Abtak Media Google News

નગરપાલિકામાં સાતેક જેટલા સદસ્યો સંક્રમિત થયા બાદ ઉપપ્રમુખ, પાલિકા પ્રમુખના પતિ, બે સદસ્ય સહિત પાંચ કોરોનાગ્રસ્ત 

તાલુકા પંચાયતમાં પણ પાંચેક જેટલા સદસ્યો અને બે જેટલા કર્મચારીઓ પોઝિટિવ 

મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. સરકારી કચેરીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. પ્રથમ જિલ્લા પંચાયત કચેરીમાં કોરોનાએ ભરડો લીધા બાદ હવે નગરપાલિકા અને તાલુકા પંચાયતનો પણ વારો કાઢ્યો છે. બીજી તરફ હોસ્પિટલો પણ હાઉસફુલ તરફ હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લા પંચાયતમાં ડીડીઓ, ડે.ડીડીઓ સહિતના સાતેક અધિકારીઓને કોરોના વળગ્યા બાદ હવે નગરપાલિકા અને તાલુકા પંચાયતની પણ તેવી જ સ્થિતિ બની રહી છે. નગરપાલિકામાં અગાઉ 7થી 8 સદસ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ હવે ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પ્રમુખના પતિ, બે સદસ્યો તેમજ અન્ય કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ તેઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને સ્વાસ્થ્યની કાળજી રાખવા અપીલ પણ કરી છે.

આ ઉપરાંત તાલુકા પંચાયતમાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. કુલ 4થી 5 સદસ્યો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે બેથી ત્રણ કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ સરકારી કચેરીઓમાં હવે કોરોનાના કેસો વધી રહ્યા હોય કચેરીના કર્મચારીઓએ ઉપરાંત સામાન્ય લોકોએ ખાસ તકેદારી રાખવાની તાતી જરૂર જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.