Abtak Media Google News

સિટી વગાડી એક જગ્યાએ ઉભા કરી કચરો લેશે તે હવે નહીં ચાલે: દરવાજા પાસે પડેલો કચરો કલીનરે લેવા જવુ પડશે

સફાઈ કામગીરીને વધુ સઘન બનાવવા પદાધિકારીઓની સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે બેઠક: ખુલ્લા પ્લોટમાં કચરો ફેંકનારને પણ દંડ કરાશે

રાજકોટમાં સફાઈ કામગીરીને વધુ સુદઢ બનાવવા માટે મહાપાલિકાના નવનિયુકત પદાધિકારીઓએ ગઈકાલે સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં કેટલાક આદેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યાર સુધી ટીપર વાનના કલીનર ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે કોઈ વિસ્તારમાં જાય તો ત્યાં સીટી વગાડી એક જગ્યા પર ઉભા રહી જતા હતા. લોકોએ કચરો નાખવા માટે ટીપરવાન સુધી લાંબુ થવુ પડતું હતું પરંતુ હવે આ સિસ્ટમ બંધ કરી દેવાની કડક સુચના આપવામાં આવી છે. ટીપરવાનના કર્મચારીએ ઘેર-ઘેરથી કચરો ઉઘરાવવો પડશે. આ ઉપરાંત ન્યુસન્સ પોઈન્ટમાં ક્રમશ: ઘટાડો કરવા માટે પણ કડક આદેશ આપવામાં આવ્યો છે.

ગઈકાલે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને સોલીડ વેસ્ટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી જેમાં ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા અને સેનીટેશન કમિટીના ચેરમેન અશ્ર્વિનભાઈ પાંભર ઉપરાંત ડે.કમિશનર એ.આર.સિંઘ, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર અને ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેર ઉપસ્થિત રહ્યા હતા. સફાઈમાં રાજકોટ નંબર વન શહેર બને તે માટે લોકોમાં જાગૃતિ આવે તે અર્થે પ્રચાર-પ્રસાર કરવા પણ સુચના આપવામાં આવી છે. હાલ શહેરમાં સફાઈને લગતી નાની-મોટી ફરિયાદો ઉભી થવા પામી છે. ટીપરવાનના કર્મચારીઓએ હવે એક જગ્યાએ ઉભા રહી ગાર્બેજ કલેકશન કરવાના બદલે ઘરના દરવાજા પાસે પડેલી કચરા ટોપલી જાતે લઈને તેનો નિકાલ ટીપરવાનમાં કરવાનો રહેશે. આટલું જ નહીં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન દરમિયાન લોકો સાથે સારો વ્યવહાર કરવા પણ કડક સુચના આપી દેવામાં આવી છે. બપોર બાદ પણ એસઆઈ વોર્ડ ઓફિસે હાજર રહે તેવી તાકિદ કરાઈ છે. શહેરના 18 વોર્ડમાં આશરે 70 જેટલા ન્યુસન્સ પોઈન્ટ આવેલા છે તેનો ક્રમશ: ઘટાડો કરવા પણ તાકિદ કરાઈ છે. ખુલ્લા પ્લોટમાં કચરાનો નિકાલ ન કરે તે માટે લોકોને સમજણ આપવા જણાવ્યું છે. સફાઈનું સતત મોનીટરીંગ ચાલુ રાખવા પણ સુચના આપવામાં આવી છે. ચોમાસા પહેલા તમામ વોકળાની સફાઈ થઈ જાય તે માટે આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો છે. જે એજન્સી બ્લેક લીસ્ટ થઈ છે ત્યાં સફાઈનો પ્રશ્ર્ન ઉભો ન થાય તેની વ્યવસ્થા ગોઠવવા અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

રાજકોટને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવા માટે સૌ સાથે પ્રયાસો કરશે તો ચોકકસ પરિણામ મળશે તેવું પદાધિકારીઓએ અંતમાં જણાવ્યું હતું. સફાઈના જે પ્રશ્ર્નો ઉપસ્થિત થઈ રહ્યા છે તેનો શકય તેટલો ઝડપથી નિકાલ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.