Abtak Media Google News

અબતક-રાજકોટ

માનવજીવનમાં કેટલાંક મંગલ પ્રસંગ આવે ? કેટલાં શુભ કાર્યો થાય ? અગણિત ! એ દરેકે દરેક શુભ-મંગળ પ્રસંગે કોઇપણ ભારતીય, વિશ્ર્વના કોઇપણ ખૂણે વસતો ભારતીય પ્રસંગના પ્રારંભમાં હૃદ્યથી, ભક્તિભાવ પૂર્વક સંભારતો હોય એવા એકમાત્ર સર્વમંગલ કરનાર દેવ એ ગણેશજી ! ગણપતિ મંગલ દેવતા છે. ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર છે. એકવાર શિવજી કૈલાસ પર્વતની ગુફાઓમાં તપ કરવા ચાલ્યા ગયા ત્યાર પછી એક સવારે સ્નાન કરવા જતાં પહેલા પાર્વતીજીએ પોતાના શરીર પર લગાડેલ લેપમાંથી એક બાળકનું સર્જન કર્યું અને તેનું નામ પાડ્યુ વિનાયક.

મહાદેવી તેને પોતાના ભવનની રક્ષાનું કામ સોંપી સ્નાન કરવા ગયા અને કોઇને પણ અંદર ન આવવા દેવાની વિનાયકને આજ્ઞા આપી. એવામાં શિવજી પધાર્યા. પિતા-પુત્ર એકબીજાથી અજાણ ! તેથી વિનાયકે માતાની આજ્ઞા પ્રમાણે મહાદેવને અંદર જવાની મનાઇ ફરમાવી. છેવટે ક્રોધિત શિવે ત્રિશૂળથી વિનાયકનું મસ્તક છેદી નાખ્યું. મહાદેવી પુત્રની અવદશા જોઇ વ્યાકુળ થઇ ગયા તેથી શિવજીને પણ પોતાની ભૂલ સમજાઇ ગઇ અને તેમણે અન્ય નવજાત પ્રાણીનું મસ્તક લાવવાની શિવગણને આજ્ઞા આપી.

અંતે એક હાથીના બચ્ચાનું મસ્તક મળ્યું અને તે વિનાયક ધડ પર મૂકી શિવજીએ તેના નિષ્પ્રાણ દેહને સજીવન કર્યો, ત્યારથી વિનાયક બન્યા ‘ગજાનન’ ! શિવજીએ પુત્ર ગજાનનને આશિર્વાદ આપ્યા કે દરેક શુભ કાર્યના પ્રારંભમાં ગજાનનને સૌ પ્રથમ પુજવામાં આવશે, વળી પુત્રને તેમણે પોતાના ગણનો અધિપતિ પણ બનાવ્યો તેથી ગજાનન બન્યા ગણપતિ ! વિધ્નહર્તા ગણપતિ ની સ્તુતિ કરવાથી તમામ વિધ્નોનો નાશ થાય છે અને શુભકાર્ય સફળતાથી પાર પડે જ છે.

ગણપતિએ જેમ ઉંદર પર સવાર થઇ તેને અંકુશમાં રાખ્યો તેમ આપણે પણ આપણી ચંચળ વૃત્તિઓ, ઇન્દ્રિયો પર કાબૂ રાખી સંયમી જીવન જીવવાનું છે. આમ ગણેશ આપણને સંયમ રાખવાનું પણ શીખવી જાય છે. ખાસ કરીને મંગલદેવ ગણપતિ બીજું પણ ઘણું શીખવે છે. તેમના નાના પગ કાઇપણ કાર્યમાં ઉતાવળ ન કરતા, ધીરજ અને સચોટ રીતે કામ કરવાનું શીખવે છે. તેઓને મોદક પ્રિય-લાડુ પ્રિય છે. તેમના હાથમાં રહેલ લાડુ આનંદનું સૂચન કરે છે. ભાદરવા સુદ ચોથના દિવસે પાર્વતી ગણેશનું પાથિવપણે (મૂર્તિપૂજા) પૂજન કરતા ત્યાથી ચોથનો-ગણેશ ચતુર્થીનો મહિમા ચાલ્યો આવે છે.

(પ્રાસંગિક: પ્રદિપ ખીમાણી)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.