Abtak Media Google News

તાજેતરમાં ફુંકાયેલા ફૂંકાયેલા તોફાની પવન અને ખાબકેલા ભારે વરસાદથી વીજતંત્રને ગંભીર અસર અને ભારે નુકશાની પહોંચી છે. શહેરના 70 ફિડરોને અસર, 25 ટ્રાન્સમિટર ખોટકાઇ બળી ગયા હતા ઉપરાંત 450 સ્થળોએ વીજ પોલ અને વાયર તૂટી ગયા સહિતની ખાના ખરાબી સર્જાઇ હોવા છતાં વીજ તંત્ર દ્વારા અંધારી રાતે વરસતા વરસાદમાં કાબિલેદાદ કામગીરી હાથ ધરી 24 કલાકમાં યુધ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો.

મિનિ વાવાઝોડાએ વિનાશ વેરતા અંદાજે 20 લાખનું નુકસાન થયું હોવાનું પીજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગત શનિવારે જામનગરમાં મેઘરાજા અને મિનિ વાવાઝોડાએ વિનાશ વેરતા ઠેર-ઠેર મુસીબતના ઘોડાપુર ઉમટયા હતાં. ભારે પવનના પગલે અનેક વીજપોલ અને વાયરોનો કડૂસલો બોલી ગયો હોવાથી જામનગરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી વેરણ થઇ હતી. અને લોકોને અંધારપટ સહન કરવાનો વારો આવ્યો હતો.

આ અંગે સાથેની વાતચીતમાં પીજીવીસીએલના અધીક્ષક ઇજનેર સી.કે. પટેલે જણાવ્યુ હતું કે, ભારે વરસાદ, પવનથી શહેરના 70 ફીડરને પ્રતિકુળ અસરને પગલે વીજ વિક્ષેપ થતાં પીજીવીસીએલના અધીક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર, ડે. ઇજનેર અને આસીસ્ટન્ટ ઇજનેર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તમામ વિસ્તારોમાં ખાનાખરાબીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં કયાં ફીડરમાં કેટલુ ડેમેજ અને કયાં સ્થળે ફીડર પર વૃક્ષો પડયા તેની નોંધ કરાઇ હતી.

ઉપરાંત કયાં સ્થળે કેટલા માલની જરૂરિયાત રહેલી છે તે અંગેના લીસ્ટ બનાવી યુધ્ધના તોરણે સ્ટોરમાંથી માલ મંગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વરસતો વરસાદ અને રાત્રીના અંધારા સહિતની પ્રતિકુળ પરિસ્થિતિ હોવા છતાં અધિકારી, કોન્ટ્રાકટરના માણસો અને વીજ તંત્રના સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને મેદાનમાં ઉતારી ઘડી ભરના વિલંબ વગર કામગીરી હાથ ધરી જેમાં 70 ફીડર પૈકી 25 જેટલા ટ્રાનસમિટર બળી જવાથી ખોટવાય ગયા હતા

ઉપરાંત અન્ય કેટલાક સ્થળોએ ઘેઘુર વૃક્ષો પડયા હતા અને 450થી વધુ સ્થળોએ વીજ પોલ અને વાયર તૂટી ગયાનું માલુમ થયું હતું. જે તમામ સ્થળે કામગીરી હાથ ધરી 24 કલાકમાં રહેણાંક, કોમર્શીયલ અને ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં વીજ પુરવઠો ક્રમશ: પૂર્વવત કર્યા હતાં. ફિડરમાં નુકશાન, ટ્રાન્સમિટર બળી વીજ પોલ ભાંગી જવા સહિત અનેક ખાના ખરાબીથી અંદાજે 20 લાખથી વધુ રકમનું નુકસાન થયું હોવાનું અધીક્ષક ઇજનેર સી.કે. પટેલે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારે પવન અને વરસાદથી અનેક સ્થળે તારાજી સર્જાતા વીજ તંત્રએ તાત્કાલીક અંધારા ઉલેચતા શહેરીજનો તંત્રની કામગીરીને મુકત મને બિરદાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.