આયોગના સભ્ય સચિવ શ્રી વીણાબેન પટેલ , નેશનલ વુમન કમિશનના લીગલ એક્સપર્ટ ડેબલીના બેનર્જી, પ્રાંત અધિકારી શ્રી જીજ્ઞાબેન દલાલ, જૂનાગઢના દહેજ પ્રતિબંધક અધિકારી ડો. મનિષાબેન મુલતાણી, મહિલા બાળ કલ્યાણ અધિકારી શ્રી જે.બી જસાણી, રાજકોટના જનકસિંહ નારી અદાલત ના શ્રી મયુરીબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી શારદાબેને કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.