Abtak Media Google News

ભાજપ સમર્પિત ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતની હાર

રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે કોંગ્રેસ અને ભાજપના એજન્ટને મત દર્શાવતો વીડિયો ભારે પડયાે

બે મત રદ્દ કરવાનો મુદ્દો દિલ્હી પહોંચતા ભાજપ-કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ પણ દોડધામ શરૂ કરી હતી

ગુજરાત રાજયસભામાં ૩ બેઠકો માટેની ભારે રસાકસી અને ઉતાર-ચઢાવવાળી ચૂંટણીમાં મત ગણતરી પૂર્વે ટેકનીકલ વાંધાઓની ગાંધીનગરથી લઈ દિલ્હી સુધીની ખેંચાખેંચી અને ચડસા-ચડસી બાદ મોડી રાત્રે મત ગણતરી શ‚ થઈ હતી. જેમાં કોંગ્રેસના બે દાગી ધારાસભ્યોના મત અમાન્ય ગણવામાં આવતા અહેમદ પટેલ જીત્યા હતા. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ વિજય મળ્યો હતો. રાઘવજી અને ભોળાભાઈએ પોતાના મત દર્શાવતા કોંગ્રેસે ગાંધીનગર ચૂંટણીપંચને ફરિયાદ કરી આ બન્ને મતને રદ્દ કરવા અરજી કરી હતી. જો કે , ગાંધીનગર ચૂંટણીપંચે આ મામલો દિલ્હી ચૂંટણીપંચ સમક્ષ મુકયો હતો. ગુજરાત રાજયસભાની વાત દિલ્હી પહોંચતા કોંગ્રેસ અને ભાજપના રાષ્ટ્રીયકક્ષાના નેતાઓની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળોએ ચૂંટણીપંચે ડેરો જમાવ્યો હતો અને બન્ને પક્ષ તરફથી મત બાબતે ઉગ્ર દલીલો થઈ હતી. આખરે ચૂંટણીપંચે બન્ને મતોને અમાન્ય ઠેરવ્યા હતા. ચૂંટણીપંચની આ સુનાવણી બાદ અહેમદ પટેલની વિજયનો માર્ગ મોકળો થયો હતો.

એક સાદા ગણીત મુજબ ૧૭૬ ધારાસભ્યોની સંખ્યાને ચાર ઉમેદવારની સંખ્યાથી ભાગાકાર કરતા ૪૪ વોટ થાય. જેમાં ૧ વોટ ઉમેરીને ગણવામાં આવતા ૪૫ મત જીતવા માટે જ‚રી બને. ૨ મત રદ્દ થતા ધારાસભ્યોની સંખ્યા ૧૭૪ થઈ હતી અને ગણીત બદલાતા ૪૪ મતે વિજય નક્કી થયો હતો. જેમાં અહેમદ પટેલને કોંગ્રેસના ૪૩ એકડા મળ્યા હતા. વધુમાં એનસીપી અને જદયુના સમર્થનથી અહેમદ પટેલને જીત મળી ગઈ હતી. આ પરિણામો પછી ભાજપને કોંગ્રેસ મુકત થયેલા શંકરસિંહ વાઘેલાના સાથ સહકારથી કોંગ્રેસના નાથ સમા ઉમેદવાર અહેમદ પટેલને પાડી દેવાની આખી વ્યૂહબાજી નિષ્ફળ નિવડી હતી.

રાજયસભાની હાઇપ્રોફાઇલ ચૂંટણી જંગના પડઘા બપોરથી જ દિલ્હી સુધી પડવાના શરૂ થઇ ગયા હતા. જેમાં સૌથી મોટો હાઇ વોલ્ટેજ ડ્રામા કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપને સમર્થન આપનારા બે ધારાસભ્યો રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહેલના મતદાનના વિવાદ પર સર્જાયો હતો. આ બન્નેએ ભાજપના ઉમેદવારોને મતદાન કરતા ભાજપને વધુ મત મળ્યા હતા પરંતુ તેમણે પોતાના મત કોંગ્રેસના એજન્ટ સાથે ભાજપના એજન્ટને પણ બતાવવાની ભૂલ કરતા તે ભારે પડી હતી. કોંગ્રેસે આ મુદ્દાને એટલો ઉગ્ર રીતે ચગાવ્યો હતો કે ભાજપના દિલ્હીના ટોચના નેતાઓની ચૂંટણી પંચને રજૂઆતો પણ કામે લાગી ન હતી અને છેવટે બન્નેના મત રદ કરી નાખ્યા. જેથી ૧૭૪ મતની જ ગણતરી શરૂ થાય તે પહેલાં ભાજપને બે મતનું નુકસાન થઇ જવા પામ્યું હતું.

