Abtak Media Google News

2027 સુધીમાં ભારતનું અર્થતંત્ર ઓસ્ટ્રેલિયાના 1.8 ટ્રિલિયન યુએસ ડોલરના કદના અર્થતંત્રને પાછળ છોડી દેશે : વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો જે 3.5 ટકા છે તે વધીને 4 ટકાએ પહોંચશે

જો ભારત તેનો વર્તમાન વિકાસ દર જાળવી રાખે છે, તો તે 2027માં જાપાન અને જર્મની જેવા દેશોને પાછળ છોડી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. તેવી એસબીઆઈ રિસર્ચે તેના ’ઇકોવ્રેપ’ રિપોર્ટમાં જણાવ્યું હતું.

અગાઉ એસબીઆઈ રિસર્ચએ આશા વ્યક્ત કરી હતી કે ભારતીય અર્થવ્યવસ્થા 2029 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. જો કે હવે એસબીઆઈએ નવો રિપોર્ટ જાહેર કર્યો છે. રસપ્રદ વાત એ છે કે, રિપોર્ટ અનુસાર, 2022-2027 વચ્ચે ભારતનો વિકાસ ઓસ્ટ્રેલિયાના 1.8 ટ્રિલિયન યુએસ ડોલરના અર્થતંત્રના વર્તમાન કદને વટાવી જવાની ધારણા છે.  આ દરે, ભારત દર બે વર્ષે તેની અર્થવ્યવસ્થામાં 0.75 બિલિયન ડોલર ઉમેરી શકે છે, જેનો અર્થ છે કે ભારત 2047 સુધીમાં 20 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે તૈયાર છે, એમ અહેવાલમાં જણાવાયું છે.  2027 સુધીમાં વૈશ્વિક જીડીપીમાં ભારતનું યોગદાન ચાર ટકાથી વધી જશે.વૈશ્વિક સ્તરે જીડીપીમાં ભારતનો હિસ્સો હાલમાં 3.5 ટકા છે, જે 2014માં 2.6 ટકા હતો અને 2027માં તે ચાર ટકા સુધી પહોંચવાની ધારણા છે.

2027 સુધીમાં અનેક રાજ્યોના અર્થતંત્રનું કદ યુરોપિયન દેશોથી પણ વધી જશે!

એસબીઆઈ રિસર્ચએ જણાવ્યું હતું કે અંદાજો દર્શાવે છે કે જ્યાં સુધી ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ત્રીજું સ્થાન મેળવશે ત્યાં સુધીમાં ઓછામાં ઓછા બે ભારતીય રાજ્યો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ અર્થતંત્રની દ્રષ્ટિએ 500 બિલિયન ડોલરના આંકને પાર કરશે. રિપોર્ટ અનુસાર,”2027માં મોટા ભારતીય રાજ્યોનું જીડીપી કદ વિયેતનામ, નોર્વે જેવા કેટલાક એશિયન અને યુરોપિયન દેશોના કદ કરતાં વધી જશે”.

એસબીઆઈએ લક્ષ્યાંક 2 વર્ષ વહેલો પૂરો થવાનું અનુમાન લગાવ્યું

એસબીઆઈના અર્થશાસ્ત્રીએ ઈકોરેપ રિપોર્ટમાં દાવો કર્યો છે કે 2014થી અર્થતંત્રમાં ઝડપી વૃદ્ધિને કારણે ભારત સાત સ્થાન ઉપર આવી ગયું છે.  આ સાથે, અર્થવ્યવસ્થા જે ઝડપે આગળ વધી રહી છે, તે 2029ના અમારા અગાઉના અનુમાન કરતાં બે વર્ષ વહેલા આ લક્ષ્યને હાંસલ કરવાની સંભાવના છે.  અર્થશાસ્ત્રીઓએ એમ પણ કહ્યું કે 2027 સુધીમાં ભારત જાપાન અને જર્મની જેવા દેશોને પાછળ છોડી શકે છે.

2047 સુધીમાં 20 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા!

વર્તમાન આંકડાઓના આધારે અર્થતંત્રની આ ગતિને જોતાં, ભારત દર બે વર્ષે અર્થતંત્રમાં 0.75 ટ્રિલિયન ડોલર ઉમેરે તેવી શક્યતા છે, જેનો અર્થ છે કે ભારત 2047 સુધીમાં 20 ટ્રિલિયન ડોલરને સ્પર્શવા માટે તૈયાર છે.  જીડીપીમાં ભારતનો વૈશ્વિક હિસ્સો 2027 સુધીમાં 4 ટકાને પાર કરી જશે.  સ્ટેટ બેંકના અર્થશાસ્ત્રીઓ માને છે કે વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો હવે 3.5 ટકા છે, જે 2014માં 2.6 ટકા હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.