Abtak Media Google News

સિંગચ ગામની ગરીબ પરિવારની દિકરી માટે સરકારની આરબીએસકે યોજના બની આશિર્વાદરૂપ

રૂપિયા 4 લાખનું હૃદયનું ઓપરેશન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તદ્ન વિનામુલ્યે થયું

જામનગરની દોઢ વર્ષની બાળકી વિજુને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે બીજુ જીવન મળ્યું છે. સિંગચ ગામના ગરીબ પરિવારની બાળકીના હૃદયનું ઓપરેશન રાજ્ય સરકારની રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK યોજના હેઠળ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે નિશુલ્ક કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગત વર્ષે ઓક્ટોબર માસમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે બાળ હૃદયરોગની સારવાર માટે નવીનતમ સુવિધાઓનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં આરોગ્યોદયનો આ અવસર છે.

ભારતની સૌથી મોટી કાર્ડિયોલોજી હોસ્પિટલના વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આરોગ્યોદયનો ઉજાસ ગુજરાતના ખૂણે ખૂણે પથરાઇ રહ્યો છે અને તેમાંથી જામનગર પણ બાકાત નથી. જિલ્લાના લાલપુર તાલુકાના નાના એવા સિંગચ ગામે રહેતા અને સામાન્ય આવક ધરાવતા નારણભાઈ પરમાર પર આભ ફાટી પડ્યું જ્યારે તેમને ખબર પડી કે તેમની દોઢ વર્ષની વ્હાલસોયી દીકરી વિજુના હૃદયમાં કાણું છે અને હૃદયની આ બીમારી એટલી ગંભીર છે કે તે માટેની વધુ સારવાર માટે વિજુને અમદાવાદ ખસેડવી પડશે.

ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા વિજુના પિતા નારણભાઈએ જણાવ્યું હતું કે, “જન્મ પછી વિજુને પેટમાં ડાબી તરફ ખાડો પડતો હતો. જેની તપાસ કરાવવા અમે હોસ્પિટલ ગયા હતા. ત્યારે ત્યાં હાજર તબીબે જણાવ્યું કે વિજુના હૃદયમાં કાણું છે અને તાત્કાલિક આ અંગેની સારવાર કરાવવી જરૂરી છે. જેથી અમે વધુ સારવાર માટે ખંભાળિયા ત્યારબાદ જામનગર ખાતેની જી.જી. હોસ્પિટલમાં વિજુની આરોગ્ય તપાસણી કરાવી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ તપાસ કરાવતા ત્યાંથી જણાવાયું કે આ ઓપરેશન માટે ચાર લાખ રૂપિયાનો ખર્ચ થશે.

આ સાંભળતા અમારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. અમદાવાદ રહેતા અમારા એક સંબંધીએ અમને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાર્ડ કઢાવવાની સલાહ આપી. આ કાર્ડના કારણે અમારે એકપણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નહીં અને આવવા જવાના મુસાફરીના ભાડા સાથે સરકારે અમને તદ્દન વિનામૂલ્યે આ ઓપરેશનની વ્યવસ્થા કરી આપી અમારી વિજુનો જીવ બચાવ્યો” અત્રે ઉલ્લખનીય છે કે, ગુજરાત અને દેશના વર્ષે હજારો ભૂલકાઓની હૃદય સંબંધી બીમારીઓ યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દુર કરવામાં આવે છે. ઇન્સ્ટિટ્યુટના નિયામક ડો. આર. કે. પટેલ જણાવે છે કે,ગુજરાતના આરોગ્ય તંત્રની આ એક સિદ્ધિ છે કે આપણે ગુજરાત અને ગુજરાત બહારના નવજાત શિશુઓ અને નાના બાળકોની હૃદયની બિમારી દુર કરવા માટે સર્વોત્તમ સુવિધાયુક્ત હોસ્પિટલ આપી શક્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.