ભાજપ તરફથી પણ વળતો રાજકીય ઘા કરતાં કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર અને ડો. મિતેશ ગરાસિયાએ પણ આ રીતે નિયમનો ભંગ કર્યો છે એટલે તેમના વોટ પણ રદ થવા જોઈએ, તેવી માંગણી કરાઈ હતી.

અંતે, પ્રિસાઈડીંગ ઓફિસરે, આ સમગ્ર બાબતે ભારતના ચૂંટણી પંચને રિપોર્ટ મોકલીને માર્ગદર્શન માંગ્યું હતું. જેના પગલે દિલ્હી સ્થિતિ ભારતના ચૂંટણી પંચની ઓફિસમાં કોંગ્રેસ અને ભાજપના રાષ્ટ્રિય અગ્રણીઓએ રૂબરુ પહોંચીને ઘટનાની તરફેણ-વિરુદ્ધની દલીલો કરી હતી.

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ એવો આક્ષેપ કર્યો છે કે, રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત બાદથી કોંગ્રેસના ધારાસભ્યોને ધમકાવવામાં આવ્યા, તેમને કરોડોની લાલચ અપાઈ, તેમની સામે પોલીસનો ભય ઊભો કરાયો હતો પરિણામ સ્વરૂપે તેમને ધારાસભ્યોને બેંગાલુરુ લઈ જવાની ફરજ પડી હતી. તેમણે તો પ્રિસાઈડિંગ ઓફિસર અને ચૂંટણી પંચ ઉપર પણ ભાજપ દ્વારા દબાણ ઊભું કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસના બે ધારાસભ્યો રાઘવજી પટલે અને ભોળાભાઈ ગોહિલે ક્રોસ વોટિંગ કરીને પોતાના બેલેટ કોંગ્રેસના સત્તાવાર એજન્ટને બતાવ્યા હતા પણ-તેમણે તે બેલેટ ભાજપના ત્રણેય ઉમેદવારોને પણ બતાવ્યા હતા. જે ઓપન બેલેટ વોટિંગ સિસ્ટમની જોગવાઈનો ભંગ છે એટલે તે વોટ રદ થવા જોઈએ એવી કોંગ્રેસે પ્રિસાઈડીંગ ઓફિસર સમક્ષ તે જ વખતથી માંગણી કરી હતી પણ કોઈ નિર્ણય ના લેવાતા કોંગ્રેસે મતગણતરી અટકાવી દીધી હતી.

રાજયસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપના અથાગ પ્રયાસ છતાં કોંગ્રેસના ઉમેદવાર એહમદ પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમને ૪૪ મત મળ્યા છે. સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલમાં એહમદભાઇના વિજયની રાત્રે પોણા બે વાગે જાહેરાત થતા જ કોંગ્રેસના ધારાસભ્યો અને અગ્રણીઓ ઝૂમી ઉઠયા હતા અને કોંગ્રેસ ઝિંદાબાદના નારાથી સ્વર્ણિમ સંકુલ ગજાવી દેવાયું હતું. તે સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો પણ વિજય થતા તેમણે પ્રથમવાર રાજયસભાની ચૂંટણીનો જંગ જીત્યો હતો. ભાજપના અન્ય સત્તાવાર ઉમેદવાર સ્મૃતિ ઇરાનીનો પણ વિજય થયો હતો. જયારે ભાજપના સમર્થનથી કોંગ્રેસથી છેડો ફાડીને આવેલા બળવંતસિંહ રાજપૂતનો પરાજય થયો હતો.

