Abtak Media Google News

કોરોનાની બીજી લહેર દેશભરમાં ઘાતકી સાબિત થઈ છે. વૈજ્ઞાનિકોના કેહવા મુજબ આગામી સમયમાં ત્રીજી લહેર આવી શકે છે. આ થર્ડ વેવ બાળકો માટે વધુ ખતરારૂપ છે. ‘પાણી પહેલા પાર બાંધી લેવાની’ નીતિ સાથે ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે તેની તૈયારીઓ અંગે અહેવાલ માંગ્યો છે.

કોરોના સંક્રમણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે, ‘મેડિકલ એક્સપર્ટના અનુમાન મુજબ કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે. આગામી સમયમાં રાજ્ય સરકારની તૈયારીઓમાં ઉણપ ના હોવી જોઈએ.’

હાઈકોર્ટે સરકારને જણાવ્યું છે કે, ‘ગ્રામીણ વિસ્તારોમાં સબ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જરૂરી સાધન સામગ્રી તેમજ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ નિયમિત ભરતી કરવામાં આવે તો આપણે ત્રીજી લહેરને રોકી શકીશું.’ હાઇકોર્ટે નોંધ્યું છે કે, ‘હાલ કોરોના મહામારીની સાથે મ્યુકરમાઈકોસિસનો ખતરો વધી રહ્યો છે, ત્યારે મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનના ડિસ્ટ્રીબ્યુશન માટેની રાજ્ય સરકારની નીતિ સ્પષ્ટ નથી.

મ્યૂકરમાઈકોસિસ સામે લડવા દરેક જિલ્લામાં ખાનગી, કોર્પોરેશનની તેમજ સરકારી હોસ્પિટલ્સમાં ઇન્જેક્શનનો જથ્થો મેળવવા માટેનું માળખું અને નીતિ બનાવવા સરકારને આહ્વાન કર્યું છે. સરકાર આ માળખું અને નીતિ બનાવવા માટે તજજ્ઞ સમિતિનો પરામર્શ કરે. ઇન્જેક્શનની ઉપલબ્ધિ અને ઉપયોગની વિગતો આરોગ્ય વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવે. હોસ્પિટલ્સ પાસે પણ ઇન્જેક્શન બાબતનો નિયમિત રિપોર્ટ લેવામાં આવે.

મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનની વહેંચણી વધુ ચોક્કસ, પારદર્શી અને અસરકારક રીતે થાય એ રીતની નીતિ બનાવી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સુનાવણીમાં હાઈકોર્ટે ગુજરાત સરકારની અનેક મુદ્દે ઝાટકણી કાઢી હતી. જેમાં વેક્સીનેશનનો મુદ્દે અનેક સવાલો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.