Abtak Media Google News

દારૂ ભરેલી કાર અટકાવતા તમંચાથી બે રાઉન્ડ પીએસઆઇ પર ફાયરિંગ કર્યુ: પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા એક ઘવાયો: એક ભાગી ગયો

અમદાવાદ-કચ્છ હાઇવે પર આવેલા માલવણ નજીક ગેડીયા ગેંગ અને પોલીસ વચ્ચે ગત મોડીરાતે સામસામે ફાયરિંગ થતાં ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. પોલીસ દ્વારા કરાયેલા બે રાઉન્ડ ફાયરિંગમાં એક ઘવાયો હતો અને એક શખ્સ ભાગી જતા તેની પોલીસે શોધખોળ હાથધરી છે.

માલવણ પાસેથી પસાર થતા ટ્રકમાંથી કિંમતી માલ સામાનની ચોરી કરવાની ટેવ ધરાવતી કુખ્યાત ગેડીયા ગેંગ સામે રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.  ગેડીયા ગેંગના જુદા જુદા સાગરીતો સામે ૧૦૦થી વધુ ગુના નોંધાયા હોવાનું અને અગાઉ પણ પોલીસ પર ફાયરિંગ કરવાના ગુના નોંધાયા હોવાથી કુખ્યાત ગેડીયા ગેંગ સામે પુરી સાવધાની સાથે કાર્યવાહી કરતી માલવણ પોલીસને ગેડીયા ગેંગના બે શખ્સો વિદેશી દારૂ સાથે કારમાં જતા હોવાની બાતમીના આધારે પી.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ સુરેશભાઇ મુંધવા સહિતના સ્ટાફ માલવણ પાસે વોચ ગોઠવી ઉભા હતા.દરમિયાન જી.જે.૧૨બીએફ. ૭૭૨૦ નંબરની સ્વીફટ કાર આવતા તેને અટકાવવા પીએસઆઇ વી.એન.જાડેજાએ પ્રયાસ કરતા સ્વીફટ કારના ચાલક ફુલ સ્પીડમાં કાર ભગાવી ધ્રાંગધ્રાં તરફ જતો રહ્યો હતો. તેની પાછળ પોલીસ સ્ટાફે પણ પીછો કરી એકાદ કિલોમીટર બાદ ઓવરટેક કરી કાર આડી ઉભી રાખી ત્યારે કારમાં બેઠેલા એક શખ્સે તમંચામાંથી પી.એસ.આઇ. વી.એન.જાડેજાના હાથ પર ફાયરિંગ કરતા તેઓ દુર હટી જતા ગોળી પોલીસની કારના દરવાજાના કાચ સાથે અથડાતા કાચ ફુટી ગયો હતો. ફરી કાર લઇ બંને શખ્સો ભાગી જતા તેનો પોલીસે પીછો કરવાનું જારી રાખતા બુટલેગરની કાર આગળથી ટ્રક આવતા રોકવાની ફરજ પડી હતી તે દરમિયાન પોલીસ પર ફરી એક રાઉન્ડ ફાયરિંગ કરતા પી.એસ.આઇ. જાડેજાએ સ્વબચાવમાં વળતો ગોળીબાર કરી બે રાઉન્ડ ફાયરિંગ કરતા કારમાં બેઠેલા બિસ્મીલાખાન અનવરખાન જતમલેકના પગમાં ગોળી લાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને તેની સાથે રહેલો શખ્સ ભાગી ગયો હતો તેના અંગે બિસ્મીલાખાન જતમલેકની પૂછપરછ કરતા ભાગી છુટેલો શખ્સ આબીદખાન દિલાવરખાન હોવાનું જણાવતા પોલીસે તેની શોધખોળ હાથધરી છે. કારમાંથી રૂા.૨૪ હજારની કિંમતની ૨૩૯ વિદેશી દારૂની નાની બોટલ મળી આવતા પોલીસે દારૂ અને કાર મળી રૂા.૧.૨૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. પી.એસ.આઇ. વી.એન.જાડેજા પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.