Abtak Media Google News

વિરાટ અને કેન ખુબ જ સારા મિત્રો સાથે જ સૌથી મોટા હરીફ પણ

ક્રિકેટ જગતમાં ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ તેનું આગવું સ્થાન પ્રસ્થાપિત કરી વિશ્ર્વનાં નામાંકિત બેટસમેનોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિરાટની આ સિદ્ધિને વખાણતા ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના સુકાની કેન વિલિયમ્સને જણાવ્યું હતું કે, રન મશીન બનવા તરફની તીવ્ર ઈચ્છાશકિત અને રનની ભુખને વરેલા કોહલીને વિરાટ બનાવ્યો છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, તેઓ નાનપણથી સાથે ક્રિકેટ રમી રહ્યા છે. જેમ-જેમ સમય પસાર થયો છે તેમ-તેમ વિરાટની રમતમાં અનેક અંશે ફેરફાર પણ જોવા મળ્યો છે. લોકો સામે વિરાટ અને કેનની મિત્રતા ખુબ જ ગાઢ છે તે અંગે તમામ લોકો માહિતગાર છે પણ તેની સાથોસાથ બંને એકબીજાના મોટા હરીફ પણ છે. વિરાટ અને કેન વિલિયમ્સન ભારત અને ન્યુઝીલેન્ડ ટીમનું સુકાનીપદ ભોગવી રહ્યા છે ત્યારે સુકાની તરીકે ટીમને વધુ વિજય અપાવવામાં વિરાટ કોહલી મોખરે છે.

Advertisement

વધુમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટના કેપ્ટન કેન વિલિયમ્સને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે હું મારી જાતને નસીબદાર માનું છું કે મને કોહલી સાથે ક્રિકેટ રમવાનો મોકો મળ્યો છે. તેણે કહ્યું હતું કે તે ભારતીય કેપ્ટનની ક્રિકેટ જર્ની સાથે તેના યુવા દિવસોથી સંકળાયેલ છે. એક સ્પોર્ટસ ચેનલ શોમાં વિલિયમ્સને આ વાત કહી. તેણે વધુમાં કહ્યું, તે ખરેખર વિશેષ છે કે અમે નાના હતા ત્યારથી સાથે રમી રહ્યા છીએ. આ વર્ષોમાં કોહલીના ક્રિકેટ કેરિયરની પ્રગતિ ખરેખર જોરદાર છે. વિલિયમ્સને કહ્યું, તે રસપ્રદ છે કે અમે ઘણા લાંબા સમયથી એકબીજા સામે રમી રહ્યા છીએ. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એકબીજા સાથે પોતાના વિચારો શેર કરીએ છીએ. ઓન ધ ફિલ્ડ અને ટ્રેનિંગમાં અલગ અભિગમ ધરાવતા હોવા છતાં અમારો વિચાર એકસરખો હોય છે.  વિલિયમ્સન અને કોહલી બંને ૨૦૦૮માં મલેશિયામાં અંડર-૧૯ વર્લ્ડ કપમાં રમ્યા હતા.

તે સમયે ભારત વિરાટ કોહલીની કપ્તાનીમાં ચેમ્પિયન બન્યું હતું. તે વર્ષે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ૩ વિકેટે હરાવ્યું હતું. ત્યારે કિવિ ટીમની કમાન વિલિયમ્સનના હાથમાં હતી. થોડા જ વર્ષોમાં આ બંનેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવ્યું અને આજે તેઓ તેમની રાષ્ટ્રીય ટીમના કેપ્ટન છે. આ વર્ષે જાન્યુઆરીમાં કોહલીએ ૨૦૦૮ના અંડર-૧૯ વર્લ્ડ ટીમને યાદ કરતા કહ્યું હતું કે, વિલિયમ્સન પોતાના વિરોધી ખેલાડીઓ કરતા અલગ છે. મને આજે પણ ૨૦૦૮માં તેની સામેનો મુકાબલો યાદ છે. તે મહત્ત્વની ક્ષણે આગળ આવીને ટીમને સંભાળે છે. વિરાટે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી-૨૦)માં કેપ્ટન તરીકે ૧૧૭ મેચ જીતી છે. તેમાં ૩૩ ટેસ્ટ, ૬૨ વનડે અને ૨૨ ટી-૨૦ છે. જ્યારે વિલિયમ્સન ૭૮ મેચ જીત્યો છે. તે ટેસ્ટમાં ૧૮, વનડેમાં ૪૧ અને ટી-૨૦માં ૧૯ મેચ જીત્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.