Abtak Media Google News

વરસાદને કારણે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી

કોરોના વાયરસની મહામારીનું સંક્રમણ ઘટતા જ ગુજરાત સરકારે આપેલી બહાલીના પગલે આજથી માઘ્યમિક ઉચ્ચતર માઘ્યમિક શાળાઓ અનલોક થતા ધો.9 થી 11ના વર્ગોનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે. જો કે એક બાજુ વરસાદ અને બીજી બાજુ સ્કૂલો પણ આજથી શરૂ થઈ પરંતુ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. રાજકોટની શૈક્ષણિક સંસ્થાઓમાં સેનેટાઇઝર આપી તેમજ થર્મલગનથી ટેમ્પરેચર માપી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી થતા શાળાઓમાં ધો.9 થી 11ના વર્ગો શરૂ થવા પામેલ છે. શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ પણ શરૂ રાખવામાં આવેલ છે.

ગત વર્ષે પ્રથમ લહેર નબળી પડતા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળાઓ ખોલવામા આવી હતી. જોકે શાળાઓ ખોલ્યા બાદ માત્ર અઢી મહિનામાં જ કોરોનાની બીજી શહેરનું આક્રમણ વધતા રાજ્ય સરકારને શાળાઓ પુનઃ બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે હાલમાં કોરોનાની બીજી લહેર તેના અંતિમ પડાવ ઉપર હોય તેમ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ની શાળાઓ આજથી ફરી ધમધમી છે. અને વિદ્યાર્થીઓનો ફરી એકવાર કલરવ શાળાઓમાં ગુંજયો હતો.

પ્રથમ તબક્કામાં ધોરણ 12 અને કોલેજો ખોલવામાં આવી હતી તેમાં પણ 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી સાથે તેમજ વાલીની સંમતિ નિયમ હતો આથી પ્રથમ દિવસે માત્ર પાંચ ટકા વિદ્યાર્થીઓની હાજરી શાળા તેમજ કોલેજમાં જોવા મળી હતી તેવી જ રીતે બીજા તબક્કામાં આજથી ધોરણ 9 થી 11 ની શાળાઓ શરૂ થઈ છે તેમાં પણ 15થી 20 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં બાકીના વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.