Abtak Media Google News

વીજ પુરવઠો જાળવવા તેમજ વાવાઝોડા બાદ ત્વરિત રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરવા સમગ્ર જિલ્લાના વિવિધ સ્થળોએ ટીમો રવાના

જામનગર તા.૧૩ જૂન, આગામી સમયમાં બિપરજોય વાવાઝોડું જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ છે. જેને પરિણામે જિલ્લામાં વીજ પુરવઠાને પણ વ્યાપક અસર થઈ શકે છે. જેથી જામનગર જિલ્લામાં વીજ પુરવઠો અવિરતપણે જળવાઈ રહે તેમજ વાવાઝોડા બાદ સમારકામ અને જરૂરી મેન્ટેનન્સની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાય તે હેતુથી આગોતરા આયોજનના ભાગરૂપે પી.જી.વી.સી.એલ. જામનગર દ્વારા 145 જેટલી ટીમો તૈયાર કરી અનેકવિધ મોરચે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ અંગે વધુ વિગતો આપતા પી.જી.વી.સી.એલ. જામનગરના અધિક્ષક ઇજનેર શ્રી એલ.કે.પરમારે જણાવ્યું હતું કે જામનગરના બેડી પોર્ટ, જોડિયા ભુંગા, માધાપર ભુંગા, રોજી પોર્ટ, વાલસુરા તથા બાલાચડી ખાતે વીજ પુરવઠો જાળવવા તેમજ મેન્ટેનન્સ માટે 37 ટિમ, સિક્કા, શાપર વિસ્તાર અને લાલપુર તાલુકા માટે ૪૦ ટીમ, જોડિયાના દરિયાકાંઠાના વિસ્તારો માટે 35 ટીમ તથા લાલપુર દરિયાકાંઠાના વિસ્તારો માટે 33 ટીમોની રચના કરવામાં આવી છે. અને આ તમામ ટીમોને નિયત સ્થળે ફરજ બજાવવા રવાના કરી દેવામાં આવી છે.

Whatsapp Image 2023 06 13 At 16.36.57F

આ ઉપરોક્ત ટીમો સમગ્ર જિલ્લાના 509 ગામોમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે. આ ટીમો જ્યાં વીજ પુરવઠાની માંગ આવશ્યક છે તેવા સ્થળો એટલે કે હોસ્પિટલ, વોટર વર્ક્સ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પ્રવાહ કાર્યરત રહે તે માટે પ્રયત્નો કરશે. તેમજ વાવાઝોડા બાદ પડી ગયેલ લાઇનો દુર કરી રોડ રસ્તા ચાલુ કરવા, નુક્સાન થયેલ થાંભલાઓ તેમજ ટ્રાન્સમીટર પૂર્વવત કરવા સહીતની રીસ્ટોરેશનની કામગીરી કરશે. વધુમાં પી.જી.વી.સી.એલ. દ્વારા ૨૪*૭ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે જેમા કચેરીના નોન-ટેકનીકલ તથા વધારાના સ્ટાફને ફરજો સોપી કામગીરી શરૂ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.