Abtak Media Google News

ભારતમાં કોરોના વાઇરસને નાબૂદ કરવા રસીકરણ ઝુંબેશ પૂરજોશ સાથે ચાલી રહી છે. સરકાર પોતાના બનતા પ્રયત્નો કરે છે કે ભારતના લોકો કોરોના રસી લ્યે. રસીકરણનો વ્યાપ વધારવા ભારત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ ચાર્જેબલ બેઝીઝ ઉપર રસીકરણની છૂટ અપાઇ છે. જેથી રસીકરણની પ્રક્રિયાને વેગ મળે. રસીકરણમાં પણ ખાનગીકરણ વેકસિનેશનને વધુ તેજ બનાવવાની સરકારની રણનીતિ રંગ લાવી. આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, ‘રાજ્યમાં ૭ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ગાંધીનગર તેમજ મહેસાણા, કચ્છ અને ભરૂચ એમ ૧૦ સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.’

૧ મે-ર૦ર૧થી ૧૮ થી ૪૪ ની વય જૂથના લોકોને સરકારી રસીકરણ કેન્દ્ર પરથી વિનામૂલ્યે વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧૦ લાખ પ૦ હજારથી વધુ ૧૮ થી ૪૪ ની વય જૂથના લોકોને વેક્સિન આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન અને મુજબ રાજ્યના વધુ યુવાઓને રસીકરણ અંતર્ગત આવરી લેવાની પ્રતિબદ્ધતા સાથે તા.ર૪ મે થી ૩૧ મે દરમ્યાન એક સપ્તાહ સુધી દરરોજ ૧.ર૦ લાખ યુવાઓનું વેક્સિનેશન કરવાની શરૂઆત પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રસીકરણ અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરમાં એપોલો હોસ્પિટલ દ્વારા ચાર્જેબલ બેઝીઝ પર વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૪૪ની વયજૂથના લોકોને સરકારી રસીકરણ કેન્દ્રો પરથી આપવામાં આવતી વિનામૂલ્યે રસી ઉપરાંત આ વધારાની વ્યવસ્થા અમદાવાદ શહેરના યુવાઓ માટે એપોલો હોસ્પિટલે કરેલી છે. આવી ખાનગી હોસ્પિટલો પોતાની જરૂરિયાત મુજબનો વેક્સિન જથ્થો દેશના વેક્સિન ઉત્પાદકો પાસેથી સીધો મેળવીને આ વેક્સિનેશન કામગીરી કરે છે.

આરોગ્ય અગ્ર સચિવએ વધુમાં જણાવ્યું છે કે, ‘અમદાવાદમાં એપોલો હોસ્પિટલ દ્વારા ચાર્જેબલ બેઝીઝ પર શરૂ કરાયેલું વેક્સિનેશન એવા સંપન્ન લોકો-પરિવારો જેમને આ ફી પરવડી શકે તેમ છે તેમજ જેઓ વેક્સિન તાત્કાલિક લેવા માંગે છે તેમના માટે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ઊભી કરાયેલી વધારાની વ્યવસ્થાના ભાગરૂપે છે.’

તેમણે એમ પણ ઉમેર્યુ કે, આવનારા દિવસોમાં આ વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ બનાવી સરકારી રસીકરણ કેન્દ્રોમાં વિનામૂલ્યે રસીકરણ ઉપરાંત ખાનગી હોસ્પિટલો દ્વારા ચાર્જેબલ બેઝીઝ પર વેક્સિનેશનની પ્રક્રિયા કોવિડ મહામારી સામેની લડતમાં રક્ષણ મેળવવાના હેતુ સાથે વધુ વ્યાપક બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.