Abtak Media Google News

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્ર્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ સંસ્થા દ્વારા સ્વામી માધવપ્રિયદાસજી, બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સંતોના માર્ગદર્શન પ્રમાણે શિક્ષણ તથા સમાજક્ષેત્રે અનેક સેવાકાર્યો થઈ રહ્યા છે.આજે છેલ્લા સાડા ત્રણ વર્ષથી એસજીવીપી હોસ્પિટલમાં એલોપેથી, આયુર્વેદ અને યોગના સહકારથી અનેક દર્દીઓએ સારવાર મેળવી છે અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

જ્યારથી કોરોનાની મહામારીએ દસ્તક દીધી છે ત્યારથી લગભગ 4,000થી પણ વધારે કોરોનાના દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર મેળવી છે.સાઈઠ લાખથી પણ વધારે રૂપિયાની આઠ હજાર ઉપરાંત આયુર્વેદિક કીટનું વિતરણ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવ્યું છે.

આ સેવાઓમાં નૂતન સેવાનો ઉમેરો થવા જઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજનની તંગી કારણે ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. એ વાતને ધ્યાનમાં રાખીને એસજીવીપી હોસ્પિટલ ખાતે 13,000 લીટરની ઓક્સીજન ટેન્ક મૂકવામાં આવી છે.

17 જૂનના રોજ આ ઓક્સીજન ટેન્કને દર્દીઓની સેવામાં અર્પણ કરવામાં આવી. આ સમારંભ સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી, પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીની અધ્યક્ષતામાં ઉજવાયો હતો. વિશેષ આ કાર્યક્રમમાંગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા અને ટેન્કનું લોકાર્પણ કર્યું હતું.

સ્વામીજીએ આ પ્રસંગે કોરોના મહામારી દરમિયાન સંસ્થા દ્વારા થયેલા સેવાકાર્યોની માહિતી આપી હતી તથા જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના તમામ કર્મચારીઓએ જે પ્રકારે દર્દીઓની સારવાર કરી છે તે પ્રસંશનીય છે. ઉપરાંત અમેરિકાથી ખાસ ઓનલાઈન ઉપસ્થિત ડો. વિજયભાઈ ઘડુકે પણ સંસ્થાની મહિતી આપી હતી. આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સમારોહમાં ઉપસ્થિત મુખ્ય દાતા કે. વરસાણી, ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, હાઈકોર્ટના જજ ઢોલરિયા, અમદાવાદ શહેર સ્ટેન્ડીગ કમિટિના ચેરમેન હિતેશભાઈ બારોટ, એસજીવીપીના ડાયરેક્ટર જયદેવભાઈ સોનગરા, હાસ્યકલાકાર જગદીશભાઈ ત્રિવેદી વગેરે મહાનુભાવોનું સન્માન કરી આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.