Abtak Media Google News

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફોર્મેટ અંગે મહત્વપૂર્ણ  નિવેદન આપ્યું છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના થાય તે પહેલા રવિ શાસ્ત્રીએ કહ્યું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ બેસ્ટ ઓફ થ્રી હોવી જોઈએ. જેના કારણે ચેમ્પિયનશીપને પણ ફાયદો થશે.

શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, મને એવું લાગે છે કે જો ટેસ્ટ ચેમ્પિયનશિપ યથાવત રાખવી હોય તો ભવિષ્યમાં બેસ્ટ ઓફ થ્રી કરવું અનિવાર્ય છે. જણાવી દઈએ કે, ફાઇનલ મેચની સિરીઝ ફક્ત 3 મેચની હોય, જેમાંથી 2 મેચ જીતનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવે તેને બેસ્ટ ઓફ થ્રી કહેવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કએ, ભવિષ્યમાં ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે બેસ્ટ ઓફ થ્રી અનિવાર્ય બની જશે. ટેસ્ટ ચેમ્પિયનશિપએ કોઈ ટૂંકા દિવસોનું ફોર્મેટ નથી પરંતુ, અઢી વર્ષ સુધી ચાલનારી આ ચેમ્પિયનશીપ છે. કોઈ ટીમ રાતોરાત શાનદાર પ્રદર્શન કરવા લાગતી નથી. જેથી બેસ્ટ ઓફ થ્રી થકી ખેલાડીઓથી માંડી ટીમ અને ચેમ્પિયનશિપને ફાયદો થશે.

શાસ્ત્રીએ કહ્યું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મેચ એ ખૂબ મોટો મુકાબલો છે. એવું પ્રથમ વાર બનશે કે જ્યારે દર્શકો ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મેચ નિહાળી શકશે. જ્યારે મેચની મહત્વતા અંગેની ચર્ચા કરવામાં આવે તો મારા મત મુજબ ફક્ત મોટો નહીં પરંતુ ખૂબ મોટો મુકાબલો ગણી શકાય. સૌથી મોટું ફોર્મેટ એટલે  ટેસ્ટ ચેમ્પિયનશિપ.

તેમણે ઉમેર્યું કે આ એક એવું ફોર્મેટ છે જ્યા તમામ ખેલાડીઓ અને ટીમની પરીક્ષા થાય છે. આ પરીક્ષા ત્રણ દિવસ કે ત્રણ મહિનાની નથી પરંતુ, અઢી વર્ષ સુધી વિશ્વભરની ટીમો સામે જંગ લડી કોઈ બે ટીમ ફાઇનલ મેચ સુધી પહોંચે છે અને જ્યારે વિશ્વ વિજેતા બનવાની વાત હોય ત્યારે મેચની એક એક ક્ષણ મહત્વપૂર્ણ હોય છે. ઉલ્લેખનીય બાબત છે કે 18મી જૂનથી સાઉથ મ્પટનમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા રવાના થઇ ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.