દિવસભર ચાલેલા રસાકસીભર્યા મતદાન બાદ ઉભા થયેલા વિવાદ અને મતગણતરી શરૂ થયા બાદ બંધ થઇ અને ફરી શરૂ થઇ તે પછી મોડી રાત્રે સૌપ્રથમ જાહેર થયેલું પરિણામ એહમદભાઇનું હતું જેમાં તેમને વિજયી જાહેર કરાયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ અનેક વિસ્તારમાં ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરી હતી. એહમદ પટેલે રાત્રે જ સત્યમેવ જયતેનું ટ્વિટ કરીને વિજયને વધાવ્યો હતો. ભાજપના સત્તાવાર ઉમેદવાર અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીનો વિજય નિશ્વિત મનાતો હતો પરંતુ બળવંતસિંહને જીતાડવા અને એહમદભાઇને હરાવવા માટે ભાજપ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી જે રીતે રાજકીય સોગઠાબાજી ગોઠવાતી હતી. તેમજ કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામા અપાયા અને ક્રોસ વોટિંગ કરાવવા ખેલ ખેલાયો તે એહમદભાઇના વિજય સાથે ઉંધો પડી ગયો હતો. એહમદભાઇની બેઠક જળવાઇ રહી હતી. કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોને બેંગાલૂરૂ લઇ જવાયા અને તેમને જે રીતે પક્ષની પ્રતિષ્ઠા દાવ પર છે તેમ કહીને સમજાવટ કરવામાં આવી તેમાં પક્ષની નેતાગીરી સફળ રહી હતી. ભાજપને તેના બે ધારાસભ્યોના મત રદ થયા તેનો પણ ફટકો પડ્યો હતો. તે સાથે ધારણા મુજબ બળવંતસિંહને જીતાડી ના શકતા સ્વર્ણિમ સંકુલમાં મોડી રાત સુધી બેઠેલા ભાજપના નેતાઓમાં નિરાશા વ્યાપી ગઇ હતી. એહમદભાઇના વિજયના કારણે શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાંથી મોટાપાયે ક્રોસ વોટિંગ કરાવવાની રણનીતિ પણ નિષ્ફળ સાબિત થવા પામી હતી. રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી બપોર પછી એકાએક રસપ્રદ વળાંક પર આવી ગઈ હતી. ખાસ કરીને કોંગ્રેસના બે બ્ળવાખોર ઉમેદવારોના મતના મામલે બંને રાજકીય પક્ષો વચ્ચે રીતસરનું હુંસાતુંસી અને ગજગ્રાહ સર્જાયો હતો. ગાંધીનગરમાં યોજાયેલી ચૂંટણીનો મામલો એક તબક્કે કોકડું બની ગયું પછી દિલ્હી દરબાર અને તે પછી મુખ્ય ચૂંટણી પંચમાં પહોંચ્યો હતો.

કોંગ્રેસે પોતાની પાર્ટીમાંથી બળવો કરનારા બે ધારાસભ્યોના વોટ કેન્સલ કરવાની માગણી કરી હતી તો તેની સામે ભાજપે પણ કોંગ્રેસના બે ધારાસભ્યોએ નિયમનો ભંગ કર્યો હોવાની રજૂઆત કરીને તેમના વોટ રદ કરાવવાની ગુહાર લગાવી હતી. કોંગ્રેસ અને ભાજપની લીગલ બેટરી કામે લાગી ગઈ હતી અને તમામ કાનૂની પાસાં પર વિચારણાઓ શરૂ થઈ હતી. ખાસ કરીને કોંગ્રેસ પક્ષ તરફથી આ મામલે સુપ્રીમ કોર્ટમાં રાવ નાંખવાની વિચારણા પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ સત્તાવાર પ્રતિનિધિઓને બદલે અન્ય વ્યક્તિઓને કથિતરીતે તેમના મતો દર્શાવતા બે બળવાખોર ધારાસભ્યોના મતો રદ કરવાની માગણી સાથે સૌ પહેલા ચૂંટણી પંચમાં ગઇ હતી. મોડી રાત સુધી તેણે ચાર વખત ચૂંટણી પંચના દ્વાર ખટખટાવ્યા હતાં. જોકે, સામે ભાજપ પણ સામે ત્રણ વખત પંચમાં જઇને પોતાની માગણી મૂકી હતી.

