Abtak Media Google News

સમાજ વિભાજનકારી તત્ત્વો કોઈપણ રીતે અરાજકતા સર્જવા પાણીની જેમ પૈસા વેરતા હોય ત્યારે તેના મુળ સુધી જવું જરૂરી

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની સામાજિક સમરસતા અને વિવિધતામાં એકતાની મહામુલી ભાવના સામે દાયકાઓથી સમાજના શત્રુઓ ઈર્ષા ભાવથી બળતા રહે છે અને જ્યારે જ્યારે સામાજિક વિભાજન અને અરાજકતા ફેલાવવાની તક મળે છે ત્યારે આવા તત્ત્વો એક થઈને આંદોલનના નામે અરાજકતા  ફેલાવવા માટે લાખો-કરોડો રૂપિયા વાપરી નાખે છે અને આ પૈસા દેશ વિરોધી તત્ત્વો વિદેશથી દેશમાં ઠાલવતા આવે છે.

હવાલાકાંડ મારફત આવતા આવા નાણાઓનો ઉપયોગ કરીને અનેકવાર દેશમાં અરાજકતા ફેલાઈ ચૂકી હોવાના દાખલા છે. તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટનાનો મુદ્દો લઈને અરાજકતા ફેલાવનારા તત્ત્વો એક જુથ થયા હોય તેના પુરાવારૂપ એન્ફોર્સમેન્ટ ડાયરેકટરના ધ્યાનમાં હાથરસકાંડ માટે ૧૦૦ કરોડ રૂપિયાનો હવાલા વ્યવહારથી નાણા ઠલવાયા હોવાનું બહાર આવ્યું છે.

બુધવારે ઈડી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા અહેવાલોમાં જણાવાયું છે કે, ઉત્તરપ્રદેશના હાથરસમાં કોમવાદી પરિસ્થિતિ ભડકાવવા માટે હાથરસની પીડિતાને ન્યાય અપાવવાના બહાને ૧૦૦ કરોડ રૂપિયા હવાલા મારફત ઠલવાયા હોવાના પુરાવાઓ મળ્યા છે.

પીડિતાને ન્યાય અપાવવાના બહાને મોરેસીયસથી ૫૦ કરોડ રૂપિયા આવ્યા હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેકટરે જણાવ્યું હતું. ઈડી દ્વારા શરૂ કરેલી તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ ટ્રાન્જેકશનના ડેટા કલેકટ કરીને તપાસ કરવામાં આવતા બ્લેક લીસ્ટેડ વેબસાઈટ જસ્ટીસ ફોર હાથરસના સંકલનમાં રહેલા કેટલાક તત્ત્વો દ્વારા વિદેશથી મોટી રકમ ભારતમાં ઠલવાઈ હોવાનું બહાર આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રિવેન્શન મની લોન્ડરીંગ એક્ટ અન્વયે આવા તત્ત્વો સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, કેટલાક તત્ત્વો વિદેશી નાણાનો સહારો લઈને સરકારના આ મુદ્દે થઈ રહેલા પ્રયાસો અને વિકાસવાદને કોમવાદના નામે અવરોધવા માંગે છે. આ અગાઉ ૧૨૦ કરોડ રૂપિયા અવેધ રીતે બેંક ખાતામાં ઠલવાયા હોવાનું બહાર આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં  નિર્દોષ સગીરા પર થયેલા અમાનુષી બળાત્કારના મુદ્દાને ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો અને આરોપીઓ સામે આકરી કાર્યવાહીની માંગ ઉઠી છે. ઉત્તરપ્રદેશના આ જધન્ય અપરાધને કેટલાક તત્ત્વો સરકાર સામે કોમવાદ ભડકાવવા સામાજિક વિભાજન અને વૈમનસ્ય ઉભુ કરવામાં સક્રિય થયા હોવાનું બહાર આવ્યું છે. ૧૦૦ કરોડ રૂપિયાના હવાલાના પર્દાફાસ અને મોરેસીયસથી પીડિતાને ન્યાય અપાવવા માટે ૫૦ કરોડ રૂપિયાનો ભંડોળ જમા થયું હોવાનું બહાર આવ્યું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કાવતરાની પુષ્ટી કરીને તેના મુળ સુધી જવા તંત્રને આદેશ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના સામાજિક એક્યતાના ઉદ્દેશ્યને છીન્ન-ભિન્ન કરવા માટે કેટલાક દેશ વિરોધી તત્ત્વો કાયમી ધોરણે ટાપીને બેઠા હોય છે. જ્યારે કોઈ મુદ્દો ઉભો થાય તેમાં કોમવાદનું ઝેર ભેળવીને તેને ભડકાવવાના કોઈ તક મુકતા નથી અને આ માટે નાણાની રેલમછેલ કરવા માટે દેશ બહારના ભારત વિરોધી તત્ત્વો સાથે હાથ મિલાવીને અઢળક નાણા મેળવીને ભારતની શાંતિને પલીતો ચાંપવાના પ્રયાસો થતા હોય છે.

ભૂતકાળમાં મુંબઈમાં થયેલા બોમ્બ ધડાકા, પુલવામાં હુમલો જેવી ઘટનાઓની તપાસના અંતે દેશ વિરોધી તત્ત્વોએ વિદેશમાંથી મદદ મેળવીને આ કાંડો સર્જયા હોવાનું બહાર આવ્યું છે. હાથરસ જેવી ઘટનાઓમાં પણ દેશ વિરોધી તત્ત્વો સક્રિય થયા હોવાના સંકેતો આપતા એન્ફોર્સમેન્ટ ડાયરેકટરના આ દાવાને લઈને યોગી સરકાર સાબ્દે થઈ છે. દેશ વિરોધી તત્ત્વોની આ રમતને માત્ર બેનકાબ કરવાથી નહીં પણ તેનો કાયમી ઉકેલ લાવવાની વ્યવસ્થાની હવે જરૂર છે. ગુજરાતમાં ભૂતકાળમાં થયેલા કોમી હુલ્લડો કહેવાતા રાજકીય આંદોલનોમાં પણ એકાએક આવતા ઉછાળા અને અકલ્પનીય રીતે આંદોલનકારીઓને મળતી નાણાકીય મદદ આવા તત્ત્વો પુરા પાડતા હોવાના દાખલા છે.

ગુજરાતમાં ભૂતકાળમાં થયેલા અનામત આંદોલન સામાન્ય અનામતની માંગના રૂપમાં શરૂ થયેલ સત્યાગ્રહ પાછળથી વિશાળ ફલક પર ફેલાઈ જતા  મોટા-મોટા ફાર્મ હાઉસ અને રીસોર્ટનું બુકિંગ અને હજ્જારો-લાખો આંદોલનકારીઓને રહેવા-જમવાની વ્યવસ્થા માટે ખર્ચાતા રૂપિયાનો સ્ત્રોત ક્યારેય બહાર આવતા જ નથી. સામાજિક વિભાજનકારી તત્ત્વોની નાણા વાપરીને ખેલ જોવાની પેરવીઓ વધુ એકવાર સક્રિય બની હોય તેમ હાથરસને કોમવાદીરૂપ આપવા માટે ૧૦૦ કરોડ રૂપિયાનો હવાલો આવ્યા હોવાના અહેવાલોએ ભારે ખળભળાટ મચાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.