Abtak Media Google News

ઓફ શોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સિસ્ટમ સક્રિય થવાના કારણે મેઘાવી માહોલ સર્જાશે

રાજ્યમાં છેલ્લા એક મહિનાથી મેઘવિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જુલાઇ માસમાં અનરાધાર હેત વરસાવ્યા બાદ મેઘરાજાએ જાણે ગુજરાત પરથી મોઢું જ ફેરવી લીધું હોય તેમ ઓગસ્ટના 24 દિવસ કોરા ધ્રાકોડ રહ્યા છે. હવે મોલાતને મેઘકૃપાની તાતી આવશ્યકતા છે.

બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાયુ છે. આ ઉપરાંત ઓફશોર ટ્રફ પણ સક્રિય થયો છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજથી એક સપ્તાહ રાજ્યમાં મેઘાવી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જો કે, નવી સિસ્ટમ મજબૂત ન હોવાના કારણે ભારે કે અતિભારે વરસાદની સંભાવના ખૂબ જ નહિવત છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 81.54 ટકા વરસાદ પડ્યો છે.

કચ્છ રિજીયનમાં 136.19 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.70 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.86 ટકા, સૌરાષ્ટ્રમાં 110.08 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 73.15 ટકા વરસાદ વરસી ગયો છે. લાંબા મોન્સુન બ્રેકના કારણે હવે મોલાત મુરજાવા લાગી છે. જો હવે નજીકના દિવસોમાં વરસાદ નહી પડે તો જગતાતની ચિંતા વધી જશે. આજથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ જોવા મળશે. એકાદ સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે. ઓગસ્ટની શરૂઆત સાથે જ સમગ્ર રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેમ કોઇ જગ્યાએ સારો વરસાદ વરસી રહ્યો નથી. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી  વળ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, હાલ સારો વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ સક્રિય નથી. છતા રાજ્યમાં સાતેક દિવસ દરમિયાન ઝાપટાની વકી છે. બીજી તરફ વરસાદ ન થતા તાપમાનનો પારો વધી રહ્યો છે,

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલાં એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી. તેના કારણે વરસાદ થવાની આશા બંધા હતી. જોકે, તે સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ રવાના થઈ ગઈ છે, જેની રાજ્ય પર સામાન્ય અસર જોવા મળી હતી. જેથી રાજ્યમાં આગામી 5-7 દિવસમાં ગુજરાતમાં વધુ વરસાદની કોઈ  શક્યતાઓ નથી. મોટાભાગે જે વરસાદ રહેશે તે છૂટોછવાયો, હળવો વરસાદ હશે. એકાદ જગ્યા પર સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.

એકાદ દિવસ બાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ ઘટવાની વકી છે. આમ છતાં પછી દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરા  અને નગર હવેલીમાં જ વરસાદ રહી શકે છે. હાલ દક્ષિણ ગુજરાત પર સિસ્ટમની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદ થવાની શક્યતાઓ ઓછી છે, છતાં ઝાપટા પડી શકે છે. બીજીતરફ હાલ રાજ્યમાં ભારે વરસાદની કે માછીમારો માટેની કોઈ વોર્નિંગ કે એલર્ટ આપવામાં આવ્યા નથી. નોંધનીય છે કે, આ મહિને વરસાદની ઘટ છતાં ગુજરાતમાં સિઝનનો 24 ટકા વધુ વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. આગામી દિવસોમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય થાય તો જ ખેડૂતોનો વરસાદનો આશાવાદ ફળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.