Abtak Media Google News

કપાસ સહિતના વિવિધ પાકના ટેકાના ભાવ વધારા સામે વિશ્વ વેપાર સંગઠનમાં ઓસ્ટ્રેલિયાએ ‘ઘા’ ઝિંકી ભારત પાસે વિગતો માંગી

કોરોનાકાળમાં પણ ખેડૂતોને ફટકો ન પડે અને તેમની આવક બેગણી કરવાનો લક્ષ્યાંક આગળ ધપતો રહે તે હેતુથી ગત પખવાડિયામાં મોદી સરકારે મોટો રાહતદાયી નિર્ણય લઈ ટેકાના ભાવમાં વધારો કર્યો હતો. પરંતુ મોદી સરકારના આ નિર્ણયની આંતરરાષ્ટ્રીય સ્તરે અસર ઉપજતા ઓસ્ટ્રેલિયાને વાંકુ પડયું છે. ભારતના એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ( એઆઈએફ ) અને કપાસની સબસિડી અંગે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(ડબ્લ્યુટીઓ)માં ઘા કર્યો છે. અને ભારતમાં કપાસ સહિતના વિવિધ પાકો પરના મહત્તમ ટેકાના ભાવ અને ફૂડ પ્રોડક્ટ પર અપાતી સબસીડીની વિગતો માંગી છે.

ગત 17 અને 18 જુનના રોજ મળેલી વિશ્વ વેપાર સંગઠનની બેઠકમાં ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટતા માંગતા કહ્યું છે કે ભારત કુલ ફૂડ પ્રોડક્શનના  દસ ટકાની મર્યાદાથી વધુ ભાવ વસૂલી શકે નહીં. ઓસ્ટ્રેલિયાએ ભારત પાસે દેશમાં કપાસના ઉત્પાદનનું એકંદર મૂલ્ય પ્રદાન કરવા અને પુષ્ટિ કરવાની માંગ કરી છે કે કેન્દ્ર સરકાર સીલિંગ કરતા વધારે ચૂકવી રહી નથી. જણાવી દઈએ કે ભારત સહિતના અન્ય વિકાસશીલ દેશો માટે સબસિડી સીલિંગ્સ અન્ન ઉત્પાદનના મૂલ્યના 10% નક્કી કરવામાં આવી છે. કોઈ પણ દેશ આ 10ટકાની મર્યાદાને વટાવી વધુ પ્રમાણમાં ટેકાના ભાવ કે સબસીડી આપી શકે નહીં. કારણ કે આનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં માલ સસ્તો વેંચતા અન્ય દેશોને ફટકો પડે છે.

ઉલ્લેખનીય છે કે ડબલ્યુટીઓમાં આ મુદ્દો એવા સમયે ફરી ઉછલ્યો છે જ્યારે ભારતે સતત બે વર્ષ ચોખા માટેની સબસિડી વધારવાની માંગ શરૂ કરી છે. સંબંધિત અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, નિકાસ ક્લસ્ટરોમાં કયા ફળો, શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓ શામેલ છે તે અંગે પણ ઓસ્ટ્રેલિયાએ વિગતો માંગી છે. વોશવ વ્યાપાર સંગઠનની આ બેઠકમાં ઓસ્ટ્રેલિયા ઉપરાંત  કેનેડા, યુરોપિયન સંઘ, રશિયા, યુક્રેન અને યુએસએ ભારતને કઠોળની આયાત, જાહેર સ્ટોકલિંગ, સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ સબસિડી અને ડુંગળી પરની નિકાસ પ્રતિબંધ અંગે સવાલો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.