Abtak Media Google News

૩૪ ઉપવાસના ઉગ્ર તપસ્વી પૂજ્ય શ્રી ઝયણાજી મહાસતીજીની ભૂરી ભૂરી

અનુમોદના સાથે “જૈનત્વ લેવલ કે લેબલ?નાટિકાએ સહુને અહોભાવિત કર્યા

મન-વચન-કાયારૂપી આપણી ઉર્જાને આપણે પ્રકાશ પાથરતાં દીપક સમાન બનાવવું જોઈએ, ધૂમાડો ઓકતી આગ સમાન નહીં. વિનય ધર્મનો આવો પરમ બોધ આપીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિવસે હજારો હૃદયમાં પ્રભુધર્મ પ્રત્યેના પ્રેમના દીપક ઝળહળાવી દીધાં હતાં.

પર્વાધિરાજ જેવા મહાપર્વમાં પણ ધર્મક્ષેત્રમાં જઈ ન શકવાની પ્રતિકૂળતા જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ પ્રસરાવી છે ત્યારે કોરોનાની આ પ્રતિકૂળતાને પણ સાધના – આરાધનાનું  પાથેય બનાવી હજારો ભાવિકોના હૃદયને જ ધર્મ મંદિર બનાવી રહ્યાં પરમ ગુરૂદેવના શ્રીમુખેથી પ્રભુ વચનની અમૃતધારાનું પાન કરવા સમગ્ર ભારતના ૧૦૮ થી પણ વધુ શ્રી સ્થાનકવાસી જૈન સંઘો તેમજ વિદેશના અનેક અનેક ક્ષેત્રોનાં મળીને હજારો ભાવિકો જોડાઈ ગયાં છે.

હ્રદયસ્પર્શી બોધ ફરમાવતાં પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, પ્રભુનો ધર્મ અને પ્રભુના ગુણધર્મ આપણું આત્મધર્મ બની જાય એવી ભાવના સાથે આપણે આ પર્વાધિરાજની ઉજ્વણી કરવાની છે. કારણકે વિનયની સૂક્ષ્મતા જ અંતે સંયમની શ્રેષ્ઠતાનું સર્જન કરતી હોય છે. વિનય માત્ર ગુરુ કે સત્ તત્વ પ્રત્યેનો જ નથી હોતો પરંતુ મન-વચન-કાયાનો દરેક પળનો એક યોગ હોય છે. પ્રભુ કહે છે, સંસારની દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ સાથે વિનયથી રહેવાનું છે. વિનયવાન વ્યક્તિના ચહેરા પર હંમેશા નેચરલ સ્માઈલ હોય છે કારણકે રિસ્પેકટનું રિઝલ્ટ સ્માઈલ હોય છે.

આપણા મન-વચન અને કાયા એક ઊર્જા સમાન હોય છે. તે ઊર્જામાંથી આપણે પ્રકાશ પાથરતાં દીપક બનવું કે ધુમાડો ઓકતી આગ બનવું તે આપણાં જ હાથમાં હોય છે. કેટલાંકના યોગો દીપક જેવા હોય છે પરંતુ કેટલાંકના યોગો આગ ઝરતાં ભડકા જેવા હોય છે. દીપક હંમેશા પોઝીટીવનું પ્રતીક હોય છે, પરંતુ જંગલની આગ હંમેશા નેગેટીવનું પ્રસારણ કરતી હોય છે. પ્રભુ કહે છે દરેક વસ્તુ, વ્યક્તિ અને દરેક સંયોગોનો આપણે વિનય કરવાનો છે.

આગ ઝરતાં જીવનને પણ ધૂમ્રસેર પ્રસરાવતી અગરબત્તી સમાન બનાવી દેનારા પરમ ગુરુદેવના બોધ વચનો સાથે આ અવસરે રાજકોટ ક્ષેત્રથી પૂજ્ય અમિતાબાઈ મહાસતીજીએ સુંદર પ્રવચન આપીને સહુને બોધિત કર્યા હતાં. એ સાથે જ, આ અવસરે, “જૈનત્વ લેવલ યા લેબલ? નાટિકાની  પ્રેરણાત્મક પ્રસ્તુતિ સાથે પ્રભુના સિદ્ધાંતોને જીવનની ક્ષણ-ક્ષણણમાં વણી લેવાની પાવન પ્રેરણા આપવામાં આવી હતી.

વિશેષમાં, ધ્યાનસાધક પૂજ્ય હસમુખમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા અનકાઈ બિરાજિત પૂજ્ય ઝયણાજી મહાસતીજીના આજના ૩૪માં ઉપવાસની ઉગ્રતમ  આરાધનાની આ અવસરે ભૂરી ભૂરી અનુમોદના કરાવવામાં આવતાં હજારો ભાવિકો તપશ્ચર્યા અને તપસ્વી મહાસતીજી પ્રત્યે આહોભવિત બન્યાં હતાં. પૂજ્ય તપસ્વી મહાસતીજીની ઉગ્ર તપશ્ચર્યાની અનુમોદના કરતાં વિવિધ ક્ષેત્રમાં બિરાજિત ગુરુ પ્રાણ પરિવારના અનેક મહાસતીજીઓએ અત્યંત અહોભાવથી અનુમોદના કરી હતી.

“આગમ અનુમોદના અવસર સ્વરૂપે આગમજ્ઞાનની અભિવંદના બાદ આ અવસરે સમગ્ર ભારતના સ્થાનકવાસી જૈન સમાજ માટે ઉપકારક બની રહેલાં “સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણ આગમ બત્રીસી ગ્રંથના પાંચમીવારના પ્રકાશનની જાહેરાત કરવામાં આવી હતી. વિનય ધર્મની શિક્ષા અને તપધર્મની ભાવભીની અનુમોદના સાથેનો પર્વાધિરાજ પર્વનો આજનો આ અવસર હજારો હજારો ભાવિકોના હૃદયમાં એક અમીટ સ્મૃતિ અંકિત કરી ગયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.