Abtak Media Google News

પાછલા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રભરમાં સચરાચર વાવણીલાયક વરસાદ પડવાને લીધે ખેડૂતના જીવમાં જીવ આવ્યો છે. આજે ભીમ અગીયારસના પાવન અવસરે મોટાભાગના ખેડૂતોએ આજથી વાવણીના શ્રી ગણેશ કર્યા છે.

સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી જામેલા વરસાદી વાતાવરણને કારણે ખેડૂતો ખુશખુશાલ

છેલ્લા ર4 કલાકમાં રાજ્યના ર1ર તાલુકાઓમાં મેઘમહેર: સૌરાષ્ટ્રભરમાં વાવણીલાયક વરસાદ

જો કે સૌરાષ્ટ્રમાં તાઉતેની અસરને પગલે પણ અગાઉ વરસાદનો રાઉન્ડ આવ્યો હતો. ઘણા ખરા ખેડૂતોએ ત્યારે પણ વાવણી કરી હતી. જ્યા વાવણી થઈ ન હતી ત્યાં હવે ખેડૂતો વાવેતરમાં પરોવાઇ ગયા છે. સૌરાષ્ટ્રભરમાં ગત રવિવારથી ફરી મેઘસવારી આવી હતી. રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી એમ તમામ પંથકમાં એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડયો છે. વરસાદના વાંકે પાકો બળી જવાની તૈયારીમાં હતા ત્યારે કુદરતે પાક બચાવી લીધાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે. હજુ બે દિવસ સુધી વરસાદની આગાહી મોસમ વિભાગે કરી છે એટલે ખેડૂતોને રાહત છે. હજુ ઘણા વિસ્તારોમાં વાવણી બાકી છે ત્યાં હવે ભીમ અગિયારસના શુભમુહૂર્તએ ખેડૂતોએ શ્રીગણેશ કર્યા છે.

ગુજરાત સરકારે જાહેર કરેલા વાવેતરના આંકડાઓમાં અત્યાર સુધીમાં 53.13 લાખ હેક્ટરમાં વાવેતર થયાનું બહાર આવ્યું છે. અગાઉના વર્ષે આ સમયે 51.41 લાખ હેક્ટરમાં વાવેતર હતું. જૂનના અંત સુધી વાવેતરની સરેરાશ ગયા વર્ષ કરતાં ઘણી આગળ ચાલી રહી હતી, પરંતુ વરસાદની ખેંચથી વાવણીને જબરો ધક્કો વાગ્યો છે. છતાં હવે ફરીથી વાવણી શરૂ થતાં ઝડપથી વાવેતર વિસ્તારનો આંકડો વધે તેમ છે.

સરકારી આંકડાઓ પ્રમાણે કચ્છ વિસ્તારમાં અત્યાર સુધીમાં 1.32 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. ત્યાં વરસાદની ખાધ હજુ પણ મોટી છે એટલે વાવણી વધવાની શક્યતા ઓછી છે. તત્કાળ વરસાદ ન થાય તો સમસ્યા વધશે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં 29.82 લાખ હેક્ટરમાં વાવણી છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ અને મગફળી તરફ ખેડૂતો ઢળ્યા છે. મગફળીનો વાવેતર વિસ્તાર ગયા વર્ષની લગોલગ પહોંચી જવાની ધારણા છે. કપાસના વાવેતર પણ સારાં રહેશે. અલબત્ત કઠોળનો વિસ્તાર ઘટે તેમ છે. દક્ષિણ ગુજરાતમાં 3.61 લાખ  હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યાં કપાસનો વિસ્તાર વધારે છે. ચોમાસાને હવે દોઢેક માસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે સાર્વત્રિક ધોધમાર વરસાદ પડે તેવી મંછા ખેડૂતો રાખી રહ્યા છે. વરસાદમાં ફરી વિલંબ થાય તો પાક ઉત્પાદન ઉપર સીધી અસર પડવાની છે.

છેલ્લા ર4 કલાકમાં રાજ્યના ર1ર તાલુકાઓમાં વર્ષા રાણીએ રૂમઝુમ રૂમઝુમ વરસી રહ્યા છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોના ચહેરા પર અનેરુ સ્મિત આવતા હવે વાવણીનો પ્રારંભ થઇ ગયો છે. આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહે તેવા પણ એંધાણ છે ત્યારે આજે ભીમ અગીયારસે જ ખેડૂતોએ લાપસીના આંધણ મુકી વાવણીની શરૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.