Abtak Media Google News

રાજકોટ જીલ્લાનું એક નાનુ ગામ આણંદપર કે જેની વસ્તી આશરે 4,000ની છે અને દૈનિક 2,000 લીટર દૂધ સંપાદિત કરાય છે. આ ગામે એક ઇતિહાસ સર્જ્યો છે. રાજકોટ દૂધ સંઘની આનંદપર ગ્રામ દૂધ સહકારી મંડળીએ દૂધ ઉત્પાદક સભ્યો માટે ઘર આંગણે પ્રથમ માઇક્રો એટીએમ પેમેન્ટ સેન્ટર સ્થાપીને ડિજિટાઇઝેશનનો નવો માર્ગ અપનાવ્યો છે. રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે ગોપાલ ડેરી કે જે અમૂલ સાથે જોડાયેલો ડેરી સંઘ છે કે જેણે ગ્રામ્ય અર્થતંત્રને ડિજિટાઇઝ કરવા માટેના નક્કર પગલાંભર્યા છે.

Vlcsnap 2021 06 09 14H19M00S380 આ પ્રસંગે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામલીયાએ આણંદપર ગામના ડેરીમાં દૂધ ભરાવનારા ખેડૂતોની ગ્રામ મંડળીના સભ્યો માટે આધાર કાર્ડ આધારિત અમૂલ માઇક્રો એટીએમ સુવિધાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોઇ પણ સભાસદ દૂધ મંડળીની મુલાકાત લઇને અમૂલ માઇક્રો એટીએમ મારફતે નાણાં ઉપાડી શકે છે અને તુરત જ નાણાં મેળવી શકે છે. સભ્યો માટે આ વ્યવસ્થા મોટી રાહત સમાન બની છે કારણ કે તેમણે બેંકની મુલાકાત લેવામાં સમય અને પ્રવાસ ખર્ચ ભોગવવો પડતો નથી. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે મહામારી દરમ્યાન આ પ્રકારની ચૂકવણીના વ્યવસ્થા સલામત બની રહે છે અને આ સમગ્ર વ્યવસ્થા અંગુઠાની છાપ આધારિત હોવાથી નાણાં ઉપાડવા માટે કોઇ પણ પ્રકારના ક્રેડીટ કે ડેબીટ કાર્ડની જરૂર પડતી નથી.

Vlcsnap 2021 06 09 14H18M03S475

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) (અમૂલ)ના વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલે આ અનોખા પ્રોજેક્ટના અમલીકરણ માટે રાજકોટ ડેરીની ટીમને અભિનંદન આપ્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ નાના, સિમાંત અને જમીનવિહોણા ખેડૂતોને આત્મવિશ્ર્વાસ આપશે અને તેમની ભવિષ્યની જરૂરીયાતો માટે બચતની ટેવ કેળવાશે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) (અમુલ)ના ચેરમેન શામળભાઈ પટેલે પણ આ સમારંભમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, માઈક્રો એટીએમ ટેક્નોલોજી અપનાવીને દૂધ ઉત્પાદન સભ્યોને ડિજીટલ પેમેન્ટ સીસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે. તેમણે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, જીસીએમએમએફના સભ્ય સંઘો તરફ ગ્રામ સહકારી મંડળીઓમાં વહેલામાં વહેલી તકે અમુલ માઈક્રો એટીએમ પ્રોજેકટ શરૂ કરી દેશે.

ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લીમીટેડ જીસીએમએમએફ અમુલના મેનેજીંગ ડિરેકટર ડો.આર.એસ.સોઢીએ પણ આ સમારંભમાં વર્ચ્યુઅલી હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દૂર-દૂરના ગામોમાં ડિજીટલ બેન્કીંગ ટેકનોલોજીના અભાવને કારણે આ પ્રકારના એટીએમ સ્થાપવાનો વિચાર આવ્યો છે. આ પ્રોજેકટ હેઠળ રાજકોટ, સુરત, ભરૂચ અને સુરેન્દ્રનગર જિલ્લાની દૂધ સહકારી મંડળીઓને આવરી લઈને સભાસદો દ્વારા સામનો કરવો પડતો હોય તેવી તકલીફ અંગે સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નોટબંધી વખતમાં જીસીએમએમએફના સભ્ય સંઘોએ માત્ર 50 દિવસમાં દૂધ ઉત્પાદકોના 13 લાખથી વધુ બેંકના ખાતા ખોલવામાં સહાય કરી હતી.

 

અમુલ માઈક્રો એટીએમ સિસ્ટમ જીસીએમએમએફ અમુલ અને ફિનટેક કંપની ડીજીવિધિએ બેન્કિંગ પાર્ટનર ફેડરલ બેન્ક સાથે મળી આ પ્રોજેકટમાં જે મહત્વની પડકાર બાબત હતી. રાજકોટ દૂધ સંઘના મેનેજીંગ ડિરેકટર વિનોદ વ્યાસ, ડીજીવિધિના રાઘવન, ફેડરલ બેન્કના એમડી અતુલ કુમાર અગ્રવાલ, સીનીયર જનરલ મેનેજર, જીસીએમએમએફના આ પ્રસંગે હાજર રહ્યાં હતા. આ તકે રાજકોટ દૂધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, એમ.ડી. વિનોદ વ્યાસ, સુરત, સુરેન્દ્રનગર અને ભરૂચ દૂધ સંઘના ચેરમેનો સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.