આજે સ્વર્ગીય અભિનેત્રી સાધનાનો બર્થ-ડે સાધના હેર સ્ટાઈલ આજે ય જગ મશહૂર છે
બોલીવુડની સ્વ.અભિનેત્રી સાધનાનો આજે તા.૨જી સપ્ટેમ્બરે જન્મદિવસ છે. આમ તો સાધનાનું મૃત્યુ ડિસેમ્બર-૨૦૧૫માં થયું હતું. પરંતુ તેની મીઠી મધુરી યાદો હજુ તેના ચાહકોના દિલમાં છે. સાધના એક એવી બોલીવુડ અભિનેત્રી છે જે પોતાની હેરસ્ટાઈલથી અમર થઈ ગઈ. ત્યારે અને અત્યારે યુવતીઓ બ્યુટી પાર્લરમાં જઈ સાધના જેવી હેર કટ્ટ કરાવે છે. અસલમાં સાધનાનું કપાળ થોડુ વધારે મોટું હતું એટલે તેના હેરસ્ટાઈલીસ્ટે કપાળ ઉપર વાળની લટ રહે તે રીતે હેર કટ્ટ કર્યા હતા. પરંતુ સાધનાને પણ ખબર નહોતી કે, તેની આ હેરસ્ટાઈલ અમર થઈ જશે. તેણે ઘણી બધી હિટ ફિલ્મો આપી છે. આજે તેના ચાહકો તેને ટ્રીબ્યુટ આપી રહ્યાં છે.સાધનાની સૌથી સફળ ફિલ્મોમાં શમ્મીકપુર સાથેની ફિલ્મ રાજકુમાર છે. સાધનાનો જન્મ ૨જી સપ્ટેમ્બર ૧૯૪૧ના રોજ પાકિસ્તાનના કરાંચીમાં થયો હતો. જો કે, ત્યારે કરાંચી હિન્દુસ્તાનનો જ એક હિસ્સો હતો. તેનું સાચું નામ સાધના શિવદાસાની હતું. કરીના કપુર અને કરિશ્મા કપુરની મમ્મી અને વિતેલા દશકાની અભિનેત્રી બબીતા સાધનાની પિતરાઈ બહેન છે. બબીતાના પિતા હરી શિવદાસાનીએ સાધનાને ફિલ્મોમાં આવવા માટે સલાહ આપી હતી.સાધનાની અન્ય પોપ્યુલર ફિલ્મોમાં ‘લવ ઈન સિમલા’, ‘મેરા સાયા’, ‘વકત’, ‘અનિતા’, ‘રાજકુમાર’, ‘એક ફુલ દો માલી’, ‘ઈન્તેકામ’, ‘ગીતા મેરા નામ’ વિગેરે ગણાવી શકાય. ફિલ્મ વકત માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો હતો. સાધનાએ રાજકપુરના આસીસ્ટન્ટ નિર્દેશક આર.કે.નૈયર સાથે ૧૯૬૬માં લગ્ન કર્યા બાદ ધીરે ધીરે ફિલ્મોને અલવીદા કહી હતી. પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ છે કે, ૨૦૧૪માં સાધનાએ રણબીર કપુર સાથે રેમ્પ વોક પણ કર્યું હતું. આ ફેશન-શો કેન્સરના પિડીતો માટે નાણા એકત્ર કરવા યોજાયો હતો.સાધના ખુદ કેન્સરથી પીડાતી હતી. તેથી તે કેન્સર પિડીતોનું દર્દ સમજી શકતી હતી. તેણે નાદુરસ્ત તબીયત છતાં રણબીર કપુર સાથે રેમ્પ પર વોક કર્યું હતું. આ સમાચારો ત્યારે ખુબ ચમકયા હતા. અંતે ૨૦૧૫ની ક્રિસમસના દિવસે એટલે કે, ૨૫મી ડિસેમ્બરે સાધનાએ પોતાના જીવનનું પેકઅપ કર્યું હતું.