Abtak Media Google News

લોકતંત્રમાં હંમેશા જ્ઞાતિ કરતાં યોગ્યતાને વધુ મહત્વ આપવાની જોગવાઇને આદર્શ લોકતાંત્રિક અભિગમ ગણવામાં આવે છે. સામા પક્ષે લોકો પણ જ્ઞાતિજનના બદલે યોગ્ય નેતાને પોતાનો મત આપવામાં જ ધર્મ સમજે છે. મોટા ગજ્જાના નેતાઓનું સર્જન હંમેશા જ્ઞાતિ-જાતિના રાજકારણથી પર રહીને જ થાય છે. અટલ બિહારી વાજપેયી હોય કે પંડીત જવાહરલાલ નહેરુના પુત્રી ઇન્દિરા ગાંધી જે ખૂબ ઓછા જનસંખ્યા એવા પારસી સમુદાયના હતાં. સોનિયા ગાંધી ઇટાલી મૂળના અને રાજદ્વારી ઇતિહાસમાં હંમેશા યાદ રહે તેવા અમદાવાદના પીજી માલવલકર મહારાષ્ટ્રીયન હતાં. રાજકોટના અને દેશના સર્વોચ્ચ સાંસદ તરીકે લોકપ્રિય મનોહરસિંહ જાડેજા ક્યારેય ક્ષત્રિયો મતોથી ચુંટાયા નથી.

ગુજરાતના સફળ અને દેશના અતિ સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના રાજ્યમાં ખૂબ જ જુજ વસ્તી ધરાવતાં ઘાંચી સમાજના હોવા છતાં આજે વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં ભારતમાં જ નહીં સમગ્ર વિશ્ર્વમાં હૃદય સમ્રાટ બની ગયા છે. દરેક મોટા નેતાઓ ક્યારેય જ્ઞાતિના રાજકારણમાં બંધાયા નથી તે જ આગળ વધે છે. પોતાના જ્ઞાતિના મતો ઓછા હોય પણ જેના હૃદયમાં રાષ્ટ્રીય ભાવના હોય તેવા નેતાઓને જ લોકતંત્રમાં સફળતા મળે છે. જ્ઞાતિ આધારિત રાજકારણથી કોઇ મોટુ બનતું નથી, હા પોતાની જ્ઞાતિનો આગેવાન મોટો થયો હોય તો તેને ગળે વળગાળનાર જ્ઞાતિ, સમાજ અને રાજકારણમાં મોટા બની ગયાં પછી કોઇ નેતા જ્યારે જ્ઞાતિને ગળે વળગાળવાનો પ્રયાસ કરે છે ત્યારે બંનેને ગળે ટૂપો જ આવી જાય છે.

જ્ઞાતિના બળે આગળ વધનારા નેતા ક્યારેય જ્ઞાતિનું ભલું કરતાં જ નથી માત્ર જ્ઞાતિ આધારીત મતોનું સીડી બનાવી સફળતા પ્રાપ્ત કરવા માટે જ્ઞાતિના મતોનું ઉપયોગ કરતા હોવાનું વારંવાર પૂરવાર થાય છે. માયાવતી હોય કે અખિલેશ યાદવ સફળતાના શિખરો સર કર્યા પછી પાયાના જ્ઞાતિજનોને યાદ રાખવાનું કોઇને યાદ રહેતું નથી અને સ્વહિતમાં કોઇપણ પ્રકારની રાજકીય સૌદાબાજીમાં જ્ઞાતિનું હિત ભૂલી જવામાં રાજકીય મુતસદીગીરી ગણાય છે.

વાસ્તવમાં મતએ કોઇની જાગીર નથી સારા કામ કરનારાઓને જ્ઞાતિના મતોની જરૂર રહેતી નથી અને જ્ઞાતિના મતોથી કોઇ સારા નેતાનું સર્જન થતું નથી. રાજકારણમાં ઉપલાસ્તરમાં ક્યારેય જ્ઞાતિના સમીકરણો ચાલતાં નથી તો સ્થાનિક રાજકારણમાં શા માટે ચલાવવા જોઇએ. જવાહરલાલ નહેરુથી લઇ પીજી માલવલકર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, ઇન્દિરા ગાંધી જ્ઞાતિથી પર રહીને આગળ વધેલાં રાજકીય નેતાઓની તવારી ઘણી લાંબી છે. સ્થાનિક કક્ષાએ પણ હવે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચુંટણીમાં મતદારોએ જ્ઞાતિના સમીકરણોથી સર્જાતી અવઢવની પરિસ્થિતિમાંથી બહાર નીકળવું જોશે જ્યારે તમામ મતદારો રાજકારણમાંથી જ્ઞાતિ ફેક્ટરને બિનજરૂરી સમજી જાકારો આપી દેશે ત્યારે જ ભારતનું લોકતંત્ર આદર્શ બની રહેશે. હવે ભારતના લોકતંત્રને સુદ્રઢ બનાવવા માટે જ્ઞાતિ આધારિત રાજકારણ પર પૂર્ણ વિરામ મુકી દેવાની જરુર છે. કારણ કે જ્ઞાતિનું રાજકારણ પોતાની જ્ઞાતિનું જ ક્યારેય હિત કરતું નથી. તે તમામ સમજી લેવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.