Abtak Media Google News

બેંકો ખાતા ખોલવા દાંડાઇ કરતી હોવાના આક્ષેપ

રાજકોટમાં ઉજ્જવલા કાર્યક્રમ હેઠળ જરૃરિયાતમંદ પરિવારોને રાંધણ ગેસનું જોડાણ આપવાનો કાર્યક્રમ આવતીકાલ તા. ૨૮ને સોમવારે યોજવામાં આવ્યો છે જેમાં રાજકોટના અંદાજે ૮૦૦થી ૧૦૦૦ મળી કુલ ૬ હજાર નવા રાંધણગેસ જોડાણ આપવામાં આવે તેવી સંભાવના છે. અલબત બેંકોએ ખાતા ખોલી આપવામાં આડોડાઈ કરતા હજુ દોઢ હજાર જેટલા જરૃરિયાતમંદ પરિવારોને ઉજ્જવલા યોજનાનો લાભ નહીં મળે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં નેશનલ ઈન્ફોર્મેટીક્સ સેન્ટરના આધારે ડેટા મેળવીને જે જરૃરિયાતમંદ પરિવારો છે તેને ઉજ્જવલા યોજના હેઠળ રાંધણ ગેસનું કનેકશન રૃા. ૪૭૦૦ને બદલે રૃા. ૧૭૦૦માં આપવાનું જાહેર થયું છે. તેમાં પણ પૈસા ન હોય તો રૃા. ૧૦૦ જમા કરાવી બાકીની લોન મારફતે પણ જોડાણ મેળવી શકાય છે. આ યોજના હેઠળ અનેક કવાયતો પછી જે મુશ્કેલી ભોગવવી પડે છે. તેની વિગતોના સંદર્ભમાં રાંધણ ગેસના વિતરકોએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ ગ્રાહકોને અપાતી સબસીડીની રકમ તેના બેંક એકાઉન્ટમાં જમા કરવાની હોય છે. જો બેંકમાં ખાતુ જ ન ખુલે તો તેને સબસીડી મળી શકે નહીં. આ મુદ્દે જિલ્લા વહીવટી તંત્ર સાથે ચાર-ચાર વખત બેઠકો મળી હતી. પરંતુ બેંકોના પ્રતિનિધિઓએ એકપણ વખત હાજર રહેવાનું મુનાસીબ માન્યુ નથી. રાજકોટની સ્ટેટ બેંક સહિત અનેક બેંકોના મેનેજરો બેંક ખાતા ખોલી દેવામાં જે દાંડાઈ કરે છે તે મુદ્દે નામજોગ ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. બેંક ખાતાના અભાવે અંદાજે ૧૫૦૦ જેટલા ગ્રાહકોએ આ યોજનાથી વંચિત રહેવું પડશે. આધાર કાર્ડ કાઢવામાં પણ આ પ્રકારની મુશ્કેલી ગ્રાહકોને નડતી રહી છે.આ મુદ્દે પણ જરૃરિયાતમંદ પરિવારો હેરાન થતા રહ્યા છે. આવતીકાલ તા. ૨૮ના આયોજિત કાર્યક્રમમાં ગ્રાહકોને રાંધણગેસ સિલિન્ડરની સાથે ચુલો- નળીની કીટ આપવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.