Abtak Media Google News

રખડતા-ભટકતા ઢોરના અસહ્ય ત્રાસે વધુ એકનો ભોગ લીધો

જામનગરના ગોકુલનગર રડાર રોડ પર ગઈકાલે બાઈકમાં જતા બ્રાસપાર્ટના એક વેપારી સાથે રખડતો ખૂંટીયો અથડાઈ પડતા ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે જીએસએફસીમાં ગનમેનની નોકરી કરતા પ્રૌઢના બાઈક આડે શ્વાન ઉતરતા તેઓએ જિંદગી ગુમાવવી પડી છે. રખડતા ઢોરના વધતા ત્રાસ વધ એક વખત નગરજનો ત્રાહીમામ બન્યા છે.

જામનગર શહેરમાં ફરીથી રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો તેમજ શેરી-ગલીઓમાં કેટલાક ઢોર આડેધડ બેસી ટ્રાફિકના પ્રશ્નો સર્જવા ઉપરાંત અકસ્માતોના બનાવોમાં પણ વધારો કરતા જોવા મળી રહ્યા છે. શહેરના મુખ્ય કહી શકાય તેવા જી.જી. હોસ્પિટલ, અંબર ચોકડી, બેડી નાકા, સજુબા સ્કૂલ, શાક માર્કેટ, દરબારગઢ, ચાંદીબજાર, હવાઈ ચોક, સુમેર ક્લબ રોડ વિગેરે માર્ગો પર આખો દિવસ ઢોર અડીંગો જમાવીને બેસી રહે છે. જેને પકડવાની જવાબદારી જેની છે તે મહાનગરપાલિકાની ઢોર પકડવાની શાખા મોટાભાગે નિષ્ક્રીય રહે છે અને જો ક્યારેક કામગીરી દેખાડવા માટે આ શાખાના કર્મચારીઓ નીકળે છે તો તેઓના આગમનની કોણ જાણે કઈ રીતે ઢોરના માલિકોને જાણ થઈ જાય છે અને રોડ પરથી થોડી મિનિટો માટે ઢોરને હટાવી લેવામાં આવે છે. તે પછી પરિસ્થિતી ફરીથી ઠેરની ઠેર બની રહે છે. રસ્તા પર બેસી જતા ઢોરના કારણે કેટલાક જીવલેણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે તે દરમ્યાન ગઈકાલે ગોકુલનગર રડાર રોડ પર વધુ એક બનાવ બન્યો છે. જેમાં ભોગ બનનાર બ્રાસ૫ાર્ટના વેપારી અને રડાર રોડ વ્રજધામ સોસાયટીની શેરી નં. ૨માં રહેતા કરશનભાઈ મુળુભાઈ ભાટુ (ઉ.વ. ૫૨) નામના આહિર પ્રૌઢ બપોરે બેએક વાગ્યે પોતાના મોટરસાયકલમાં ઘરી કારખાના તરફ જતા હતાં ત્યારે અચાનક એક ખુંટીયો રોડ પર ચઢી કરશનભાઈના વાહન સાથે અથડાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં કરશનભાઈને ઈજા થઈ હતી. સારવારમાં ખસેડવામાં આવેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. તેઓના પુત્ર કપીલભાઈ ભાટુએ પોલીસને જાણ કરી છે. પોલીસે સીઆરપીસી ૧૭૪ હેઠળ અપમૃત્યુની નોંધ કરી છે.

આવી જ રીતે જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા મોટીખાવડી ગામ નજીકની જીએસએફસી કંપનીમાં ગનમેન તરીકે નોકરી કરતા જામનગર તાલુકાના દરેડ ગામના રહેવાસી નુભાઈ મામદભાઈ લંઘા (ઉ.વ. ૪૪) ગઈ તા. ૯ માર્ચની સવારે પોતાના મોટરસાયકલમાં લાલપુર તાલુકાના નકટાપાવરીયા ગામથી આરબલુસ તરફ જતા હતા ત્યારે માર્ગમાં એક શ્વાસ આડું ઉતરતા નુભાઈએ વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. થોડે સુધી સર્પાકારે દોડેલું તેઓનું વાહન નજીકમાં આવેલા એક બોર્ડમાં અડાઈ પડતા તેમાં રહેલું પતરૃં નુભાઈના ગળા તથા માથામાં ઘૂસી ગયું હતું. સારવાર માટે નગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયેલા નુભાઈને વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. મુક્કદર અકબરભાઈ લંઘાએ પોલીસને જાણ કરી છે. લાલપુર પોલીસે આગળની કાર્યયાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.