Abtak Media Google News

દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગેલા વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન વિદેશ મંત્રાલયે કોર્ટમાં નિવેદનમાં આપતા જણાવ્યું છે કે ભાગેડુ ઉદ્યોગપતિની પ્રત્યાર્પણનો આદેશ યુનાઇટેડ કિંગડમની સુપ્રીમ કોર્ટે આપ્યો તો હતો, પરંતુ તે વિશે હજુ કોઈ સ્પષ્ટતા જોવા મળી રહી નથી.

સુપ્રીમમાં કેન્દ્રએ કહ્યું કે, યુકેમાં ચાલી રહેલી ગુપ્ત કાર્યવાહી અને તેના કારણોની તેમને કોઈ જાણકારી નથી. આ કારણસર માલ્યાના પ્રત્યાર્પણમાં વિલંબ થઈ રહ્યો છે. વિજય માલ્યા વતી કોર્ટમાં હાજર રહેલા વકીલોને સુપ્રીમે પ્રશ્ન કર્યો હતો કે, ૨ નવેમ્બર સુધીમાં તેઓ માહીતી આપે કે માલ્યા કોર્ટમાં કયારે હાજર થશે અને તેમની ગુપ્ત કાર્યવાહી ક્યારે સમાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ અગાઉ પણ વિજય માલ્યાને રૂબરૂ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો અને ગૃહ મંત્રાલયને ઓક્ટોબરમાં કોર્ટમાં માલ્યાની હાજરી સુનિશ્ચિત કરવા અને તે માટે સુવિધા પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો.

તો બીજી તરફ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની કંપની યુનાઇટેડ બ્રુઅરીઝ (હોલ્ડિંગ) લિમિટેડે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, ભારતીય બેંકોને બાકી દેવું ચૂકવવા અમે ૧૪ હજાર કરોડ રૂપિયા આપવા તૈયાર છીએ. કંપનીએ એમ પણ કહ્યું હતું કે માલ્યાની કુલ સંપત્તિઓ તેના બાકી દેવાથી વધારે છે.તેથી કંપનીની કામગીરીને બંધ કરી શકાય નહીં.

જસ્ટિસ યુ.યુ. લલિત, વિનીત સારન અને આર.રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠ સમક્ષ વિજય માલ્યાની કંપની યુનાઇટેડ બ્રૂઅરીઝ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સી.એસ. વૈદ્યનાથને કહ્યું કે તેમને બેન્કોનો જવાબ મળ્યો છે. અને ગણતરીથી જાણવા મળ્યું છે કે કંપનીની કુલ સંપત્તિ તેના પરના દેવા કરતા વધારે છે, તેથી કંપનીને તેના કામકાજને નિપટાવી લેવા નિર્દેશિત કરી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે, ભાગેડુ ઉદ્યોગપતિ માલ્યાએ તેની બંધ એરલાઇન કંપની કિંગફિશર માટે બેંકો પાસેથી નવ હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી. જેને ભર્યા વિના તે લંડન ભાગી ગયો હતો. લંડનમાં તેના પ્રત્યાર્પણ માટે કેસ ચાલી રહ્યો છે. પ્રત્યાર્પણના કેસમાં હાલ માલ્યા માટે તમામ કાનૂની માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે. અને યુકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની તેમની અરજી મે મહિનામાં રદ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.