Abtak Media Google News

રસીની રસ્સખેંચે વેપારીઓ, નાના મોટા ધધાર્થીઓ માટે મોટી મુશ્કેલી ઉભી કરી છે. આર્થિક રાજધાની ગણાતા એવા મુંબઈની ગાડી ફરી પટરી પરથી ઊતરી રહી હોય તેમ લાગી રહ્યું છે. હજુ બે દિવસ પહેલાં જ મુંબઈના મોલ, મલ્ટીપ્લેક્ષ ખુલ્લા મુકાયા હતા. ત્યાં “ડબલ ડોઝ” અને 14 દિવસના “વનવાસે” એટલે કે ડોઝ લીધા બાદનું અંતર જે 14 દિવસનું નક્કી કરવામાં આવ્યું છે તે… આ જડ નિયમોએ મુંબઈના મોલને 48 કલાકની અંદરમાં જ ફરી બંધ કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર દેશમાં એક એવું રાજ્ય રહ્યું છે જ્યાં કોરોના વાયરસનો સૌથી વધુ રોગચાળો જોવા મળ્યો હતો. એટલા માટે હવે સરકાર દરેક પગલું સમજી વિચારીને લઇ રહી છે. સરકાર દ્વારા રાજ્યમાં શોપિંગ મોલ અને અન્ય વસ્તુઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે મુંબઈમાં બે દિવસ ખોલ્યા બાદ તમામ મોટા મોલ બંધ થવા લાગ્યા છે. જે ખુલ્લા છે તેમાં પણ બહુ ઓછા કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

સરકારની કડક માર્ગદર્શિકા અનુસાર BMC દ્વારા મુંબઈમાં દરેકને સૂચના આપવામાં આવી હતી કે કોઈપણ કર્મચારી કે જે મોલ અથવા સ્ટોરમાં કામ કરે છે તેને સંપૂર્ણ રસી લીધા બાદ જ કામસ્થળે લાગે. એક ડોઝ ધરાવતા લોકોને પણ મોલમાં કામ કરવાની મંજૂરી નથી. તેથી જ સ્ટાફની તીવ્ર અછતને કારણે, હવે મોલ ખોલ્યાના બે દિવસ પછી તુરંત જ બંધ થવાનું શરૂ થઈ ગયું છે. 16 ઓગસ્ટના રોજ, મહારાષ્ટ્ર સરકારે મોલ ખોલવા અને અન્ય વસ્તુઓ અંગે માર્ગદર્શિકા જારી કરી હતી. જેમાં કડક નિયમોનું પાલન કરવાની સૂચનાઓ અપાઈ છે. આ માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, મેનેજરથી લઈને તમામ સ્ટાફ અને હાઉસકીપિંગ સ્ટાફ સુધી, રસીના બંને ડોઝ લીધા પછી  14 દિવસ થઈ ગયા હોવા જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.