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા અને આરપીએન સિંહે ચૂંટણી પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડિંગ પંચને રજૂ કર્યો હતો અને માગણી કરી હતી કે કાયદા મુજબ ભોળાભાઇ ગોહિલ અને રાઘવજી પટેલના મતો રદ કરવામાં આવે કેમ કે તેમણે બેલેટની ગુપ્તતાના ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે.નિયમો મુજબ રાજ્યસભાના મતદાતાઓએ સંબંધિત પક્ષોના સત્તાવાર પ્રતિનિધિઓને મતદાન પછી તેમના બેલેટ બતાવવાના હોય છે. જોકે, કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવતાં કેન્દ્રીય મંત્રીઓ અરૂણ જેટલી, રવિ શંકર પ્રસાદ અને પીયૂષ ગોયલ સહિતના ભાજપના નેતાઓનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચમાં પહોંચ્યું હતું અને તત્કાળ મતગણતરીની માગણી કરી હતી. તેની દલીલ હતી કે મતો બેલેટ બોક્સમાં ગયા પછી તેની યથાર્થતા સામે સવાલ ન કરી શકાય.જોકે, ગોયલે કહ્યું હતું કે પ્રીસાઇડિંગ અધિકારીઓનો નિર્ણય અંતિમ હશે. જ્યારે મતદાન થયું ત્યારે તેમણે કે ચૂંટણીના નિરીક્ષકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો ન હતો, તેથી હવે તેની યથાર્થતાનો મુદો ઉઠાવવાનો કોઇ પ્રશ્ન જ નથી થતો/ રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે કોંગ્રેસને તેના ઉમેદવાર એહમદ પટેલને હારી જવાનો ભય સતાવી રહ્યો છે. આથી તે પરિણામ રોકવાની કવાયત કરી રહી છે. સામે કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે કહ્યું હતું કે જો ભાજપ ચૂંટણી જીતવા માટે એટલો વિશ્વસ્ત હોય તો તેણે કાયદાનું પાલન કરવું જોઇએ અને કાયદો સ્પષ્ટ છે. ભાજપે અગાઉ ૧૧ જૂન, ૨૦૧૬માં આ રીતે લાભ મેળવ્યો છે. કોંગ્રેસના આનંદ શર્માએ કહ્યું હતું કે અમારા એક ધારાસભ્યે હરિયાણામાં પોતાનો મત આપ્યો હતો અને એ મત રદ ગણવામાં આવ્યો હતો. હવે એવું જ ગુજરાતમાં થયું છે તો આ મત પણ રદ ગણવો જોઇએ.પટણા: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્ય છોટુ વસાવાએ પક્ષના વ્હીપથી વિરુદ્ધ જઈને કોંગ્રેસને મત આપતા પક્ષે ગુજરાતમાં તેના મહામંત્રી અરુણ શ્રીવાસ્તવને મંગળવારે રાત્રે પદ પરથી હટાવ્યા છે. રાષ્ટ્રીય મહામંત્રી કે.સી. ત્યાગીએ શ્રીવાસ્તવને હટાવતો પત્ર પાઠવી દીધો હતો. ત્યાગીએ કહ્યું કે છોટુ વસાવાના ક્રોસ વોટિંગની પક્ષના પ્રમુખ નીતીશકુમારે ગંભીર નોંધ લીધી છે અને શ્રીવાસ્તવને મહામંત્રીની જવાબદારીમાંથી તાત્કાલિક મુક્ત કરી દીધા છે. શ્રીવાસ્તવ શરદ યાદવના વિશ્વાસુ મનાય છે જે નીતીશ જૂથની વિરુદ્ધ છે. છોટુ વસાવાએ મતદાન બાદ દાવો કર્યો હતો કે તેમણે કોંગ્રેસના ઉમેદવાર એહમદ પટેલને મત આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.