Abtak Media Google News

દર્દીઓના સગા પાસે પૈસા પડાવી ડોકટરને પણ દબાણ કરાયાની રાવ ઉઠી: આવી ફરિયાદો મળી છે, પગલા લેવાશે: એસડીએમ 

જામનગરમાં કોરોના મહામારીના અજગરી ભરડા વચ્ચે જી.જી.હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલમાં પથારીઓ ખૂટી પડી છે ત્યારે દર્દીને દાખલ કરવા અસામજીક તત્વો દ્વારા દર્દીઓને દાખલ કરવા દલાલી કરવામાં આવતી હોવાની રજૂઆતો મળતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે.

લેભાગુ તત્વો માનવતા નેવે મૂકી લાચાર દર્દીઓના સગા પાસેથી પૈસા પડાવી ડોકટરો પર દબાણ કરતા હોવાની ફરિયાદોથી ખળભળાટ મચી ગયો છે. ત્યારે તંત્ર દ્વારા આ લેભાગુ તત્વો સામે લાલઆંખ કરી કાયદાકીય પગલાં લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણ બેકાબૂ બનતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સ્થાનિક ઉપરાંત અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. જેના કારણે જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ થવા માટે વેઇટીંગ જોવા મળી રહ્યું છે.

આ કપરી સ્થિતિમાં અમુક અસામાજિક તત્વો દ્વારા જી. જી. હોસ્પિટલ ખાતે દર્દીને દાખલ કરવા માટે દલાલી શરૂ કરી લાચાર દર્દી ના સગા પાસે પૈસા પડાવી અને ડોક્ટર ને દબાણ કરવાના બનાવો ધ્યાનમાં આવતા જિલ્લા વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે.જામનગરની જી.જી.હોસ્પિટલમાં ભારે ભીડ થઇ રહી છે. વળી, સરકારી કોવિડ ઉપરાંત જી.જી.હોસ્પિટલની અન્ય ઇમારતોમાં પણ કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા હોવાથી દર્દીઓના પરિજનોના આવાગમનના કારણે ભીડ થઇ રહી છે. આથી સંક્રમણ વકરવાનો ભય વધુ રહેતા તથા ટ્રાફીક નિયમનમાં અવરોધ થતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જી.જી.હોસ્પિટલના દરવાજાની સામે આવેલા ડાંડિયા હનુમાન મંદિરમાં દર્દીઓના પરિજનો માટે બેસવાની સુવિધા કરવામાં આવી છે. તદઉપરાંત ધન્વતરી ગ્રાઉન્ડમાં બહારથી આવતા દર્દીના પરિજનો માટે પાર્કિગ ઉભું કરાયું હોય શનિવારે હનુમાન ગેઇટ પોલીસ ચોકીથી આયુર્વેદ હોસ્પિટલ તરફનો માર્ગ બંધ કરાયો છે.કોરોનાની કપરી સ્થિતિમાં જી.જી.હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે દલાલી અને દર્દીઓના સગા પાસેથી પૈસા પડાવી ડોકટરો પર દબાણની ફરિયાદો દર્દીઓના સગા તરફથી મળી હતી. જે ખૂબજ શરમજનક બાબત છે.

જી. જી.હોસ્પિટલ ના પરિસરમાં જો કોઈ આવી વ્યક્તિ જોવા મળશે કે જેનો દર્દી સાથે કોઈ સંબંધ નથી તો તેની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ બાબતે પોલીસને સૂચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.