Abtak Media Google News

સ્કૂલના વર્ગોની સાફસફાઈ માટે પણ સૂચના આપવામાં આવી: ઓનલાઈન વર્ગો પણ ચાલુ જ રહેશે

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો થતાં જ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ 9થી12 અને કોલેજોમાં શરૂ થયેલા શૈક્ષણિક કાર્ય બાદ હવે આવતા અઠવાડિયાથી ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવામાં આવી શકે છે, એટલે હવે રક્ષાબંધનના તહેવાર બાદ ધો.6 થી 8ની સ્કૂલો શરૂ કરવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે. જો કે નાના ભૂલકાંના ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાની શિક્ષણ વિભાગને કોઈ ઉતાવળ નહીં હોવાનું જાણવા મળ્યું છે, એ જોતાં ધોરણ 1થી 5ની શાળા દિવાળી પછી શરૂ થઈ શકે છે.

શિક્ષણમંત્રીએ આપેલા સંકેત મુજબ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. સ્કૂલના વર્ગોની સાફસફાઈ માટે પણ સૂચના આપવામાં આવી છે. જો કે આ જ મહિનામાં ધો. 6 થી 8ની સ્કૂલો ખોલવાની માટે બે વાર હાઈકમિટીની બેઠક મળી હતી. જો કે સ્કૂલો ખોલવાની અટવળો વચ્ચે પણ કોઈ સતાવાર રીતે નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

બીજીબાજુ શાળા સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ ઇરછા વ્યકત કરી રહ્યા છે કે, હવે ધો.6થી 8ના વર્ગો શરૂ થાય. અને સરકાર દ્વારા પણ સપષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે રક્ષાબંધનના તહેવાર બાદ સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે.

હાલ જે શૈક્ષણિક કાર્ય શરૂ થશે એમાં 50 ટકા કેપિસિટી સાથે ઓડ-ઈવન પદ્ધતિ પ્રમાણે વર્ગો શરૂ કરવાની સરકારની તૈયારી છે. આ ઉપરાંત સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી મરજિયાત રાખવામાં આવશે. વાલીના સહમતીપત્રક સાથે જ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવશે. આરોગ્ય વિભાગના અભિપ્રાય સાથે કોર કમિટીની બેઠકમાં ચર્ચા થશે. આ અંગે આગામી સમયમાં રાજ્ય સરકાર વિધિવત રીતે જાહેરાત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.