Abtak Media Google News

જામનગરમાં પાંચ દિવસમાં કોરોનાનો ડિસ્ચાર્જ દર વધીને 90 ટકા થતાં તંત્રની સાથે લોકોએ હાશકારો અનુભવ્યો છે. કારણે કે, શહેર-જિલ્લામાં 3280 પોઝિટિવ કેસ સામે 3135 દર્દી મહામારી સામે જંગ જીત્યા છે. શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાથી સ્વસ્થ થતાં દર્દીઓનું પ્રમાણ વધુ છે. સંક્રમણ ઓછું થતાં નવા કેસમાં ઉતરોતર ઘટાડો નોંધાયો છે.કોરોનાની બીજી લહેર વધુ ઘાતક નિવડતા રાજયના અન્ય શહેરોની સાથે જામનગરમાં પણ મહામારીએ કાળોકેર વર્તાવતા સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતા પથારીઓ ખૂટી પડી હતી. બીજી બાજુ ઓક્સિજન સહિત કોરોનાને જરૂરી દવાઓની પણ અછત થતાં લોકોની મુશ્કેલી બેવડાઇ હતી. જો કે, મે મહિનાના પ્રારંભથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ પોઝિટિવ કેસની સામે દર્દીઓના ડિસ્ચાર્જ દરમાં વધારો થતાં આશાનું નવું કિરણ જોવા મળ્યું છે.

આ પાંચ દિવસમાં શહેર-જિલ્લામાં કુલ 3280 પોઝિટિવ કેસની સામે 3135 દર્દી સ્વસ્થ થયાં છે. જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં પાંચ દિવસમાં કોરોનનો ડિસ્ચાર્જ દર વધીને 90 ટકાએ પહોંચ્યો છે. જેમાં શહેરમાં 1797 પોઝિટિવ કેસ સામે 1483 દર્દીઓ સ્વસ્થ થયા છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં 1506 નવા કેસ સામે 1629 દર્દીએ મહામારીને હરાવી છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાં ડિસ્ચાર્જ રેશિયો 100 ટકાથી વધુ નોંધાયો છે. જામનગરમાં ઘણાં દિવસો બાદ ગઈકાલે પોઝિટિવ કરતા વધુ દર્દી સ્વસ્થ થતાં 516 નવા પોઝિટિવ કેસ સામે 608 દર્દીએ કોરોનાને હરાવ્યો હતો. જો કે, શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં પોઝિટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સાથે-સાથે મૃત્યુદર પણ ઘટયો છે. પોઝિટિવ કરતા ડિસ્ચાર્જ રેટ વધતા અને મૃત્યુદરમાં પણ આંશિક ઘટાડો થતાં લોકોએ રાહતની લાગણી અનુભવી છે

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.