Abtak Media Google News

ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને ખાસ કરીને બાળકો કોરોનાનો શિકાર બને તેવી શક્યતાના પગલે રાજ્યભરમાં બાળકો માટે અલગ પીડીયાટ્રીક વિભાગ શરુ કરવા તેમજ ડોક્ટરોની સંખ્યા માં વધારો કરવા બેઠક યોજાઇ હતી. જેમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે આગોતરા આયોજન શરૂ કરાયા છે.

જામનગરની સરકારી જી.જી કોવિડ હોસ્પિટલનું તંત્ર સતર્ક બન્યું છે. અને ત્રીજી લહેરનો સામનો કરવા માટે ખાસ કરીને બાળકોના પીડીયાટ્રીક હોલ શરૂ કરવા સહિતની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જામનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા જ તાજેતરમાં કલેકટર, ડીડીઓ જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના તંત્રના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી.

જેના અનુસંધાને જામનગર જિલ્લામાં પણ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે તંત્ર સક્રિય બન્યું છે.જેમાં જામનગરની સરકારી જી.જી.કોવિડ હોસ્પિટલમાં બાળકો માટે પીડીયાટ્રીકનો નવો વોર્ડ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે માટેનું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર, ઓક્સિજનની સુવિધા તેમજ તબીબો અને જરૂરી નર્સિંગ સ્ટાફ ઉપરાંત દવાઓ સહિતની વ્યવસ્થાઓ ઊભી કરી લેવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે જામનગર જી.જી હોસ્પિટલનું તંત્ર સતર્ક બની ગયું છે. અને નજીકના સમયમાં જ જામનગરની સરકારી જી.જી કોવિડ હોસ્પિટલમાં બાળકો માટે અલગ પીડીયાટ્રીક વોર્ડ સહિતની સુવિધાનો પ્રારંભ કરી દેવામાં આવશે. જે સંદર્ભમાં જામનગર જિલ્લા વહીવટી તંત્ર તેમજ જી.જી.હોસ્પિટલના તંત્ર દ્વારા પણ ચર્ચા વિચારણા કરી લેવામાં આવી છે.

મ્યુકોરમાઈકોસિસના 137 દર્દી સારવાર હેઠળ

કુલ 70 દર્દીઓની સર્જરી કરાઈ: કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો: મ્યુકોર માઈકોસિસના કેસો વધતાં જાય છે

જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં છેલ્લાં બે સપ્તાહથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ક્રમશ ઘટતી જાય છે. જ્યારે મ્યુકોરમાઈકોસિસના રોગના દર્દીઓ વધતા જાય છે. શુક્રવારની સ્થિતિ મુજબ, મ્યુકોરમાઈકોસિસ વોર્ડમાં 137 દર્દીઓ સારવાર હેેઠળ છે અને 70 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. કોરોના મહામારીમાં જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં બે સપ્તાહથી પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થતો જાય છે અને સાથે સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. હાલમાં જી.જી. હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં એ વિભાગમાં 720 બેડની વ્યવસ્થા કરાયેલી છે. તેમજ બી વિભાગ તેમજ સી વિભાગ (સર્જરી) સહિતના ત્રણેય બિલ્ડિંગમાં હાલ કુલ 490 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જેમાં વેન્ટિલેટર અને બાય પેપ સહિતની સુવિધા સાથેના બેડનો પણ સમાવેશ થાય છે. તેમજ રિલાયન્સ દ્વારા નિર્મિત્ત હોસ્પિટલમાં હાલમાં 86 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.જામનગર કોવિડ-એ બિલ્ડિંગમાં ત્રીજા માળે તેમજ બીજા માળે મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા ચાર વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 137 દર્દીઓ સારવાર લઇ રહ્યાં હોવાનું ડો.નિરલ મોદીએ ખબર-ગુજરાતને જણાવ્યું હતું. તેમજ આ વોર્ડમાં આજ દિવસ સુધીમાં કુલ 70 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.