Abtak Media Google News

ઉત્તરમાં દુકાનો, પૂર્વમાં હોસ્પિટલ અને દક્ષિણ પશ્ચિમમાં રહેણાંક વિસ્તાર ધરાવતી જમીન માટે હરાજી પ્રક્રિયા કરાશે

રેલવે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ)એ સૌરાષ્ટ્રના ભાવનગર ખાતેની મેડિકલ કોલોનીમાં રહેણાંક કમ વ્યાપારી વિકાસ માટે ખાલી જમીન ટોકન દરે ભાડા પર આપવા માટે ઓનલાઇન બિડ્સ મંગાવ્યા છે.આ સ્થળનું ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ ૧.૮ છે અને ૪૯૬૯ ચો.મી. જમીનની હરાજી માટે અનામત કિંમત રૂ. ૯.૯ કરોડ જેટલી છે.

જમીનની જો વાત કરવામાં આવે તો જમીન ૩૦ મીટર પહોળા ભાવનગર-રાજકોટ હાઇવે પર સ્થિત છે જે ભાવનગરની તદ્દન નજીકનો વિસ્તાર છે. જમીનના ઉત્તર ભાગ પર રાજકોટ તરફ જતા માર્ગ પર દુકાનો આવેલી છે, પૂર્વ ભાગમાં રેલવે હોસ્પિટલ અને દક્ષિણ-પશ્ચિમમાં રહેણાંક વિસ્તાર આવેલો છે.  નોંધનીય છે કે, દક્ષિણ-પશ્ચિમ તરફ હાલ અનેક રહેણાંક મિલકતો આવેલી છે.

ભાવનગર એક ઐતિહાસિક શહેર છે જે તેના ઉત્કૃષ્ટ સ્થાપત્ય અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે જાણીતું છે.  ભાવનગર શહેર તાજેતરના ભૂતકાળમાં ઝડપી શહેરીકરણનું સાક્ષી રહ્યું છે અને એક અગ્રણી શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. રિયલ એસ્ટેટ વૃદ્ધિ, પર્યટનની સંભાવનાઓને વધારવા અને સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે રેલવે દ્વારા આ જગ્યાઓ ભાડેથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આરએલડીના વાઇસ ચેરમેન વેદપ્રકાશ દુડેજાએ કહ્યું છે લે, સરકાર આરોગ્ય ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સ્થળનો ઉપયોગ પણ આરોગ્ય ક્ષેત્ર દ્વારા કરવામાં આવે તેવુ સરકાર અને આરએલડી વિભાગ ઈચ્છે છે.

જે પણ વ્યક્તિ કે સંસ્થાને આ જગ્યા ભાડે આપવામાં આવશે તેને જમીનનું ડેવલોપમેન્ટ કરવાનું રહેશે તેમજ ડેવલોપમેન્ટ માટે જરૂરી મંજૂરીઓ પણ જે તે વ્યક્તિ-સંસ્થાએ લેવાની રહેશે.

ભાવનગર રાજ્યના પાટનગર ગાંધીનગરથી ૧૯૮ કિમી દૂર આવેલું છે. આ શહેર ઐતિહાસિક બંદર પણ ધરાવે છે અને ૧૮મી સદીમાં તે એક અગત્યનું વેપાર કેન્દ્ર હતું.  તેની સ્થાપના સિહોરના શાસકો ભાવસિંહજી ગોહિલે સૌરાષ્ટ્રના રાજ્યો પર સતત મરાઠા હુમલાઓના સમયે ૧૭૨૩ એ.ડી.માં કરાઈ હતી.

રેલ્વે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી(આરએલડી)ને રેલ્વે જમીન અને સંપત્તિના વિકાસ માટે રેલવે મંત્રાલય હેઠળ એક વૈધાનિક સત્તા છે. આરએલડી પાસે કુલ ચાર પ્રકારની સતાઓ છે જેમાં વ્યાપારી સાઇટ્સ, કોલોની પુનર્વિકાસ, સ્ટેશન પુનર્વિકાસ અને મલ્ટિ-ફંક્શનલ સંકુલના નિર્માણ માટે આરએલડી યોગ્ય નિર્ણય લઈ શકે છે.

ભારતીય રેલ્વે પાસે ભારતભરમાં આશરે ૪૩૦૦૦ હેક્ટર જગ્યા ખાલી રહેલી છે. હાલ દેશભરમાં ૮૪ રેલ્વે કોલોની પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ આરએલડીના હાથ પર છે અને તાજેતરમાં જ પુનર્વિકાસના ઉદેદ્ય સાથે ગુવાહાટીમાં રેલ્વે કોલોની ભાડે આપવામાં આવી છે. આરએલડી પાસે લીઝ આપવા માટે  ભારતભરમાં ૮૪થી વધુ વ્યાવસાયિક (ગ્રીનફિલ્ડ) સાઇટ્સ છે અને દરેક માટે વિકાસકર્તાઓની પસંદગી પારદર્શક હરાજી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.