Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુદ્ધને યાદ કરીને દેશવાસીઓને પાઠવી ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂ પૂર્ણિમા અને ધમ્મ દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં દેશવાસીઓને ગુરૂપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ તેમણે ભગવાન બુદ્ધને પણ યાદ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, જ્યાં જ્ઞાન છે ત્યાં જ પૂર્ણિમા છે, ત્યાં જ પૂર્ણતા છે. જ્ઞાન સંસ્કારનું પ્રતીક છે.

વડાપ્રધાને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અને અષાઢ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, ભગવાન બુદ્ધે બુદ્ધત્વની પ્રાપ્તિ બાદ પોતાનું પહેલું જ્ઞાન સંસારને આપ્યું હતું. ત્યાગ અને તિતિક્ષાથી તપેલા બુદ્ધ જ્યારે બોલે છે ત્યારે ફક્ત શબ્દો જ નથી નીકળતા, પરંતુ ધમ્મચક્રનું પ્રવર્તન થાય છે. વડાપ્રધાને જણાવ્યું કે, તે સમયે બુદ્ધે માત્ર 5 શિષ્યોને ઉપદેશ આપ્યો હતો પરંતુ આજે સમગ્ર વિશ્વમાં તે શબ્દોના અનુયાયી છે, બુદ્ધમાં આસ્થા રાખનારા લોકો છે.

વડાપ્રધાને કહ્યું કે, સારનાથમાં ભગવાન બુદ્ધે સમગ્ર જીવન, સમગ્ર જ્ઞાનનું સૂત્ર આપણને જણાવ્યું હતું. તેમણે દુખ વિશે જણાવ્યું, દુખના કારણ વિશે જણાવ્યું, એવું આશ્વાસન આપ્યું કે, દુખો સામે જીતી શકાય છે અને તે વિજય માટેનો રસ્તો પણ બતાવ્યો. વડાપ્રધાને જણાવ્યું કે, બુદ્ધના સમ્યક વિચારને લઈ આજે વિશ્વના અનેક દેશો એકબીજાનો હાથ પકડી રહ્યા છે, એક બીજાની શક્તિ બની રહ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે, આજે કોરોના મહામારી સ્વરૂપે માનવતા સામે એવું જ સંકટ છે. ભગવાન બુદ્ધ આપણા માટે વધુ પ્રાસંગિક બની જાય છે. બુદ્ધના માર્ગે ચાલીને જ આપણે વિશાળથી અતિ વિશાળ પડકારોનો સામનો કઈ રીતે કરી શકીએ, ભારતે તે કરી બતાવ્યું છે. વડાપ્રધાને ટ્વીટ કરીને દેશવાસીઓને ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા પણ આપી હતી.

ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ગુરૂ એક શિક્ષક જ નહીં, પરંતુ પોતાના જ્ઞાન વડે શિષ્યના તમામ દોષ દૂર કરીને દરેક સંકટમાંથી બહાર કાઢનારા માર્ગદર્શક પણ હોય છે. તેનાથી તેઓ ફક્ત શિષ્યના જીવનને સુધારતા જ નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનું યોગદાન પણ આપે છે. ગુરૂ પૂર્ણિમા નિમિત્તે આવા તમામ ગુરૂજનોને વંદન કરૂ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.