Abtak Media Google News

પ્રજાસત્તાક દિને કરકસરને બદલે બેફામ નિરર્થક ખર્ચ પ્રજાના ધૈર્યનો હિમખંડ ઓગળી જવાની નિશાની !

‘કૈદી હોતા રહૈ હૈ સવેરા’ એક હિન્દી કવિની બળતરા: મંગલ પ્રભાત ઉપર રાત્રિનો અંધકાર છવાતો રહ્યો છે, કોના પાપે? ગરીબાઈ રાક્ષસી સ્વરૂપની બની ચૂકી છે: ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણીના લાદશે… સમયસર ચેતી જવાનો રાષ્ટ્રને પ્રજાસત્તાક દિનનો સંદેશો બહેરા કાને અમંગળ એંધાણ !

‘પ્રજાસત્તાક દિન’ની ઉજવણીનું સરવૈયું કાઢવા જેવું નથી, ખુશી થવા જેવું કશું જ એમાં પ્રતિબિંબિત થયું નથી.

નવીદિલ્હીના અહેવાલમાં જેને મોતીડે મઢાવીએ અને ઉમંગભેર વધાવીએ એવું જે છે તે પ્રજાસત્તાક દિનને છાજે એવું નિરાશામાં આશાનાં કિરણ જેવું જે જણાયું તે આ છે બજેટ રજૂ થાય તેના એક સપ્તાહ પહેલા દેશના મુખ્ય ન્યાયાધીશા એસએ બોબડેએ ટેકસ સુધારાને લઈને મોટુ નિવેદન કર્યું હતુ તેમણે કહ્યું હતુ કે, સરકાર તરફથી પ્રજા ઉપર વધારે અથવા તો મનમાની રીતે ટેકસ લાગુ કરવાની બાબત સમાજ પ્રત્યે અન્યાય છે. ચીફ જસ્ટીસે ટેકસ ચોરીને અપરાધ તરીકે ગણાવીને કહ્યું હતુ કે, આ બીજા લોકોની સાથે પણ અન્યાય છે. યોગ્ય ટકેસની તરફેણ કરતા તેમણે કહ્યું હતુ કે દેશમા જૂના સમયમાં અમલી રહેલા ટેકસ કાનૂનો પણ દાખલારૂપ રહ્યા છે. ઈન્કમટેકસ એપલેટ ટ્રીબ્યુનલના ૭૯માં સ્થાપના દિવસ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં તેમણે કહ્યું હતુ કે, નાગરીકો પાસેથી ટેકસ એવી જ રીતે વસુલ કરવાની જરૂર છે. જે રીતે મધમાખી ફૂલોને નુકાન પહોચાડયા વગર રસ ખેંચે છે.

આપણી સરકારો પ્રજાના પૈસાનો બેફામ અને આડેધડ ધૂમાડો કરે છે. અને રિઝર્વ બેંકનાં નાણા કે કરવેરાનાં નાણાંનો નિજી સ્વાર્થ માટે અને રાજરમતના વિવિધ ખેલ સમી, તદ્ન બિન ઉપકારક યોજનાઓમાં દૂર ઉપયોગ કર્યે જાય છે.

બીજા એક હિન્દી કવિએ લખ્યું છે કે, ‘રોજ એક યોજના બનાનાછોડ દો, પહેલે ટુટે વિશ્ર્વાસકો જોડ દો…’

સરકારી યોજનાઓની ઉપકારકતામાં આ દેશની પ્રજાને લગીરે ભરોસો રહ્યો નથી.

એક જ ગાયને દિવસ-રાત સતત દોહવા જેવી અને તેની શોષણખોરી કર્યા કરવા જેવી આ દેશની પ્રજાની અત્યારે સ્થિતિ છે.

‘જેના હાથમાં એના મોમાં’ એ કહેવત જેવો અત્યારે ઘાટ છે. સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિએ ટકોર કરવી પડી, એટલી હદે કરવેરાનો બોજ હાલના રાજપુરૂષો અને રાજકર્તાઓએ વધારી દીધો છે. અને હજુ નિર્લજજ પણે વધારતા રહ્યા છે.‘બજેટ’નું નામ સાંભળતાં જ આ દેશની પ્રજાજબરો ગભરાટ અનુભવે છે. પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષો પ્રજાની આ પ્રકારની શોષણખોરીનો વિરોધ કરવાને બદલે એને ચૂપચાપ પંપાળી રહ્યા છે. ‘દલા તરવાડીઓની મંડળી’ જાણે સંસદને ઘેરી વળી છે.

ચેતવણી ઉપર ચેતવણીઓ અપાયા કરે છે અને રાષ્ટ્રના અધ:પતનની ગતિ એકધારી વધતી રહી છે, તેમ છતાં કોઈ ‘માઈનાપૂત’ની આંખ ઉઘડતી નથી, કે રૂવાડું ધગતું નથી.

એક હથ્થુ અને નિરંકુશ શાસન હેઠળ આખો દેશ અને આખો સમાજ ચૂંથાતો રહ્યો છે. જો આગામી પ્રજાસત્તાક દિન સુધીમાં અધ:પતનની સામે અર્જૂનના બાણ જેવું યુધ્ધ નહિ ખેલાય તો આ દેશ તેની સ્વતંત્રતા સહિત જે કાંઈ મહત્વનું છે તે ખોઈ બેસવાના આરે પહોચી જશે.

આ દેશના તમામ દેશભકત લડવૈયાઓ અને બુધ્ધિજીવીઓએ અને જોરૂકા યુવાનોએ મેદાને પડવાનો સમય પાકી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.