Abtak Media Google News

ગ્રામ્ય વિસ્તારમાં પણ સતત વધી રહેલા સંક્રમણથી સૌ કોઈ ચિંતાતુર 

જામનગર શહેર અને ગ્રામ્યમાં કુદકે ને ભુસકે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. માર્ચ માસમાં 785 કેસ સામે આઠ દિવસમાં જ કોરોનાના કેસની સંખ્યા વધી જતા લોકો અને તંત્રવાહકોમાં ભયનું લખલખુ ફરી વળ્યું છે. એપ્રિલ માસના પ્રથમ 15 દિવસમાં કુલ 3,050 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે 1611 દર્દીઓ સ્વસ્થ થયા છે.

જામનગરમાં કોરોનાની બીજી લહેર તેની પ્રથમ લહેર કરતા ચાર ચાસણી ચડીયાતી સાબિત થઇ રહી છે. દરરોજ આગલા રેકર્ડ તોડી સંખ્યામાં કોરોનના કેસ નોંધાઇ રહ્યા છે. જામનગર શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાની કાગારોળ વધવા લાગી છે જે વિશેષ ચિંતાનો વિષય છે.

સમગ્ર માર્ચ મહિના દરમ્યમાન જામનગર શહેર અને જિલ્લામાં મળીને માત્ર 785 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ આંકડો એપ્રિલ માહિનાના પ્રથમ આઠ જ દિવસમાં પાર થઇ ગયો હતો. જે ગતિએ કોરોના જામનગર શહેર અને જિલ્લામાં ફેલાઇ રહ્યો છે તે જોતા એપ્રિલ માસમાં પાંચ હજાર કેસ નોંધાઇ તો નવાઇ નહી રહે કેમ કે 15 તારીખ સુધીમાં જ 3050 કેસ નોંધાઇ ચુકયા છે.

ગ્રામ્યની વાત કરીએ તો જિલ્લાના ગામડાઓ માટે એપ્રિલ માસ કોરોનાના સંક્રમણની દ્રષ્ટીએ સૌથી વધુ ખતરનાક સાબિત થઇ રહ્યો છે. 5મી એપ્રિલથી ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કાળના કેસની સંખ્યાનો રેકર્ડ તુટવાનું સતત ચાલુ છે. તા.8ના રોજ સૌ પ્રથમ વખત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસની સેન્ચુરી નોંધાઇ હતી. જામનગર શહેરની વાત કરીએ તો તા.8 એપ્રિલના રોજ જામનગર શહેરમાં પણ કોરોનાના રેકર્ડબ્રેક કેસવાળો સાબિત થયો હતો. કોરોનાની પ્રથમ લહેરમાં એક દિવસ જામનગર શહેરમાં 120 કેસ નોંધાયા હતા. પરંતુ તા.8ના રોજ જામનગરમાં કોરોનાના 128 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ પછી પણ રોજ આંકડો વધતો જ ગયો છે. જામનગર શહેર અને ગ્રામ્યમાં કોરોનાના સતત વધી રહેલા કેસને પગલે સામાન્ય લોકો માટે આશાનું સૌથી મોટુ કિરણ ગણાતી ગુરૂ ગોવિંદસિંગ કોવિડ હોસ્પિટલમાં પણ બેડ ફટોફટ ભરાવવા લાગ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.