Abtak Media Google News

લોકડાઉન દરમિયાન એક મહિનામાં 200 યુનિટથી ઓછો વીજ વપરાશ કરનાર ગ્રાહકોને જ મહત્તમ 100 યુનિટ અને ફિક્સ્ડ ચાર્જની માફી મળશે

રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજમાં 100 યુનિટ વીજબિલ માફીની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત સંદર્ભે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ જેટલા ગ્રાહકોએ લોકડાઉન દરમિયાન એક મહિનામાં 200 યુનિટથી ઓછો વપરાશ કર્યો હશે તેને આગામી બીલમાં 100 યુનિટ સુધીની માફી આપવામાં આવશે.

કોરોના વાયરસના કારણે ઉદ્દભવેલ અસાધારણ પરિસ્થિતિના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના આદેશો આપવામાં આવ્યા હતા. જે સંદર્ભે રાજ્યના વીજ ગ્રાહકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર પેકેજમા માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરતા રહેણાંક ગ્રાહકોનું 100 યુનિટનું વીજળીનું બિલ એક વખત માટે માફ કરવાની જાહેરાત કરી હતી. સરકાર દ્વારા રૂ. 600 કરોડની વીજ બિલ માફી યોજનાનો લાભ 92 લાખ વીજ ગ્રાહકોને મળશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.

જો કે છેલ્લા ઘણા દિવસોથી સરકારની વિજબીલ માફી અંગેની જાહેરાતની અમલવારી શરૂ ન થતા વીજ કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા હતા. અંતે ગઈકાલે સાંજે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ આગામી બીલમાં ગ્રાહકોને આ લાભ મળવાનો છે.

રહેણાંક વીજ ગ્રાહકોના લોકડાઉન પહેલાનું છેલ્લું મિટર રીડિંગ અને ત્યારબાદના પ્રથમ મીટર રીડિંગનાં તફાવતને પ્રતિદિન વીજ વપરાશમાં ગણતરી કરીને તેને 30 દિવસથી ગુણીને જો સદર વીજ વપરાશ માસિક 200 યુનિટ અથવા તો તેનાથી ઓછો હોય તો તે વીજ ગ્રાહક એક વખતની રાહત માટે પાત્રતા ધરાવશે અને તેવા વીજ ગ્રાહકોને મહત્તમ 100 યુનિટ તથા એક માસના ફિક્સ્ડ ચાર્જની માફી આપવામાં આવશે.

પાત્રતા ધરાવતા ગ્રાહકોને તેના આગામી બીલમાં રકમ જમા મળી જશે : મુખ્ય ઈજનેર જે.જે. ગાંધી

પીજીવીસીએલના મુખ્ય ઈજનેર જે.જે. ગાંધીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગ્રાહકો નિશ્ચિન્ત રહે. પાત્રતા ધરાવતા તમામ ગ્રાહકોને આપમેળે તેમના આગામી વિજબીલમાં રાહતની રકમ જમા મળી જવાની છે. આ લાભ મેળવવા માટે ગ્રાહકોએ કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી.

ક્યાં ગ્રાહકોને માફી યોજનાનો લાભ મળશે ?

જે વીજ ગ્રાહકોનું લોકડાઉન દરમિયાનનું એક મહીનાનય સરેરાશ બિલ જો 200 યુનિટ કે તેનાથી ઓછું હશે તે ગ્રાહકોને માફી યોજનાનો લાભ મળશે. માસિક બિલ ઉપર મહત્તમ 100 યુનિટ સુધીની માફી મળશે. મતલબ કે જે ગ્રાહકોનું સરેરાશ માસિક બિલ 150 યુનિટનું હશે તો તેઓને 100 યુનિટ જ માફ મળશે. જે ગ્રાહકોનું માસિક સરેરાશ બિલ 85 યુનિટ હશે.તો તેઓને 85 યુનિટ જ માફ મળશે. ઉલ્લેખનીય છે કે આ સાથે લાભાર્થી ગ્રાહકોને ફિક્સ્ડ ચાર્જ પણ માફ મળવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.