Abtak Media Google News

રાજ્યવ્યાપી કૌભાંડને ચેકીંગમાં પકડી ન શકાય તે માટે સોફ્ટવેરનું વિચિત્ર નામકરણ કરાયું હોવાનો ઘટસ્ફોટ

અબતક, રાજકોટ : સાબરકાંઠાથી ઉઘાડા પડેલા અને રાજકોટમાં પણ ફુલ્યા ફાલ્યા એવા સસ્તા અનાજ બારોબાર વેચવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં તંત્રને તપાસ દરમિયાન અનેક કડીઓ મળી છે. આ સમગ્ર કૌભાંડ જેની મદદથી પાર પાડવામાં આવતું હતું તે સોફ્ટવેરનું નામ ઢીંગલી હોવાનું જાણવા મળ્યું છે.

સાબરકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલા સસ્તા અનાજના કૌભાંડના તાર રાજકોટ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા રાજકોટ જિલ્લામાં 100 વેપારીઓ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. એટલું જ નહીં વેપારીઓએ ચેકીંગ થી બચવા માટે બોગસ સોફ્ટવેરનું નામ ‘ઢીંગલી’ રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

સાબરકાંઠામાં બોગસ સોફ્ટવેર બનાવીને રેશનીંગનું અનાજ બરોબર વેંચવાનું કૌભાંડ ઝડપાયું હતું. જેનું પગેરૂ રાજકોટ સુધી નીકળ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના પુરવઠા વિભાગને માહિતી આપી હતી કે 32 જેટલા વેપારીઓ બોગસ સોફ્ટવેર થી રાજકોટમાં સસ્તા અનાજનું અનાજ બરોબર વેંચી દેવાનું કૌભાંડ આચરતા હોવાની માહિતી આપી હતી. પુરવઠા અને પોલીસના ચેકીંગમાં વેપારીઓ ઝડપાઇ નહિ તે માટે વેપારીઓ દ્વારા સોફ્ટવેરનું નામ ‘ઢીંગલી’ રાખવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

વેપારીઓ મોબાઈલ એપના આધારે આચરતા હતા કૌભાંડ

રેશનકાર્ડ ધારકોના નામ, આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટનો ‘ગેમ સ્કેન’ અને ‘સેવડેટા’ નામના સોફ્ટવેરનો મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી કાર્ડધારકોના નામે સરકારી અનાજના ખોટા બિલ બનાવીને બારોબાર સગેવગે કરવામાં આવતું હતું. અંદાજિત 100 જેટલા વેપારીઓએ કરોડો રૃપિયાનું સસ્તા અનાજનું વેંચાણ કરવામાં આવ્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

32 નહિ અંદાજે 100 જેટલા વેપારીઓ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની આશંકા

સોફ્ટવેરની મદદથી સસ્તા અનાજનો જથ્થો બરોબાર વેચી મારવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં પુરવઠા વિભાગની તપાસમાં માત્ર 32 જ વેપારી સામે આવ્યા હતા. પરંતુ હવે આ કૌભાંડમાં અંદાજે 100 જેટલા વેપારીઓ બોગસ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. જેથી હવે રાજકોટના પુરવઠા વિભાગના કર્મચારીઓની કાર્યવાહી ઉપર પણ શંકા ઉપજી છે.

ઉપરથી તપાસનો આદેશ આવ્યો, પણ તપાસ પૂર્વે જ તે વાતની જાણ વેપારીઓને થઈ ગઈ!!

19 ઓગસ્ટના રોજ ગાંધીનગર પુરવઠા નિયમકે રાજકોટ જિલ્લા કલેકટરને પત્ર પાઠવીને 32 વેપારીઓ સામે તપાસ કરવા આદેશ કર્યો હતો. જોકે તપાસનું પેપર ફૂટી ગયું હતું. જેથી રાજકોટમાં તપાસ આવે તે પહેલાં જ વેપારીઓ સતર્ક થઈ ગયા હતા અને કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઇલમાંથી એપ્લિકેશનો દૂર કરી દીધી હતી. આધાર પુરાવાનો નાશ કરી દેવામાં આવી હોવાની વિગતો ચર્ચાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.