Abtak Media Google News

૧૯૭૩માં ફિનલેન્ડમાં જહાજનું નિર્માણ થયું’તું: ક્રુઝમાં ૩૦૦ કૃ-મેમ્બર અને ૯૦૦ મુસાફરોની ક્ષમતા

ભાવનગરના વિશ્વવિખ્યાત શિપયાર્ડ અલંગ ખાતે ફિનલેન્ડમાં ૧૯૭૩માં નિર્માણ પામેલું અને ૯૦૦ મુસાફરો અને ૩૦૦ કૃ-મેમ્બર સાથેની ક્ષમતા ધરાવતું ‘અલ્ટ્રોસ’ ક્રુઝ બ્રેકીંગ માટે અલંગ આવ્યું છે.

શિપયાર્ડ અલંગ ખાતે પ્લોટ નં-૧૨૦માં અદ્યતન સુવિધાઓથી સજ્જ પેસેન્જર ‘અલ્ટ્રોસ’ ક્રૂઝ પોતાની અંતિમ મંજિલે આવી પહોંચ્યું છે. દુનિયાના દરિયામાં તરતી જન્નત સમાન આ ક્રૂઝ સફરો ખેડ્યા બાદ અવધિ પૂર્ણ થતાં ક્રૂઝ માલિકે અલંગ ભાંગવા માટે વેચ્યું છે. ઘણા સમય બાદ અલંગમાં પેસેન્જર શિપ બ્રેકિંગ માટે આવતાં આ ક્રૂઝ લોકાર્ષણનું કેન્દ્ર બન્યું છે. અલંગમાં શિપબ્રેકિંગ સાથે જોડાયેલા વ્યવસાયકારોમાં પણ આ ક્રૂઝે ખાસ્સી ઉત્સુકતા જગાવી છે.

Alang 3

‘અલ્ટ્રોસ’ ક્રૂઝ ૧૯૭૩માં ફિનલેન્ડ ખાતે બનાવવામાં આવ્યું હતું. ૧૭૭ મીટર લાંબું અને ૨૫ મીટર પહોળા આ ક્રૂઝમાં ૯૦૦ મુસાફરોની ક્ષમતા છે તથા ૩૦૦ ક્રૂ-મેમ્બરો સામેલ થઇ શકે છે. એમાં ૪૨૦ સ્ટેટ કક્ષાની કેબિનો આવેલી છે. એનું અગાઉ નામ અલ્બાટ્રોસ હતું. વર્ષ-૨૦૨૦માં એને મિડલ ઇસ્ટમાં તરતી હોટલના પ્રોજેક્ટ માટે ખરીદવામાં આવ્યું હતું, જોકે બાદમાં એને સ્ક્રેપમાં વેચી દેવાનો નિર્ણય લેવાયો હતો.

આ જહાજમાં કુલ ૧૦ માળ આવેલા છે. દરેક માળ પર મુસાફરો માટે અલગ અલગ સુવિધાઓ આવેલી છે. લક્ઝુરિયસ રેસ્ટરોરાં, સિનેમા, સ્વિમિંગ પૂલ, ૨ ડાઇનિંગ રૂમ, ૬ લાઉન્જ બાર, સ્પા, સલૂન, કેસિનો, બૂટિક, જિમ સહિતની અનેક સવલતો આવેલી છે.

Alang 2

અલંગમાં છેલ્લા ૯ મહિનામાં કર્ણિકા, ગ્રાન્ડ સેલિબ્રેશન, માર્કોપોલો, કોલંબસ, મેગેલાન, સાલમી, મેટ્રોપોલિસ, લીઝર, વર્લ્ડ જેવાં જહાજ આવી પહોંચ્યાં છે. છેલ્લાં બે વર્ષમાં કોરોના મહામારીને કારણે અલંગ ખાતે શિપ ભંગાવવામાં ઘટોડો નોંધાયો હતો, છેલ્લા ૯ માસમાં ૯મું ક્રૂઝ અલંગની અંતિમ સફરે આવી પહોંચ્યું છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૧૨૦માં અલ્ટ્રોસ નામનું ૧૦ માળનું લકઝુરિયસ ક્રૂઝ જહાજ ભંગાવવા માટે બીચ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.