Abtak Media Google News

ગત નાણાંકીય વર્ષની સરખામણીમાં નિકાસમાં બમણો ઉછાળો નોંધાયો!!

કોરોનાની બીજી લહેરને રોકવા માટે રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા સ્થાનિક લોકડાઉન વચ્ચે છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતીય ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર નિકાસમાં બમ્પર વધારો થયો છે.

એકંદરે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઉત્પાદનમાં નિકાસનું પ્રમાણ એપ્રિલ-જૂન ૨૦૨૧ની વચ્ચે અનુક્રમે ૩૩% અને ૮૫% પર રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, તેવું સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સના ડેટા દર્શાવે છે.  ગત ત્રિમાસિક ગાળામાં દ્વિચક્રી વાહનોની નિકાસ ત્રણ ગણી વધીને ૧.૪ મિલિયન યુનિટ થઈ છે, જ્યારે આ સમયગાળામાં થ્રી-વ્હીલરની નિકાસ બમણીથી વધીને ૧,૩૭,૫૮૨ યુનિટ થઈ છે.  ગત નાણાકીય વર્ષમાં નિકાસમાં અનુક્રમે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં ૧૮% અને ૬૪% ઉત્પાદન થયું હતું.

ઉદ્યોગ સાહસિકોએ જણાવ્યું હતું કે, કન્ટેનરની વૈશ્વિક અછત ભારતમાંથી નિકાસ કરતી ઓટો ઉત્પાદકો માટે એક પડકારજનક બાબત છે, તેમ છતાં નિકાસમાં ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં નજીકના ભવિષ્યમાં બહોળો વધારો થવાની શકયતા છે. વાર્ષિક ૩.૨ થી ૩.૫ મિલિયનની સરેરાશ ટુ-વ્હીલરની નિકાસ સામે વર્તમાન ગતિએ જો તે બજારોમાં મોટા વિક્ષેપો ન આવે તો વિદેશી શિપમેન્ટ ૪.૫ મિલિયનના રેકોર્ડ સુધી પહોંચી શકે છે.

તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારોએ ઓટો ઉત્પાદકોને નિકાસ ઓર્ડર લેવાની મંજૂરી આપી હોવાથી બજાજ ઓટો અને ટીવીએસ મોટર કંપનીએ જૂન સુધીના ત્રણ મહિનામાં નિકાસમાં મોટો ફાયદો નોંધાવ્યો છે.

દેશની બહાર દ્વિચક્રી વાહનોની નિકાસમાં પ્રભુત્વ ધરાવતી બજાજ ઓટોનું ગત ત્રિમાસિક ગાળામાં નિકાસનું પ્રમાણ બમણાથી વધીને ૫,૫૬,૭૫૩ યુનિટ થયું હતું, જે અગાઉના સમયગાળામાં ૨,૧૩,૯૪૮ યુનિટ હતું.  ગત ત્રિમાસિક ગાળામાં કંપનીએ દ્વિચક્રી વાહનોની નિકાસમાં અડધો હિસ્સો કર્યો હતો.  થ્રી-વ્હીલર સેગમેન્ટમાં પણ, બજાજની નિકાસ નાણાંકીય વર્ષ ૨૦૨૧ના પ્રથમ ક્વાર્ટરથી વધીને ૯૦,૪૯૯ યુનિટ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં ૩૭,૪૯૫ યુનિટ નોંધાઈ હતી.

દરમિયાન ટીવીએસ મોટર કંપનીએ છેલ્લા ત્રિમાસિક ગાળામાં દ્વિચક્રી વાહનોની નિકાસ ચાર ગણી વધીને ૨,૮૯,૮૧૮ એકમ થઈ છે, જે અગાઉના સમયગાળામાં ૬૯,૫૪૪ એકમો હતી.  સમાન ગાળામાં થ્રી-વ્હીલરની નિકાસનું પ્રમાણ ત્રણ ગણાથી વધીને ૩૮,૨૮૭ યુનિટ થયું છે.

ટીવીએસ મોટર કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટીવીએસ મોટર કંપનીના આંતરરાષ્ટ્રીય ટૂ-વ્હીલર બિઝનેસે તાજેતરમાં ૧ લાખ એકમોનો વેચાણનો સીમાચિહ્ન હાંસલ કર્યો છે અને માંગ હજુ પણ મજબૂત છે. કંપની મધ્ય પૂર્વથી મજબૂત માંગ અને દક્ષિણ એશિયા, પશ્ચિમ આફ્રિકા અને લેટિન અમેરિકાના પરંપરાગત બજારોમાં પુનપ્રાપ્તિ જોઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.